________________
આપ્તવાણી-૯
૨૮૯ એક જ અક્ષરમાં ફાટી જાય.
નિર્માતી : તિઅહંકારી ઃ નિર્મોહી ! અરે, અત્યારે તો કેટલાક સાધુઓ નિર્માની થઈને ફરે છે. તે ના ચાલે. નિર્માની જોયેલા કે તમે ? નિર્માની એટલે નિર્અહંકારી કહેવાય ને ?
પ્રશ્નકર્તા : હા, નિર્અહંકારી.
દાદાશ્રી : જો જો એવું બોલતા (!) નિર્માનીને નિર્માની અહંકાર હોય, ‘હું નિર્માની છું’ એવો અહંકાર હોય અને માની લોકોને માની અહંકાર હોય. આ માનીનો અહંકાર સારો, પણ નિર્માનીનો અહંકાર તો
ક્યા અવતારે ધોશો ? નિર્માનીપણું એ સૂક્ષ્મ અહંકાર છે, તે પેઠા પછી નીકળે નહીં કોઈ દહાડો ય. ‘નિર્માની છું, હું નિર્માની છું. અમે નિર્માની છીએ” કહેશે. તે નિર્માની થઈ બેઠો. એની પાછળ સૂક્ષ્મ અહંકાર છે. એનાં કરતાં આ સ્થળ સારો કે લોકો કહી આપે કે, “અલ્યા, આ તમારો આટલો પાવર છે, તેને લીધે છાતી કાઢીને ફરો છો કે ?” એવું કહે કે નહીં ? અને પેલાને તો કોઈ કહેનાર જ મળે નહીં. કોઈ વઢનાર જ મળે નહીં ને ! એ પછી વધ્યા જ કરે દહાડે દહાડે. એટલે મારે મોઢે કહેવું પડે છે કે જરા સમજો, નહીં તો રખડી મરશો. નિર્અહંકારી થવું પડશે. નિર્માનીપણું ના ચાલે. તમે સમજ્યા ને, નિર્માની એટલે શું ?
આ તમને ‘જ્ઞાન' આપીએ એટલે નિર્અહંકારી થાવ. પેલું નિર્માની એ પાછો મોટો અહંકાર છે. એ લફરું બહુ મોટું છે બળ્યું. આ માનનું લફરું તો સારું. એ ભોળું છે લફરું. તે કોઈ કહી આપે ય ખરાં કે, ‘અલ્યા, છાતી શાની કાઢો છો આટલી બધી ?” કહે કે ના કહે ? અરે, તમે જ પેલાને કહો ને, કે “હું કામ કરતો હોઉં તો આવી છાતી વગરનો ફરું છું ને તમે છાતી શાને કાઢો છો ?” પણ નિર્માનીને તો કોઈ કહેનાર જ નહીંને ! માન-બાન કશું યે નહીં. નિર્માનીપણું એ તો સૂક્ષ્મ અહંકાર છે, એટલે શું ? કે ઉપરનાં શીંગડા કાપી નાખ્યાં, પણ મહીંના શીંગડાં રહ્યાં. આ તો અંદરના ય શીંગડાં નહીં ચાલે ને ઉપરના ય શીંગડાં નહીં ચાલે ! અંદરના શીંગડા અંદરની કેડ ઊભી કરે. અને બહાર કૈડ તો હોય
૨૯૦
આપ્તવાણી-૯ નહીં ને, એમને. એમને બધાં સાફસૂફ કરી આપે, નોકર-ચાકરો હોય, તે માકણ-મચ્છર કાઢી આપે. તે બહાર કૈડે નહીં કશું ય પછી. પણ અંદરની કેડ શી રીતે છોડશે તમને ? અંદરની કેડ તો ખરેખરી કેડ છે. તમે જોયેલી કે નહીં કોઈ દહાડો અંદરની કેડ ?
પ્રશ્નકર્તા : જોયેલી, અનુભવેલી. દાદાશ્રી : એટલે નિર્અહંકારી થવું પડશે, નિર્માનીપણું ના ચાલે. પ્રશ્નકર્તા : એ તો દાદા, બીજો એક શબ્દ પર્યાય તરીકે, નિર્મોહી.
દાદાશ્રી : નિર્મોહી શબ્દ “ફુલ’ છે જ નહીં. નિર્મોહી એટલે સંપૂર્ણ મોહ વગરનો, એવું નથી. નિર્મોહી એ સંપૂર્ણ મોહ વગરના માણસ માટે કહેવાય નહીં. જેને મોહ ક્ષય થઈ ગયો, તેને નિર્મોહી ના કહેવાય. એટલે નિર્મોહી એ મોહ ક્ષય દશા નથી. ફક્ત અનાસક્ત શબ્દ એકલો ચલાવી શકાય, નિર્મોહી નહીં. નિર્મોહી ક્યાં સુધી ? અહંકારે કરીને મોહ જે દૂર કર્યો, તેને નિર્મોહી કહેવાય. અહંકારે કરીને જે માન દૂર કર્યું, એને નિર્માની કહેવાય. એટલે અહંકાર તો પોતે છે, ને બીજું બધું ઓછું કર્યું. કોઈકે ગાળ ભાંડી ‘મારે શું લેવાદેવા ?” કહેશે. પણ અહંકાર તો તેનો તે ખડો રહ્યો. નિર્મોહીપણાનો અહંકાર રહ્યો, નિર્માનીપણાનો અહંકાર રહ્યો. એ અહંકાર તો છેવટે કાઢવો પડશે ને !!
માનીનો અહંકાર તો “જ્ઞાની” ઓગાળી આપે. પણ નિર્માનીનો અહંકાર તો ભગવાનથીયે ઓગળે નહીં, એવો સૂક્ષ્મ અહંકાર છે. એ સૂક્ષ્મ અહંકાર ઊભો થાય તો માર્યા જશો. માટે કોઈકને પૂછીને કરજો.
કૃપાળુદેવે એટલા માટે લખ્યું છે કે આ જગતમાં મોક્ષ શાથી નથી થતો ? ત્યારે કહે છે કે આ લોભ કે બીજી કશી ભાંજગડ જ નથી. પણ જો માન ના હોત તો અહીં જ મોક્ષ થઈ જાત !
એ તો લોકોને ઉત્તેજના માટે લખેલું છે, ‘વ્યુપોઈન્ટ” દેખાડ્યું છે. વાત કરેક્ટ છે. તે અજ્ઞાની લોકોને દેખાડ્યું છે કે બીજું બધું હશે ને, તે જોઈ લેવાશે. પણ માન ઉપર જ લક્ષ રાખશો. માન જ આ સંસારનું મુખ્ય કારણ છે.