________________
૩૮૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨)
પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
અહંકાર શી રીતે કાઢીશ ? દાદાશ્રી : અહંકાર છે તમારામાં ? પ્રશ્નકર્તા : થોડોઘણો તો હોય જ ને ?
દાદાશ્રી : થોડોઘણો ? અને બીજો ક્યાં ગીરો મૂકી આવ્યા ? આ અહંકાર જો આટલો નાનો જ હોયને તો હમણે છંછેડે તો આવડો મોટો થઈ જાય. ઘણા સંતોએ અહંકાર નાનો કરેલો હોય છેને, બિલકુલ નાનો. આપણે એમને ‘આમ આમ’ હલાવીએને ત્યારે ફેણ માંડે. તે અહંકાર મોટો થઈ જાય. છંછેડોને તો ફૂંફાડો મારે. માટે અહંકાર નાનો-મોટો ના બોલવું કોઈ દહાડો.
પ્રશ્નકર્તા : આ દેહ જ અહંકારથી ભરેલો છે.
દાદાશ્રી : હા, ખરું કહે છે. આ દેહ જ બધો અહંકારનો ભરેલો છે. અહંકારથી તો આ બધું ઊભું થયેલું છે. એટલે અહંકારને નાનો કરવાનો પ્રયત્ન ના કરશો, અહંકારને દૂર કરવાનો પ્રયત્ન કરો. એ અહંકાર શું કરવા રાખી મૂક્યો છે ? વેચી દે ને.
પ્રશ્નકર્તા : એ માલ જલદી નથી વેચાઈ જતો. એના માટે તો તપશ્ચર્યા કરવી પડે.
દાદાશ્રી : શેનું તપ કરવું પડે ? પ્રશ્નકર્તા : અહંકાર ઉપર કાબૂ મેળવવા માટે.
દાદાશ્રી : એમ ? ભૂખ લાગી તો સહન નથી થતી, ક્રોધ તો તારાથી થઈ જાય છે, તે વળી અહંકાર ઉપર તું શું કાબૂ મેળવવાનો છે તે? પણ તું અહંકારનોય ઉપરી ખરોને ?
પ્રશ્નકર્તા : હા, ખરો જ ને !
દાદાશ્રી : એમ ! અહંકાર તારો કે તું અહંકારનો ? તું અહંકારની માલિકીનો કે અહંકાર તારી માલિકીનો ?
પ્રશ્નકર્તા: અત્યારે તો મારો જ છે.
દાદાશ્રી : એ જો અહંકાર તારો હોય તો એને કહી દે ને કે ‘ભઈ, આજે અહંકાર કરવો નથી. અહંકાર બંધ કરી દે, નહીં તો હું તને ગેટઆઉટ કરી દઈશ.' કેમ કહેતો નથી ?
પ્રશ્નકર્તા : ઘણીવાર ખબર પડે છે એટલે પ્રયત્ન કરું છું ગેટઆઉટ કરવાનો, અહંકાર કાઢવાનો.
દાદાશ્રી : કાઢનારો કોણ ? પ્રશ્નકર્તા : આત્મા.
દાદાશ્રી : આત્મા થયા વગર તું શી રીતે કાઢનારો થઈશ ? આત્મા થવું પડેને ? તું પોતે જ અહંકાર સ્વરૂપ છે. તારું સ્વરૂપ જ અહંકાર છે. જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી તું અહંકાર સ્વરૂપ છે અને જ્ઞાન થયા પછી આત્મસ્વરૂપ પોતાનું થાય.
પ્રશ્નકર્તા : એટલે આ બધાનું કારણ તો અજ્ઞાન જ કહેવાય ?
દાદાશ્રી : અજ્ઞાન જ બધાનું કારણ છે. અને અજ્ઞાન શેનું છે પાછું ? આત્માનું જ અજ્ઞાન. બીજું બધું અજ્ઞાન હશે તો ચાલશે પણ આત્માનું અજ્ઞાન જવું જોઈએ. અમને આત્માનું અજ્ઞાન ગયું છે. બીજું બધું તો અમને સમજણ પડે કે ના પડે, ને જરૂર પડે તો તારા જેવા એક આવીને શીખવાડી જાય. પણ અત્યારે આત્માનું જ્ઞાન જાણનાર નથી હોતા, વર્લ્ડમાં. તે મારી પાસે આ સજેક્ટ (વિષય) બહુ સરસ આવી ગયોને ! અને તારે આર્કિટેક્ટનો સજેક્ટ આવ્યોને !