________________
આપ્તવાણી-૯
૩૫૩
નહીં તો પ્રગતિ રૂંધાય ! અમે અમારો ‘પ્રોગ્રેસ’ છોડીએ નહીં. અમે એક વખત વિનંતી કરી જોઈએ. બાકી, અમે તો વાત છોડી દઈને આગળ ચાલવા માંડીએ. અમે ક્યાં સુધી બેસી રહીએ ?! અમે તમને સમજ પાડીએ. પણ જો તમે તમારી પકડ પકડો તો અમે તરત છોડી દઈએ. અમે જાણીએ કે આમને દેખાતું નથી, તો આપણે ક્યાં સુધી બેસી રહીએ ? બેસી ના રહેવું જોઈએને ? આપણે આપણી ચાલતી પકડવી જોઈએને ? કારણ કે એને આગળ દેખાતું જ નથી ને !
અહીંથી ત્રણસો ફૂટ છેટે એક સફેદ ઘોડો લઈને કોઈ માણસ ઊભો હોય અને આપણે કોઈકને પૂછીએ કે ભઈ, પેલું શું ઊભું છે ? ત્યારે એ કહેશે કે, “ગાય ઊભી છે.’ તો આપણે પેલાને મારવો જોઈએ ? શાથી ના મારવો જ જોઈએ ? આ પેલા ઘોડાને એ ગાય કહે છે ને ? માટે એને મારવો જ જોઈએને ? ના ! એની એવી ‘લોંગ સાઈટ' ના હોય, એમાં એનો બિચારાનો શો દોષ ? એ તો સારું છે ને, કે ગધેડો નથી કહેતો ! નહીં તો એ ગધેડો કહે તો ય આપણે ‘એક્સેપ્ટ' કરવું પડે. એને જેવું દેખાયું તેવું એ કહે છે. એવું છે આ જગત ! સહુ સહુને, જેને જેવું દેખાયું એવું એ બોલે છે.
આ ઘોડાના દ્રષ્ટાંત પરથી વાતને તમે સમજી ગયા ને ? જેવું દેખાય એવું જ બોલેને, લોક ? એમાં એનો દોષ ખરો ? આપણે સમજી લેવું કે એને બિચારાને દેખાય છે જ આવું, માટે આ આવું બોલે છે. તો આપણે કહીએ કે હા ભઈ, તારી દ્રષ્ટિથી આ બરોબર છે. ત્યાં આપણે એમ પણ ના કહેવું જોઈએ કે ના, અમારી દ્રષ્ટિથી અમારું બરાબર છે. એટલું જ કહેવાય કે તારી દ્રષ્ટિથી બરાબર છે. નહીં તો પાછો કહેશે કે, ‘ઊભા રહો, ઊભા રહો. તમારી દ્રષ્ટિથી શું છે એ મને કહો.” એમ પાછો ઊલટો બેસાડી રાખે. એનાં કરતાં તારી દ્રષ્ટિથી બરોબર છે, કહીને આપણે હેંડવા જ માંડવાનું !
અમે આમ દેખાઈએ ભોળા, પણ બહુ પાકા હોઈએ. બાળક જેવા
૩૫૪
આપ્તવાણી-૯ દેખાઈએ, પણ પાકા હોઈએ. કોઈની જોડે અમે બેસી ના રહીએ, ચાલવા જ માંડીએ. અમે અમારો ‘પ્રોગ્રેસ’ ક્યાં છોડીએ ?
‘જ્ઞાની પુરુષ' પાસે હિતની વાત હોય. એમની પાસે બે શબ્દ સમજી લે ને, તો બહુ થઈ ગયું ! બે શબ્દ સમજવામાં આવે, ને એમાંથી એક જ શબ્દ જો કદી હૃદયમાં પહોંચી ને પચી જાય તો એ શબ્દ મોક્ષ લઈ જતાં સુધી એને છોડે નહીં. એટલું વચનબળવાળું હોય, એટલી વચનસિદ્ધિ હોય એ શબ્દની પાછળ !
છૂટવા માટે ગજબની શોધખોળ ! આ તેથી આપણે કહ્યું ને, કે ભઈ, આ તમારા બધાનું સાચું. પણ અમારું આ સ્પર્ધાવાળું નથી. આ અજોડ વસ્તુ છે. તારે હલકું કહેવું હોય તો હલકું કહે, ભારે કહેવું હોય તો ભારે કહે. પણ આ છે અજોડ ! આની સ્પર્ધામાં કોઈ નથી.
અમે કોઈની સ્પર્ધામાં નથી. અમને કોઈ પૂછે કે, ‘ભઈ, આ ફલાણા લોકોનું કેવું છે ?’ તો અમે તરત એમ કહીએ કે, અમને એનાં તરફ કંઈ રાગ-દ્વેષ નથી. જે છે એવું કહી દઈએ. અમારે સ્પર્ધા નથી. લેવાદેવા જ નથી ને ! ને આ સ્પર્ધામાં અમારે નંબર લાવવો નથી. મારે શું કરવાનો નંબરને ? મારે તો કામ સાથે કામ છે.
અમારી પાસે ય આડું બોલનારા આવે ત્યારે હું કહું કે, ‘આ તો અમે આવું જાણતા જ નહોતા. તમે કહ્યું ત્યારે અમે જાણ્યું. અને તમે તો બધું જાણીને બેઠેલા છો.’ એમ કહીને એને પાછો કાઢીએ, હા, નહીં તો એને હરાવીએ તો એને ઊંઘ ના આવે અને આપણને દોષ ચોંટે. તો એના કરતાં સૂઈ જા ને ! ‘તું અમારાથી જીત્યો. માટે ઘેર જઈને રેશમી ચાદર પાથરીને તું સૂઈ જા.’ અમે એવું કહીએ છીએ ઘણા લોકોને. એના મનમાં એમ કે લાવ ને, થોડુંક જીતીએ. એટલે આપણે કહીએ કે તું જીત્યો, લે ! એને જો હરાવીએ ને, તો એને ઊંઘ ના આવે. અને મને તો હારીને ય ઊંઘ આવવાની છે. જેમ હારું છું એમ વધારે ઊંઘ આવે છે.
હારવાનું શોધી કાઢો ! આ નવી શોધખોળ છે આપણી. એ જીતેલો