________________
આપ્તવાણી-૯
૩૪૫
આપની પાસે એવી ઇચ્છા થાય કે હું કાંઈ ન થઉં, વિશેષતા બિલકુલ ના જોઈએ. ત્યાં વ્યવહારની અંદર હોય કે હું કંઈક છું ને મારે કંઈક થવું છે.
દાદાશ્રી : કારણ કે ત્યાં ‘રેસકોર્સ’માં પડે છે ને ! આટલા બધા ઘોડા દોડે એમાં એ ય દોડે. અલ્યા, તું માંદો છે, બેસી રહે ને, છાનોમાનો ! અને એ તો ‘સ્ટ્રોંગ' ઘોડા. અને તેમાં ય આ બધા ઘોડાઓમાં પહેલા નંબરવાળાને જ ઇનામ મળવાનાં અને બીજા બધા તો હાંફી હાંફીને મરી જવાના.
એટલે આ હરીફાઈમાં કોઈ મૂર્ખા ય મહીં ના પડે. હા, બસ્સો
પાંચસો ઘોડાને ઇનામ આપતા હોય તો આપણો નંબરે ય લાગી જાય એમ
માનીએ. પણ અલ્યા, પહેલો નંબર તો લાગવાનો નથી. તો શું કરવા અમથો આ ‘રેસકોર્સ’માં પડ્યો છે ? સૂઈ જાને, ઘેર જઈને. આ ‘રેસકોર્સ’માં કોણ ઊતરે ? આમના ‘રેસકોર્સ'માં ક્યાં ઊતરાય તે ? કોઈ ઘોડો કેટલો જોરદાર હોય ! કોઈ ચણા ખાતું હોય, કોઈ ઘાસ ખાતું હોય !! એટલે હું આ સંસારમાં ‘રેસકોર્સ’માં પડ્યો નહીં. તેથી મને આ
‘ભગવાન’ જડ્યા !
ને ઈનામ તો પહેલા નંબરવાળાને જ ! બીજા બધા તો રખડી મરે. હાંફી હાંફીને મરી જાય તો ય કશું નહીં. એવા ન્યાયવાળા જગતમાં ‘રેસકોર્સ’માં પડાતું હશે ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : અને મનુષ્યનો સ્વભાવ સ્પર્ધાવાળો જ હોય. લોકોમાં સ્પર્ધા હોય ને ?
પ્રશ્નકર્તા : હોય ને ! એ તો પાણી થાય.
દાદાશ્રી : દરેક ક્ષેત્રમાં સ્પર્ધા હોય જ. અરે, ઘરમાં ય જો ત્રીજો માણસ આવ્યો હોય, એ દલીલબાજી કરે એવો હોય, તો ધણીધણિયાણીમાંય સ્પર્ધા ચાલે પછી. પેલી બઈ આમ બોલે, ત્યારે આ ભાઈ કહેશે, ‘બેસ, તું તો આમ કરે છે. પણ હું તો આમ કરી નાખું એવો છું.’
૩૪૬
આપ્તવાણી-૯ અલ્યા, બેઉ ઘોડા દોડ્યા ! કોણ ઇનામ આપશે તમને ? એટલે અમે તો કહી દઈએ કે ‘હીરાબાને જેવું આવડે એવું અમને આવડતું નથી.' એટલે અમે દોડવા દઈએ. ખૂબ દોડો, દોડો, દોડો ! પછી હીરાબા યે કહે, ‘તમે ભોળા છો.’ મેં કહ્યું, ‘હા, બરોબર છે.’
એટલે આ લોકો સ્પર્ધા કરે છે ને, તેથી દુઃખ આવે છે. આ તો ‘રેસકોર્સ’માં ઊતરે છે. આ ‘રેસકોર્સ’ જે ચાલે છે એને જોયા કર, કે આ કયો ઘોડો પહેલો આવે છે ?! એ જોયા કરે તો જોનારને કંઈ દુ:ખ થતું નથી. ‘રેસકોર્સ'માં ઊતરે છે તેને દુઃખ થાય છે. માટે ‘રેસકોર્સ’માં ઊતરવા જેવું નથી.
ટીકા, પોતાનું જ બગાડે !
અને બીજું, કોઈની યે ટીકા કરવા જેવું નથી. ટીકા કરનારનું પોતાનું બગડે છે. કોઈ પણ માણસ કશું કરે, તેમાં ટીકા કરનાર
પોતાનાં કપડાં તો પહેલાં બગાડે. અને એથી વધારે ઊંડો ઊતરે તો શરીર બગાડે. અને એથી વધારે ઊંડો ઊતરે તો હ્રદય બગાડે. એટલે
આ ટીકા એ તો પોતાનું બગાડવાનું સાધન છે. આમાં ઊતરવું નહીં જોઈએ. એ જાણવા ખાતર જાણવું. બાકી, એમાં ઊતરવું નહીં જોઈએ. આ અવતાર ટીકા કરવા માટે નથી મળ્યો અને કોઈ આપણી ટીકા કરે તો નોંધ લેવા જેવી નથી.
પ્રશ્નકર્તા : ટીકા કરનાર જીવને આપણા કામમાં કંઈ રસ પડ્યો હોય ત્યારે જ ટીકા કરે.
દાદાશ્રી : આ ટીકા એ તો અહંકારનો મૂળ ગુણ છે. એ સ્પર્ધાનો ગુણ છે એટલે ટીકા તો રહેવાની જ. અને સ્પર્ધા વગર સંસારમાં રહેવાય નહીં. એ સ્પર્ધા જાય એટલે છૂટકારો થઈ ગયો. આ ઉપવાસ કરે છે એ ય બધું સ્પર્ધાના ગુણથી ઊભા થાય. ‘પેલાએ પંદર કર્યા તો હું ત્રીસ કરું.’ છતાં એ ટીકા કરવા જેવી વસ્તુ નથી.
ટીકા કરવાથી પહેલાં આપણા કપડાં બગડે છે, બીજી ટીકાથી દેહ બગડે છે અને ત્રીજી ટીકાથી હ્રદય બગડે છે. બસ, એટલું જ ! માટે