________________
(3)
મતતી ઉપયોગિતા, મોક્ષમાર્ગે
મોક્ષે જવાનું તાવડું !
પ્રશ્નકર્તા : બધાય મનને મારો' એમ જ કહે છે.
દાદાશ્રી : હા. મનને કેમ મારવાનું ? એ શોધખોળ લોકો ખોળી કાઢે. મનને મારી નાખે તો રહ્યું શું તારી પાસે ? મન વગર તો માણસ જીવી જ ના શકે. મોક્ષે જતાં સુધી મન જોઈશે. મનને લોક મારી નાખે છે, ભાંગી નાખે છે ને ? બહુ ખોટું કહેવાય. મન એ મોક્ષનું કારણ જ છે. એ મનથી જ બંધાયો છે ને મનથી જ છૂટે છે.
પ્રશ્નકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે મન જ મનુષ્યનાં બંધનનું અને મોક્ષનું કારણ છે, એમ ?
દાદાશ્રી : બરોબર છે. મોક્ષે જવું હોય તોય મન લઈ જાય. કારણ કે બંધાયેલા એનાથી છે. માટે આપણે મનને ભાંગી ના નાખવું જોઈએ. મન નાવડું આ બાજુ વળે તો મોક્ષે જાય ને આ બાજુ વળે તો સંસારમાં ભટકે. માટે જ્ઞાન માર્ગ ઉપર ચઢાવવા માટે આ બાજુ વાળનાર જોઈએ.
પ્રશ્નકર્તા : મન માંકડું છે એવું પણ કહે છે ને ? દાદાશ્રી : એનું તો આપણે નામ પાડેલું ગમે તેવું. કોઈ માંકડું કહે, કોઈએ નાવડું કહ્યું.
પ્રશ્નકર્તા : પણ ખરેખર મન માંકડું છે ?
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : માંકડું નથી, પણ નાવડું છે. બાકી માંકડાનો અનુભવ થતો હોય તો વારે ઘડીએ દાંતિયા કર્યા કરે. એટલે આપણે માંકડું કહેવું જ પડે ને ? અને નાવડું એટલે શું ? સંસારમાં ઊંધે રસ્તેય લઈ જનારું આ મન છે અને સદ્રસ્તેય લઈ જનારું આ છે. માટે જ્યાં સુધી કિનારે ના પહોંચાય ત્યાં સુધી આ મનને ભાંગી ના નાખીશ.
૧૦૦
સંસાર સમુદ્રમાં છીએ હજુ, કિનારો દેખાતો નથી અને આપણું નાવડું તોડી નાખીએ, જ્યારે ત્યારે આ નાવડું તોડી નાખવાનું છે એમ માનીને, કોઈ પુસ્તકમાં વાંચેલું હોય તેના આધારે અત્યારે તોડી નાખીએ તો શું સ્થિતિ થાય ?
પ્રશ્નકર્તા : અધવચ્ચે ડૂબી જાય.
દાદાશ્રી : તે એવું આ લોકોને થાય. હા, લોકો કહેશે કે મનમાં વિચાર આવે તો બહુ દુ:ખ દે છે.' એટલે લોક મને કહે છે કે, ‘ઑપરેશન કરી નાખો, મન ભાંગી નાખો.’ ‘અલ્યા, ભંગાય નહિ, રહેવા દે. મન તો સાબૂત જોઈશે.’
મનની તો બહુ જરૂર છે. મન છે તો આ સંસાર છે ને ત્યાંથી જ આ મોક્ષે જવાય છે. જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી મન સંસારમાં રાખે છે અને તમારી જરૂરિયાત બંધ થઈ જાય, એટલે તમને મોક્ષે પણ એ લઈ જાય છે. એટલે સંસાર સાગરમાં નાવડારૂપે છે એ. તે જ્યારે તમને મોક્ષે જવું હશે ને ત્યારે કિનારા પર પહોંચાડે. કિનારે આવ્યા પછી એને છોડી દેવાનું, અલવિદા આપી દેવાની. ઉતર્યા પછી કહીએ કે ‘જય સચ્ચિદાનંદ.' તું ને હું જુદા. એટલે મનનો વિરોધ કરવાનો નથી. મન તો બહુ સારામાં સારી વસ્તુ છે. મન એના ધર્મમાં જ છે, ગુણધર્મમાં જ છે.
મન એનો ધર્મ બજાવે છે, એને બિચારાને શું કરવા માર માર કરો છો ? એ તો મોક્ષે લઈ જનારું નાવડું છે અને અધોગતિમાંય લઈ જનારું નાવડું છે. સંસારમાં રઝળપાટેય કરાવનારું છે. તમને નાવડું હાંકતા આવડવું જોઈએ. મોક્ષે જવામાં એ નાવડું ક્યારે હેલ્પ કરે ?