________________
આપ્તવાણી-૯
૩૭૩ ખાઈ આવે. આ “જ્ઞાન” જ એવું છે કે કપટ રહે જ નહીં, કોઈ પણ માણસને.
પ્રશ્નકર્તા : આ કપટ જાગૃતિ નથી રહેવા દેતું ?
દાદાશ્રી : જાગૃતિ તો ક્રોધ-માન-માયા-લોભેય ના રહેવા દે, કપટ તો બેભાન કરી નાખે. પોતાને ય ખબર ના પડે કે શું કપટ થયું છે. પોતાને ખબર ના પડવા દે કે હું કપટ કરી રહ્યો છું !! ક્રોધ-માન-માયાલોભની વખતે તો ભાન આવે ય ખરું. આ કપટ તો બહુ ગૂઢ હોય. એમાં કરનારને ય ખબર ના પડે.
પ્રશ્નકર્તા : એમાં કરનારને ખબર ના પડે, તો એ ઓળખે શી રીતે ? કપટ કરનારને પોતાને જ ખબર ના પડે એ દોષ કાઢે કઈ રીતે ?
દાદાશ્રી : એને પોતાને નહીં, બધાને ! કપટ થાય તેની ખબર જ ના પડે.
પ્રશ્નકર્તા : એ કપટવાળા દોષો કાઢે શી રીતે ? દાદાશ્રી : મુશ્કેલી છે. પ્રશ્નકર્તા : એ કપટનું સ્વરૂપ ઓળખવું કઈ રીતે ?
દાદાશ્રી : કપટનું સ્વરૂપ તો સંસારના પોતાના લાભો ઊઠાવવા માટે બીજાઓને પોતાના અભિપ્રાયે ખેંચવા, બીજાને પોતાના અભિપ્રાયમાં લઈ લેવા, વિશ્વાસમાં લેવા ! એ કરનારને ય ખબર ના હોય કે આ હું ખોટું કરી રહ્યો છું. એવી ખબર જ ના હોય.
પ્રશ્નકર્તા : સંસારી લાભમાં શું સમાય ? એટલે મુખ્યપણે મોક્ષનો ધ્યેય હોય એ સિવાયનું ગણાયને ?
દાદાશ્રી : મોક્ષનો ધ્યેય તો આ “જ્ઞાન” પછી હોય જ. પણ આ લત પડેલી જાય નહીં, આદત પડેલી જાય જ નહીં. પોતાને ખબર જ ના પડે ને ! પોતાને ખબર જ ના હોય. લોભે ય ખબર ના પડે. કોઈ લોભિયાને ‘પોતે લોભી છે” એવી ખબર ના પડે. ફક્ત માન અને ક્રોધ,
૩૭૪
આપ્તવાણી-૯ બે ભોળા એટલે ખબર પડી જાય. માયાની કંઈ ખબર પડે નહીં, લોભની ખબર પડે નહીં.
પ્રશ્નકર્તા : એટલે કપટ ઘણું કરીને આ સંસારી લાભ માટે....
દાદાશ્રી : કપટ તો બહુ વસમું. મોટામાં મોટી કડાકૂટ હોય તો આ કપટ. હવે એ એમ ને એમ છૂટે ક્યારે ? કે સંસારી લાભ ઉઠાવવાનો છૂટે, તો ! એને તો તો મોક્ષ જ છે ને !
પ્રશ્નકર્તા : જાગૃતિ એને જ કીધીને ? દાદાશ્રી : જાગૃતિ નહીં, આ ઉપાય બતાવ્યો.
પ્રશ્નકર્તા : આ સાંસારિક હિત છે ને આ આત્મિક હિત છે એવું રહે એને જાગૃતિ કીધીને ? - દાદાશ્રી : એ તો જાગૃતિ કહેવાય. પણ જાગૃતિ જ ના રહે, બિલકુલ જાગૃતિ ના રહેને ! જાગૃતિ ના હોય તો જ કપટ ફરી વળે ને ! નહીં તો ય પેલી લત તો છૂટવી જોઈએ ને ! લત ! સાંસારિક સુખો ભોગવવાની જે લત પડી ને !
પ્રશ્નકર્તા : લત આખી ફેરવવી પડેને ? એ લત પાછી ફરે કઈ રીતે ?
દાદાશ્રી : લત પડેલી જ છે. અત્યારે નિવેડો લાવવાનો છે. પ્રશ્નકર્તા: કેવી રીતે ?
દાદાશ્રી : એ લત તો, આપણે “કંઈ જ જોઈતું નથી, મને સુખ મળે છે' કહ્યું કે તે લત તરત છૂટવા માંડે. કંઈ જ જોઈતું નથી’ નક્કી કરેને, ત્યારથી લત ફરશે.
પ્રશ્નકર્તા : સાંસારિક લાભમાં શું શું વસ્તુ સમાય છે ?
દાદાશ્રી : બધી વસ્તુઓ ! એ ગાડીમાં બેસતો હોય તો યે ડખો કરે, બસમાં બેઠો હોય ત્યાં ય ડખો, જ્યાં જુઓ ત્યાં ડખો કરે.