________________
આપ્તવાણી-૯
૭
તો તો તમે ભગવાન થઈ જાવ. પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. હજુ તમારી આડાઈ તમને ક્યાં દેખાય છે ? નહીં તો તમે ભગવાન થઈ જાવ.
તડે માત્ર આડાઈઓ !
માટે સીધા થવાની જરૂર છે. જો હું સીધો થઈ ગયો છું, તો છે ભાંજગડ કશી ? કેટલાય અવતારનો માર ખા ખા કરીને આ સીધો થઈ ગયો છું. કશું આડાઈ જ નથી ને, હવે. તમે કહો કે ‘નીચે હેંડો’ તો નીચે હેંડીએ. અમારે આડાઈ નામ ના હોય. તો ય કોઈ કહેશે, ‘તમે આવાં છો, તેવાં છો.’ પણ એ તો એવો ‘જે’ છે તેને એ કહે છે. હું પેલાને ખોટો ય નહીં કહું કે તું ખોટો છે. અને એ કોને કહે છે તે ય હું સમજી જઈશ. એ મને કહેતો નથી, પણ મારા ‘પાડોશી’ને કહે છે.
પ્રશ્નકર્તા ઃ તમારા પાડોશી કોણ ?
દાદાશ્રી : આ ‘એ. એમ. પટેલ' ઇઝ ધી ફર્સ્ટ નેબર. ‘હી ઇઝ કોન્ટ્રાક્ટર ઓલ્સો, ઇન્કમટેક્ષ પેયર ઓલ્સો'! એને એ કહે છે.
લોક કહેશે, ‘સંસારમાં જ્ઞાન થાય નહીં.’ અરે, ‘ઇન્કમટેક્ષ પેયર’ છે અને ‘કોન્ટ્રાક્ટ’નો નાગો ધંધો કરે, તો ય ‘જ્ઞાન’ થયું ! એ જુઓ તો ખરાં ! માટે આ સંસારમાં શું નડે છે ? તારી આડાઈ જ નડે છે અને મેં તો મારામાં બહુ આડાઈઓ દેખી હતી. અને એ આડાઈઓ બધી ખલાસ થઈ તો હું ‘જ્ઞાની’ થઈ ગયો. મહીં આડાઈ ના રહે તો જાણવું કે જ્ઞાની થઈ ગયા.
આડાઈતું સ્વરૂપ !
પ્રશ્નકર્તા : આડાઈનું સ્વરૂપ શું સમજવું ?
દાદાશ્રી : દિલ ઠરે એવી વાત હોય તો ય સ્વીકાર ના કરે, પોતાનાં મતે જ ચાલે. અમે કોઈને કશુંય કહીએ નહીં, દબાણ ના કરીએ. છતાં કોઈને કશું કહીએ અને જો કદી એ ના માને તો એને આડાઈ જ કહેવાય ને ? પોતાના મતે જ ચાલવું છે ને ? કે ‘જ્ઞાની’ની આજ્ઞાથી ચાલવાનું ?
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : ખરેખર ‘જ્ઞાની'ની આજ્ઞાથી જ ચાલવાનું છે.
દાદાશ્રી : બધી આડાઈ જ હોય. બધે જ્યાં હો ત્યાં આડાઈથી જ બધું ઊભું રહ્યું છે ને ! ફક્ત અમારામાં આડાઈ ના હોય. અમે આડાઈ શૂન્ય થઈ ગયેલા છીએ. કોઈ દબાણ કરે કે, ‘તમારે ફલાણું કામ કરવું જ પડશે. નહીં તો અમે બધાં ઉપવાસ કરીશું.' દુ:ખમાં પડતાં હોય તો અમે કહીએ કે, ‘લે ભઈ, કરીએ. પણ ઉપવાસ ના કરશો.’
પ્રશ્નકર્તા : એ આડાઈ ના કહેવાય ?
દાદાશ્રી : ના. આડાઈ આ કહેવાય કે ‘અમે ઉપવાસ કરીશું.' અહીં જગત આખું અટક્યું છે.
પ્રશ્નકર્તા : અને જ્યારે આપ કહો તો એ વખતે તેવું ના કરવું, એને આડાઈ કહેવાય ?
દાદાશ્રી : આડાઈ જ કહેવાય ને ! ત્યારે બીજું શું ? કંઈ ‘દાદાજી’ એવું કહે ખરાં કે આમ કરી લાવ ?! કંઈ આપણા હિતનું હોય તો જ કહે ને ?! માટે ત્યાં આડું ના થવું.
સમજણથી સરળતા !
તમે આડાઈ જોયેલી કે કોઈનામાં ? એ આડાઈ માણસોમાં હોય છે એવું જોયેલું ?
પ્રશ્નકર્તા : મારા પોતાનામાં જ હતી ને, દાદા. ભયંકર આડો હતો હું. દાદાશ્રી : એમ ?! જે આડો હતો, તેને ય ‘પોતે’ જાણે ! કારણ કે જાણનાર જુદો ને ?! કે આડો થનાર તે જ જાણનાર હશે ? ના, આડો થનાર તે હોય જાણનાર. આમાં જાણનાર જુદો છે, જાણનાર ‘પોતે’ છે. પછી આડાઈ બધી તમારી જતી રહી, નહીં ?
પ્રશ્નકર્તા : હજુ છે, દાદા.
દાદાશ્રી : તો પાંસરું થવું પડશે. આડાઈ તો ના ચાલે. અને જો આપણા આ ‘જ્ઞાન’થી પાંસરા નહીં થાવ, તો લોક મારી-ઠોકીને પાંસરા