________________
(૨) બુદ્ધિનું સ્વરૂપ
રાત્રે તમને બુદ્ધિએ કંઈક દેખાડ્યું કે ફલાણા માણસે મારું નુકસાન કર્યું છે, એવું દેખાડ્યું કે એની સાથે તમે ઈમોશનલ (ચંચળ) થઈ જાવ. બુદ્ધિ જંપીને બેસવા ના દે. બુદ્ધિ ઈમોશનલ કરે કે ના કરે ? તમારે કોઈની જોડે લડવાનું બને કે ? તમારે લડવાનું નહીં ને કોઈ જોડે ?
પ્રશ્નકર્તા : ઈમોશનલ હોય તો લડવાનું થાય.
દાદાશ્રી : હા, ઈમોશનલ જ હોય બધું. જગત જ બધું ઈમોશનલ હોય. છંછેડે કે ઈમોશનલ થઈ જાય. મોટા મોટા આચાર્યો છે ને, એને આપણે કહીએ કે તમારામાં અક્કલ નથી. તો એ પેલા ફેણ માંડે કે ના માંડે ? ફેણ માંડે તે જોયેલી ? એ ઈમોશનલ થઈ જાય બિચારાં. મોશન (સહજ)માં રહે અને ઈમોશનલ થાય એમાં ફેર નહીં ? શું ફેર ?
પ્રશ્નકર્તા : ઈમોશનલમાં માણસને દુઃખ-સુખની અસર થાય.
દાદાશ્રી : તે બુદ્ધિ ઈમોશનલ કરે. આ જાનવરો બધા મોશનમાં રહેવાનાં, ઈમોશનલ નહીં થવાનાં. ઈમોશનલ આ મનુષ્યો જ થાય છે. આ જેમ ટ્રેઈન છે એ મોશનમાં રહે છે, તે ઈમોશનલ થાય તો શું થાય ? આમ કુદતી કૂદતી જાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : એક્સિડન્ટ થાય.
દાદાશ્રી : તેમાં બેસનારાંને મઝા આવી જાય ને ? મહીં બેઠેલાં બધાં રમકડાં તૂટી જ જાય ને ? જેમ ગાડીમાં પેલા માણસો મરી જાય એવું આ શરીરમાં નાની જીવાત પાર વગરની છે, તે આ ઈમોશનલ થવાથી શરીરમાં લાખ્ખો જીવો મહીં ખલાસ થઈ જાય છે. ઘણા દોષ બેસે. અને પછી કહેશે, ‘હું અહિંસક છું. જીવડાં મારતો જ નથી. હિંસા તો મેં કરી જ નથી !' મેર ચક્કર, આખો દા'ડો હિંસા જ થયા કરે છે ! આ નર્યા જીવો જ મરી રહ્યા છે. મહીં નરી જીવાત જ ભરેલી છે. તે ઈમોશનલ થાવ ત્યારે લાખો જીવોની હિંસાની જોખમદારી તમારે માથે આવે છે અને એ જોખમદારી ભોગવ્યે જ છૂટકો. એવી જોખમદારી
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) છે આ. એ ઊડી જાય એવી જોખમદારી નથી આ. પણ એ તો કુદરતી રીતે જ બધાને હોય. જેમ પરણેલા માણસને જોખમદારી ભોગવવી પડે છે, એમનાથી લાખો જીવોનું નુકસાન જ થાય છે ને ? એવી આ એક જોખમદારી છે. અને તેનાં પાપ લાગે છે ને પાછી ફરજિયાત છે. એ ખબરેય નથી કે કેટલાં પાપ થઈ રહ્યાં છે. પણ તે ઘડીયે ભયંકર પાપો બાંધે છે, પણ એનું ભાન નથી. અજાણ્ય બાંધે છે પણ અજાણ્યાનાં પાપેય છોડતા નથી ને જાણેલાનાં પાપેય છોડતા નથી. અજાણ્યાનાં અજાણ્યાની રીતે ભોગવવા પડશે અને જાણેલા જાણીને ભોગવવા પડશે.
પ્રશ્નકર્તા : ઈમોશનલમાં જીવાત કેવી રીતે મરી જાય ?
દાદાશ્રી : જે ગાડી કૂદતી કૂદતી ચાલે ને, ઈમોશનમાં, એવી રીતે આખા શરીરમાં બધા અવયવો ધ્રૂજી ઊઠે, ઈમોશનલ થાય તે વખતે. તે કેટલાય જીવો મહીં મરી જાય છે. આમ સહજમાં એકુય જીવ ના મરે. અત્યારે કશુંય ના થાય. પેલી પાર વગરની હિંસા છે.
પ્રશ્નકર્તા: બુદ્ધિથી ઈમોશનલપણું વધે છે ?
દાદાશ્રી : બુદ્ધિ ઈમોશનલ સ્વભાવની જ છે. એનો સ્વભાવ જ ઈમોશનલ છે અને જ્ઞાન ઈમોશનલ ના કરે, મોશનમાં રાખે. તમારો ફ્રેન્ડ તમારી આગળ ચાલતો હોય ને એના ગજવામાંથી પૈસા પડતા હોય, તો તમે પાછળથી શું કરો, જોવામાં આવે કે તરત ? હેય, હેય, હેય, તારા ગજવામાંથી.......! અમને તો જ્ઞાન, તે જોયા કરીએ. છેટે રહીને બૂમ પાડીએ કે ભાઈ, તમારા ગજવામાંથી પૈસા પડે છે. અમે દોડીને ઝાલી ના લઈએ અને બુદ્ધિ ઈમોશનલ કરે.
જ્ઞાન શું કહે છે ? મોશનમાં રહો, ઈમોશનલ ના થાવ. બધું મોશનમાં જ શોભે. ઈમોશનલ થયું કે નકામું. ઈમોશનલ બહુ નુકસાનકર્તા છે. જે બુદ્ધિ પોતાનું નુકસાન કરે છે એ બુદ્ધિને માટે વાંધો કહું છું. જે બુદ્ધિ ઈમોશનલ કરાવે છે, મોશનમાં રહેવા દેતી નથી, મોશનમાંથી ઈમોશનલમાં લઈ જાય છે એ બુદ્ધિને માટે કહું છું.