________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ બધું કરી દઈએ. એના મનને વશ કરીએ. જેને પોતાનું મન વશ થઈ જાય એટલે બીજાનું મન વશ વર્તે. જગતનો નિયમ એવો છે. આ બહાર જે દુકાનો છે, તેમાં પોતાને પોતાનું મન વશ થાય એવું નથી.
૫૦૪
કોઈ માણસ કહેશે, ‘ભાઈ, આ તો જ્ઞાની છે.' ત્યારે આપણે પહેલામાં પહેલું પૂછવું કે, ‘કેટલા માણસનાં મન વશ વર્તે છે ?” ત્યારે કહે, ‘એનું જ નથી વશ વર્તતું ને !' એટલે બોલ્યા પરથી નહીં જુઓ. એણે કેટલાનાં મન વશ કર્યા છે તે તું જોઈ આવ, જા. એટલે તારે પછી પૂછવું જ નહીં પડે. ખબર પડી જાય કે ના પડી જાય ? એ તો ઊઘાડું પડી જાય ને ? તદન ઊઘાડું પડી જાય. ઓપન ટુ સ્કાય હોય ને !
પ્રશ્નકર્તા : એ ટેસ્ટ બહુ સરસ છે.
દાદાશ્રી : હા, ટેસ્ટ વગર તો જગત કેમ ચાલે તે ? મને હઉ લોકો કહે છે ને, ‘દાદા, તમારા જેવું બોલતા હતા.’ મેં કહ્યું, ‘હા, ભાઈ, મારા જેવું જ બોલે. શબ્દો કંઈ બહારથી લાવવાના છે ? આના આ જ શબ્દો.' અને મારું પુસ્તક વાંચીને બોલે તોય કોઈ ના પાડે છે ? બધું લાયસન્સ છે. પણ તારે પરીક્ષા કરવાની શક્તિ જોઈએ. આપણે પૂછીએ ને કે ‘બાપજી, આપને કોઈ માણસના મન વશ વર્તે છે ?” ત્યારે એ કહે, ‘એ પાછું શું પૂછો છો ?” ત્યારે આપણે કહીએ, “ભાઈ, મન વશ વર્તે તો હું તમારી પાસે બેસું, નહીં તો હું બેસવાનો નથી. મારો ટાઈમ બધો નકામો જાય !' આ તો બાપજી બોલે છે ને લોક સાંભળે છે પણ એક માણસ ફેરફાર થયો નથી. શી રીતે થાય તે ? પહેલાં પોતે ફેરફાર થવો જોઈએ. પોતાનું મન સંપૂર્ણ વશ રહેવું જોઈએ. અને મન વશ કરનાર માણસનો એકુંય શબ્દ બાધક ના હોય. કારણ કે બાધક શબ્દ જ્યાં આવ્યા ત્યાં ધર્મ પૂરો છે જ નહીં. એ માણસ ધર્મને સમજતો જ નથી. બાધક વાક્ય એક પણ ના હોવું જોઈએ, ત્યાં સંપૂર્ણ ધર્મ છે. સંસાર બિલકુલ પદ્ધતિસર જ છે. સંસારમાં કશું બાધક રાખવા જેવું છે જ નહીં અને બાધકની જે વાતો કરે છે, એ સાધક-બાધક છે.
વિજ્ઞાન, મન વશનું !
જ્ઞાની પુરુષને તો કેટલાય લોકોનાં મન વશ થઈ ગયેલાં હોય. આ તમારા જમાઈનું મન વશ થઈ ગયેલું અહીં આગળ. તમારી દીકરીનુંય મન વશ થઈ ગયેલું છે. એવાં કેટલાંય લોકોનાં મન વશ થઈ ગયેલાં હોય. જ્ઞાની પુરુષ કોને કહેવાય કે કેટલાય લોકોનાં મન વશ વર્તે. પછી કામ થઈ ગયું ને ! ઉકેલ જ થઈ ગયો ને !!
૫૦૫
શાસ્ત્રજ્ઞાની હોય, શાસ્ત્રનું જ્ઞાન ગમે એટલું હોય, બધું હોય, પણ બીજા એકુય માણસનું મન વશ એને વર્તે નહીં. કારણ કે એનું પોતાનું જ મન વશ વર્તતું ના હોય ત્યાં સુધી પોતાનો જ ડખો છે હજુ, ત્યાં સુધી બીજાનું મન વશ કેમ વર્તે ?
બીજાનાં મનને વશ કરે એ જ્ઞાની. તે આ વશ શા ઉપરથી ખબર પડે ? તો આપણે પેલાને પૂછીએ, તો એ કહે કે “મને ચોવીસેય કલાક દાદા યાદ રહે છે.’ એનું મન જ્ઞાનીને વશ વર્તે છે. એવું હોય જ નહીં કોઈ જગ્યાએ. તમને સમજ પડે છે ને આ બધી ? આ એકલો સહેલામાં સહેલો રસ્તો ! તપાસ કરવાનો. આ સહેલો રસ્તો છે કે અઘરો ? પ્રશ્નકર્તા : સાચો રસ્તો છે.
દાદાશ્રી : ઘણાંખરાંને પૂછે તો એ બધાં કહે કે મને દાદા નિરંતર યાદ રહ્યા કરે છે, સ્ત્રીઓનેય એવું. એ મન વશ કહેવાય. અને પાછાં આપણને જેવી રીતે દાદા કહે ને, એવી રીતે જ ચાલે. હું કહું કે આમ કરવાનું છે, ને એ રીતે કરે. એમાં બે મત ના હોય. કેટલાક ફેરો કોઈને ઇચ્છા હોય, પણ એને છે તે પૂર્વકર્મ બધાં સજ્જડ છે, એની ઇચ્છા જ હોય કે આ દાદા કહે છે, એ પ્રમાણે જ કરવું છે. પણ પૂર્વકર્મ ધક્કો મારીને જંપવા ના દે. એટલે થોડું દેવું ઓછું થશે ત્યાર પછી એને કંટ્રોલમાં, લગામમાં આવશે. ત્યારે મન વશ વર્ત્યા કરશે.
એટલે આ તો અજાયબી છે. પણ અજાયબી ન ઓળખે તેનું શું થાય ? હું શું કહું છું કે લાભ ઉઠાવી લો. આ દેખાય છે એ તો ખોખું જ છે. પણ આ ખોખું છે, ત્યાં સુધી આનો લાભ છે. બાકી, આ ખોખું ગયું કે લાભ બધોય ગયો. એટલે મિનિટેય બગાડો નહીં.