________________
અક્રમ જ્ઞાન ને જ્ઞાનીની આજ્ઞાનું પાલન, ચિત્તને ભટકતું અટકાવે છે. ને જ્ઞાની ના મળે તો બીજા ઉપાયો કર્યા કરવાના. ચોખ્ખું ઘી ના મળે, તો ડાલ્ડા ઘી રોટલી પર ચોપડવું.
| ચિત્તની ત્રણ ભૂમિકાઓ : એક ચિત્ત, અનેક ચિત્ત, અનંત ચિત્ત. અનંત ચિત્ત ઠેકાણા વગરનું, એ તો ઘેર જ ના આવે. ભટક ભટક જ કર્યા કરે. સ્થિરતા જ નહીં એને. આ મારાં સાસુ, આ મારાં વડસાસુ એ અનંત ચિત્ત. અનંત ચિત્ત છે તેથી તો આ સગાંવહાલાં, વસ્તુઓ યાદ રહે. વરાયું ચિત્ત અનંત સ્થાનોમાં. અનેક ચિત્ત સ્થિરતા ખરી, તેથી તો મંદિરે ગયા. એક ચિત્ત એ તો જોડે ને જોડે જ રહે, જ્યાં દેહ ત્યાં પોતે, આઘુંપાછું થાય જ નહીં. એક ચિત્ત થાય, એટલે થઈ ગયું કામ પૂર્ણ ! દાદા સ્વપ્નમાં આવે, તે એક ચિત્ત થાય એટલે. પાછા બે ચિય થઈ જાય ને ચિત્તભ્રમેય થઈ જાય. ચિત્ત ભ્રમ થાય, એટલે પોતાનું નામેય ભૂલી જાય.
(૪.૪) પરિણામો, ચિતતી ગેરહાજરીમાં ! ચિત્તને ચરવાનાં ગોચરો અનેક, મિત્રો જોડે બેઠો હોય ને ચિત્ત વાઈફ જોડે વાત કરે. જાનૈયાને બેન્ડવાજાં ના સંભળાય, ધંધામાં ઉઘરાણી કરનાર દેખાય. માળા ફેરવતા ફેરવતાં, શેઠ વિકારોમાં ખોવાયેલો હોય ! છોકરાં વાંચતી વખતે ક્રિકેટ રમવા જતાં રહે છે ને ! એકાગ્રતાથી એકવાર વાંચે, તો તે પરીક્ષામાં ભૂલાય નહીં.
બૈરી બિચારી ખૂબ મહેનત કરી, દિલોજાનથી પતિદેવ માટે રસોઈ બનાવે. ચાર કલાક ભઠ્ઠી આગળ તપીને, ભાવથી થાળી સજાવીને પતિદેવને ધરે ને એ અક્કરમી ખાતી વખતે મિલમાં ગયો હોય ! સેક્રેટરી જોડે વાતો કરતો હોય ! તે બટાકાવડાં છે, ભજિયાં છે, તે જમતી વખતે ચિત્ત જમવામાં હાજર રહે છે ? ચિત્તની ગેરહાજરીમાં જમે તો, હાર્ટ એટેક ને હાર્ટ ફેઈલની લાઈન ક્લિયર થઈ જાય. આ તો વગર મોતે મરવાના જ રસ્તા ખોળ્યા ને લોકોએ.
વકીલોય જમતા હોય, ત્યારે જજ જોડે પ્લીડીંગ કરતા હોય.
શરીરમાં મોટામાં મોટી વસ્તુ છે ચિત્ત. ચિત્તને શાંત કરવાનું છે. અક્રમ વિજ્ઞાનથી ચિત્ત ઠરીઠામ બને છે.
કૃપાળુદેવ શું કહેતા, “હે ચિત્ત, તને અમારા પણ નમસ્કાર છે !” ચિત્ત ભગવાનમાં રહે તો સંસારમાં નિર્લેપ રહે. મહાત્માઓને દાદા
જ ચિત્તમાં રહે. ‘ઉપર ભી દાદા, નીચે ભી દાદા, આગે ભી દાદા. પીછે ભી દાદા, દાયે ભી દાદા, બાયે ભી દાદા, જહાં મેં દેખું, દાદા હી દાદા, દાદા કે બિના અબ હૈ આધા.’ જેનું ચિત્ત “આમ” દાદામાં તન્મયાકાર રહે, તેનું પછી ચિત્ત ક્યારેય બગડે ? ચિત્ત બીજા કોઈમાં જતું હોય તો તેને લબાડ સમજવું અને જ્ઞાની પુરુષમાં જતું હોય તો તેને પરમાત્મપદ મળવાનું.
દાદાશ્રીનો સત્સંગ સાંભળતાં જ, ચિત્ત એકાગ્ર થઈ જાય ને અંતરશાંતિ થઈ જાય. ને ચિત્ત સહેજે શુદ્ધ રહ્યા કરે.
દાદાશ્રી કહે, “અમારું ચિત્ત તો ક્યારેય ભટકવા ના જાય. જેમ મોરલી આગળ સાપ ડોલે, તેમ ચિત્ત શુદ્ધાત્મામાં જ તન્મયાકાર રહે.”
(૪.૫) વિશ્લેષણ, ચિત્તવૃત્તિઓ તણું ! ચિત્તને ભટકવાનું કારણ શું ? સુખ મેળવવા માટે. અનાદિ કાળથી એ જ શોધે છે. એનો અંત ક્યારે આવે ? સનાતન સુખ મળી જાય ત્યારે. આ તો ટેમ્પરરી સુખ મળે છે, કારણ કે ટેમ્પરરી વસ્તુમાંથી મેળવે છે માટે.
અક્રમ જ્ઞાન મળે એટલે પ્રથમ, સાંસારિક દુઃખનો અભાવ તરત જ થઈ જાય છે. પછી અમુક વર્ષો પછી, તો સ્વાભાવિક સુખનો સદ્ભાવ શરૂ થાય.
જે વૃત્તિ પહેલાં વિનાશી વસ્તુઓમાં બહાર ભટકતી હતી, તે હવે નિજ ઘર વળી, સ્વ સ્વભાવમાં ભળી. જેની ચિત્તવૃત્તિઓ ઘરની બહાર જ જતી નથી, દાદાનાં દર્શન સ્વપ્નામાં થાય, તેની ચિત્તવૃત્તિઓ વિશ્રામ પામે છે.
વૈકુંઠ એટલે વૃત્તિઓને કુંઠિત કરવી. કૃષ્ણ ભગવાનને ભજનારા ત્યાં સુધી પહોંચે.
ચિત્ત ફિલ્મ પાડ્યા જ કરે. જુએ ને થાય કે કેટલું સરસ છે અથવા તો કેટલું ખરાબ છે, તો ફિલ્મ પડ્યા વગર રહે નહીં. જ્યાં ગમ્યું, ત્યાં ચિત્તની ટેપ બગડે. તેથી ફોટા બહુ ના લેવા.
મંદિરમાં, દેરાસરમાં ઘંટ શા માટે વગાડે છે ? ચિત્ત એકાગ્ર થાય એ માટે. ભગવાનને આંગી, ફૂલોના શંગાર શા માટે કરવામાં આવે છે ? મૂર્તિનો ચિત્ત ફોટો લે એ માટે. નહીં તો બીજા ફોટાઓ ચિત્ત લીધા જ કરે.
ચિત્તવૃત્તિઓ ભટકે છે કેમ ? અજ્ઞાનતાને કારણે. બીજું બધું બંધાય પણ ચિત્તવૃત્તિઓ ના બંધાય.