________________
આપ્તવાણી-૯
૩૦૧
એને. કહેશે, ‘મેં ત્યાગ કર્યો. સ્ત્રીનો ત્યાગ કર્યો, કરોડો રૂપિયા છોડીને આવ્યો છું, તે મોક્ષને માટે જ આવ્યો હોઈશ ને !' ત્યારે મેં કહ્યું, ‘શેને માટે એ તો તમે જાણો. તમને હજુ કયો રસ ચાખવાનો ગમે છે, એ શું ખબર પડે ?! આ રૂપિયાનો રસ ના ગમ્યો, પણ બીજા તો જાતજાતના રસ હોય છે ને જાતજાતની કીર્તિઓ હોય છે.’ જ્યાં સુધી ગર્વરસ ચાખે છે, ત્યાં સુધી મોક્ષની વાતો કોઈએ કરવી નહીં.
દારૂડિયાને તો આપણે પાણી છાંટીએ ને, તો કેફ ઊતરે કે ના ઊતરે, પાંચ-સાત ડોલો પાણી રેડીએ તો ? પછી શું કહે બિચારો કે, ‘સાહેબ, મારા જેવો મૂરખ કોઈ છે નહીં, હું કશું સમજતો નથી. હું મૂરખ છું. અને સાહેબ, મને મારવો હોય તો મારો, પણ મને કંઈક આપો !’ તો હું પહેલો એને મોક્ષ આપું. કારણ કે મોક્ષ આપવાને એ લાયક થયો કહેવાય. આટલી જ લાયકાત મોક્ષ લેવાને માટે જોઈએ !
ដ្ឋ
ગર્વરસ ચઢાવે કેફ
અને શાસ્ત્રજ્ઞાન તો ઘણા અવતારથી વાંચ વાંચ કર્યા, પણ કશું દહાડો ના વળ્યો. તેથી કૃપાળુદેવે કહ્યું ને, શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નીવેડો છે. માટે જ્ઞાની પાસે જા. શું કામ પુસ્તકમાં માથાં ફોડ ફોડ કરે છે ને આંખો બગાડે છે ?! તે અમથો વગર કામનો ગા ગા કરે છે ! પછી મનમાં કેફ વધ્યા કરે, ‘હું જાણું છું’ એનો કેફ વધે. એ તો મોટો કેફ, પેલા દારૂડિયાને તો એક ડોલ પાણી રેડીએ ને, તો તરત ઊતરી જાય. પણ આમને કેફ ઊતરે નહીં. ઉપરથી ભગવાન આવે તો ય કેફ ના ઊતરે. ભગવાનમાં યે કલ્પના કરે ! કારણ કે, ‘હું જાણું છું’નો કેફ ચઢ્યો છે ને ! આ લોકોનો ક્યારે પાર આવે ?!
અને એની પાછળ જોડે જોડે પાછી માનની ભાવના ! ગર્વરસ તો ચાખવાની ટેવ છે જ ને, કે ગર્વરસ ચાખવાનો છોડી દેતાં હશે ?! ગર્વરસ છોડે નહીં ને ! એ તો બહુ મીઠો હોય. ‘મેં આમ કર્યું ને તેમ કર્યું' બોલીને ગર્વરસ ચઢ્યા જ કરે. પોતાનું કરેલું કોઈને કહી બતાવે, તે ઘડીએ એને કેવો આનંદ થાય છે ? બહુ આનંદ થાય છે, નહીં ?
૩૦૨
આપ્તવાણી-૯
અહમ્ રાખવો ‘જાણતો નથી'તો !
કોઈ પણ વસ્તુનો ધર્મ ક્યારે પ્રાપ્ત થાય ? કે મહાન પુરુષોનાં વચનોનું આરાધન કરવામાં આવે અને તેમાં ‘હું કંઈ જ જાણતો નથી' એવા ભાવથી કરવામાં આવે તો પુણ્ય બંધાય છે. ‘હું જાણું છું' એ ભાવથી કરે તો પાપ જ બંધાય.
પ્રશ્નકર્તા : પણ ‘હું જાણું છું' એ ભાવથી જ થતું હતું.
દાદાશ્રી : નહીં તો પણ, મારું કહેવાનું કે આ બધું વિરુદ્ધ કહેવાય. આ તો લોકો માને છે કે અમે પુણ્ય કરીએ છીએ. એટલું સારું છે, રમી રમવા જાય તેનાં કરતાં સારું છે આ !
પ્રશ્નકર્તા : પણ પાપ કેવી રીતે થાય ? પાપ તો થાય જ નહીં ને ? એનો આશય જ નથી. કોઈને દુઃખ પણ થતું નથી.
દાદાશ્રી : દુઃખ કરવાનું નથી. ગર્વરસ ચાખવો છે આમાં. મોટામાં મોટો ગર્વરસ ચાખે છે. ‘હું જાણું છું, હું સમજું છું !' અને પછી જે જે કરવામાં આવે એ બધી વાતમાં માલ નહીં. કહેવા જેવું નથી. બહુ ઉઘાડું ના કરવું. હું થોડું ઉઘાડું કરું, તે ખોટું દેખાય પછી. મોઢા પર ‘હું જાણું છું' એ ભાવ હોય ત્યાં કોઈ દહાડો ય ફ્રેશ ના દેખાય.
પ્રશ્નકર્તા : પણ અહમ્ સિવાય પ્રાપ્તિ શી રીતે થાય ?
દાદાશ્રી : અહમ્ તો કેવો રાખવાનો છે ? ‘હું કંઈ જ જાણતો નથી’ એવો અહમ્ રાખવાનો છે. ‘હું કંઈ જ જાણતો નથી’ એવો અહમ્ રાખી અને જે કાર્ય કરવામાં આવે તો એ અહમ્ ફળ આપે. નહીં તો ફળ જ ના આપે ને ! નહીં તો ‘પોઈઝન’ ચઢ્યા કરે, ઝેર ચઢ્યા જ કરે. વર્લ્ડમાં કોઈ આખા ચાર વેદના જ્ઞાતા હોય, તે અહીં આગળ આવે, ત્યારે એ મને કહે કે, ‘હું જાણું છું.’ ત્યારે હું તેને એક જ શબ્દમાં કહું કે, “કશું શકોરૂં યે જાણ્યું નથી તેં ! જાણ્યું તો એનું નામ કહેવાય કે કહેવું જ ના પડે.'
પ્રશ્નકર્તા : એ તામસ અહમ્ કહેવાય. એ સાત્ત્વિક અહમ્ ના કહેવાય ને ? સાત્ત્વિક અહમ્ હોય તો પ્રાપ્તિ થાય કે ના થાય ?