________________
સંપાદકીય
ડૉ. નીરુબહેન અમીત
પ્રગટ પરમાત્મા આત્મજ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન પ્રરૂપિત આપ્તવાણી શ્રેણી-૧૦ બે ભાગમાં વહેંચાયેલી છે, પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ. જેમાં પૂર્વાર્ધમાં ખંડ-૧ અંતઃકરણ, ખંડ-૨ મનનું વિજ્ઞાનનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ખંડ-૩ બુદ્ધિ, ખંડ-૪ ચિત્ત અને ખંડ-પ અહંકાર સંબંધનાં વિજ્ઞાન ખુલ્લાં થયાં છે.
જ્ઞાની પુરુષ પોતે ખુલ્લંખુલ્લા કહે છે કે અમે અબુધ છીએ. બુદ્ધિ અમારામાં સેન્ટ પણ નથી. અને પોતે મનનાં તમામ લેયર્સ, બુદ્ધિના તમામ લેયર્સ ઓળંગી, ઓળખી, અનુભવીને જ્ઞાનપ્રકાશમાં પ્રવેશ્યા છે. તેમાં રહીને અંતઃકરણનું વિજ્ઞાન ખુલ્લું કરે છે.
પૂર્વાર્ધમાં મનનું વિજ્ઞાન કહી જાય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ખંડ૩માં બુદ્ધિનું સ્વરૂપ શું ? તેના સ્વભાવ-લક્ષણો શું છે ? તેનો શાન ડિરેક્ટ પ્રકાશ સાથે સંબંધ શો છે ? બુદ્ધિ સંસારમાં કેટલી હિતકારી છે કે અહિતકારી છે અને મોક્ષમાર્ગે ક્યાં સુધી હેલ્પ કરે ? જ્ઞાનીને ઓળખવા બુદ્ધિ કેવી રીતે હેલ્પ કરે ? સંસારમાં બધા બુદ્ધિ માર્ગો છે, મોક્ષે હાર્દિલી માર્ગથી જવાય. તે સંબંધે તેમજ બુદ્ધિવાળા જ્ઞાની ઉપદેશકો તેમજ અબુધ આત્મજ્ઞાનીની યથાર્થ ઓળખાણની સુંદર છણાવટ આપે છે. એથી આગળ સામાન્ય જીવન વ્યવહારમાં બુદ્ધિથી ઊભા થતાં ગૂંચવાડા અને તેની ડખોડખલ સાથે ઉકેલ કેવી રીતે મેળવવા, તેની અસામાન્ય સમજ ઉત્તરોતર વાચકને પ્રાપ્ત થયા કરે છે. સૂઝ અને બુદ્ધિ એની સૂક્ષ્મ સમજ ખૂબ જ અદ્ભુત રીતે જ્ઞાની પુરુષ કહી જાય છે, ત્યારે અક્રમ વિજ્ઞાનની સૂક્ષ્મતમ પરાકાષ્ટાની હદ હૃદયે સ્પર્શી જાય છે. બુદ્ધિની પરાકાષ્ટા પામીને પછી પર ગયેલા અબુધ જ્ઞાની પુરુષ જ બુદ્ધિના સમગ્ર દૃષ્ટિબિંદુથી ખુલાસા આપી શકે તેમજ જ્યારે પ્રખર બુદ્ધિશાળીઓના ભેજા તોડી નાખે તેવા તમામ પ્રશ્નોના, બુદ્ધિ સમાઈ જાય, બુદ્ધિને જરાય ગાંઠે નહીં તેવા અક્રમ વિજ્ઞાનથી અબુધ જ્ઞાની પુરુષ સમાધાની ફોડ આપે છે, ત્યારે જ્ઞાની પ્રત્યે, આ અક્રમ વિજ્ઞાન પ્રત્યે ‘અહો ! અહો !' થઈ ધન્યતા અનુભવાય છે.
7
ખંડ-૪ માં ચિત્તનું સ્વરૂપ, તેના ગુણ, તેના ધર્મો, તેના સ્વભાવ, મનથી તેનું જુદાપણું કેવી રીતે છે, તે આદિની સુંદર સમજણ પ્રાપ્ત થાય છે. જગત આખાના તમામ ધર્મો ચિત્તશુદ્ધિ પામવા માટે જ છે અને અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાની પુરુષ બે કલાકમાં તે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરાવી મુક્તિનું દાન આપી દઈ શકે છે. ચિત્તશુદ્ધિની અંશતઃ મૌલિક શુદ્ધતા પામ્યા પછી બાકી રહેલી અશુદ્ધિ, ચિત્તવૃત્તિઓનું સ્વરૂપ શું, તેની શુદ્ધિના તમામ સાધનો ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પ્રસ્તુત ગ્રંથમાં સમાવેશ પામે છે. ચિત્તનું વિજ્ઞાન જ્ઞાની પુરુષ જ્યારે ખુલ્લું કરે છે અને સંપૂર્ણ ઊંડાણ જ્ઞાનવાણી દ્વારા સરળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે ત્યારે આધ્યાત્મિક શ્રેણીનો પુરુષાર્થ સહેજે માંડી શકાય તેવી દૃઢતા અનુભવાય છે. સંસારમાં રહે પણ મુક્તદશા પામ્યાના થર્મોમિટર સુજ્ઞ વાચકને જડી જાય છે.
સંસારી કાર્યોમાં ચિત્તની હાજરી-ગેરહાજરીથી લાભાલાભના સુંદર ફોડ જ્ઞાની આપે છે. ચિત્ત ગેરહાજરીના જોખમો પ્રત્યે લક્ષ દોરે છે. જે સામાન્ય બાબત હોવા છતાં જીવનમાં પ્રત્યેક અવસ્થામાં ચિત્ત હાજરી અનિવાર્ય બની જાય છે. ચિત્ત વધારે ક્યાં ઝલાય છે અને ચિત્ત પ્રમાણથી વધુ ખોવાતું જાય તો મનુષ્યમાંથી અધોગતિમાં કઈ દશા પમાય ને ચિત્તશુદ્ધિ થઈ આત્મભાવમાં એક ચિત્ત થઈ જાય તો ઉર્ધ્વગામી દશામાં કઈ શ્રેણી પમાય આદિના સર્વ ફોડ ચિત્તના વિજ્ઞાનમાં સુજ્ઞ વાચકને પ્રાપ્ત થઈ જાય છે.
ખંડ-પમાં સંપૂર્ણ નિર્અહંકાર દશામાં વર્તતા જ્ઞાની પુરુષ અહંકારના ઉદ્ભવ સ્થાનથી માંડીને તેના વિસ્તારના સમગ્ર ડાળાં-પાંદડાં ખુલ્લાં પાડી નાખે છે. અહંકારનું સ્વરૂપ શું, તેની વ્યાખ્યા, તેના ગુણધર્મો, લક્ષણો, આત્મા અને અનાત્માના સાંધા પર અજ્ઞાન દશામાં કેવી રીતે અહંકાર ઊભો થાય છે. અને જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળતાં એ અહંકાર વિલય પામે છે, પણ તે કર્મો બાંધનારો અહંકાર વિલય પામે છે. કર્મો ભોગવનારો અહંકાર જે બાકી રહ્યો, ડિસ્ચાર્જ અહંકાર તેનું સ્વરૂપ શું ? કેવી રીતે કાર્યાન્વિત બને છે ? અને તેની વિકૃતિ સ્વરૂપે ગાંડો અહંકાર ઊભો થાય તો મોક્ષમાર્ગે કેવી રીતે બાધક બને છે ? આદિ તમામ ફોડ પણ પ્રસ્તુત સંકલનમાં મૂકાયાં છે.
8