________________
આપ્તવાણી-૯
૨૪૫ પ્રશ્નકર્તા : આપે માન પકડયું, પછી માનને કઈ રીતે માર્યું ?
દાદાશ્રી : માન મરે નહીં. માનને આ આમ ઉપશમ કર્યું. બાકી, માન મરે નહીં. કારણ કે મારનારો પોતે, કોને મારે ? પોતે પોતાને માટે કેવી રીતે ? તમને સમજણ પડી ને ? એટલે ઉપશમ કર્યું ને જેમ તેમ દહાડા કાઢેલા.
ક્રોધથી ભયંકર ઉત્તાપતા ! મારે નાનપણમાંથી લોભ નહોતો. પણ માન બહુ ભારે હતું, એટલે ક્રોધે ય ભારે !
પ્રશ્નકર્તા : માનમાં જરાક પણ મગજમારી થઈ એટલે તમે કોપાયમાન થઈ જાવ, એમ ને ?
દાદાશ્રી : માનમાં એક વાળ જેટલું ઊભું થાય ને, તો ભયંકર ઉત્તાપના થાય અને સામા ય ધ્રુજી જાય બિચારો ! એવો ક્રોધ, તે સામાને બાળી મૂકે એવો ક્રોધ નીકળે. એવો જબરજસ્ત ક્રોધ હતો. કારણ કે બીજો લોભ નહીં ને ! ઘણા ફેરા તો મારા ક્રોધથી, એ જે અજ્ઞાનતામાં મારો ક્રોધ હતો એ જો ખરેખરો ઉકળ્યો હોય તો સામો માણસ ત્યાં ને ત્યાં જ મરી જાય. એક શીખ તો મરી જવાનો હતો, તે મારે જોવા જવું પડ્યું હતું ને માથે હાથ ફેરવ્યો ત્યારે રાગે પડ્યું.
એટલે અમે આ સ્થિતિમાં હતા. ઘેર કંઈ લાંબા રૂપિયા હતા નહીં. ખાલી ઉપરનો ડોળ, દેખાવ ! એમાં આ ઉપાધિ, ચિંતા પાર વગરની !
ગમતો અહંકાર દુઃખદાયી બન્યો ! ત્યારે આજુબાજુવાળા લોક શું કહે ? બહુ સુખી માણસ ! કંટ્રાક્ટનો ધંધો, પૈસા આવે-જાય. લોકો પર પ્રેમ, લોકોએ પણ પ્રેમદ્રષ્ટિ કબૂલ કરી કે ભગવાન જેવા માણસ, બહુ સુખી માણસ ! લોક કહે કે સુખી માણસ, ને હું ચિંતા પાર વગરની કરતો હતો. ને પછી એક દહાડો ચિંતા મટતી નહોતી, ઊંઘ જ નહોતી આવતી. પછી બેઠો અને ચિંતાનું પડીકું વાળ્યું. આમ વાળ્યું, તેમ વાળ્યું ને ઉપર વિધિ કરી. મંત્રોથી વિધિ કરી અને પછી બે ઓશીકા વચ્ચે મૂકીને સૂઈ ગયો, તે ઊંઘ ખરેખરી
૨૪૬
આપ્તવાણી-૯ આવી ગઈ. અને પછી સવારમાં પડીકાને વિશ્વામિત્રીમાં પધરાવી આવ્યો, પછી ચિંતા ઓછી થઈ ગઈ. પણ જ્યારે “જ્ઞાન” થયું ત્યારે બધું આખું જગત જોયું-જાણ્યું.
પ્રશ્નકર્તા : પણ “જ્ઞાન” પહેલાં એની યે જાગૃતિ તો હતી ને, કે આ અહંકાર છે એમ ?
દાદાશ્રી : હા, એ જાગૃતિ તો હતી. અહંકાર છે તે ય ખબર પડતી હતી, પણ એ ગમતો હતો. પછી બહુ કૈડ્યો ત્યારે ખબર પડી કે આ તો આપણો મિત્ર હોય, આ તો આપણો દુશ્મન છે, મજા નથી એ કશામાં.
પ્રશ્નકર્તા : એ અહંકાર દુશ્મન ક્યારથી લાગવા માંડ્યો ?
દાદાશ્રી : રાતે ઊંઘ ના આવવા દે ને, એટલે સમજી ગયો કે આ તો કઈ જાતનો અહંકાર ! એટલે તો એક રાતે આમ પડીકું વાળીને સવારે વિશ્વામિત્રી જઈને પધરાવી આવ્યો. શું થાય પણ ?
પ્રશ્નકર્તા : એટલે પડીકામાં શું મૂક્યું?
દાદાશ્રી : આ બધો અહંકાર ! મેલ પળો અહીંથી આ શેના સારુ તે ? વગર કામનાં, નહીં લેવા, નહીં દેવા ! લોક કહે ‘પાર વગરના સુખિયા છે અને મારે તો અહીં સુખનો છાંટો ના દેખાતો હોય, મહીં અહંકારની ચિંતા-ઉપાધિઓ થયા કરે ને !
સહેજ અહંકાર ઘવાયો કે આવી બન્યું, આખી રાત ઊંઘ ના આવે. અરે, પહેલાં તો લગ્નમાં જવું ને, તે ત્યાં કોઈએ આમ જે' જે કર્યું હોય પણ ના દેખાયું હોય તો વેષ થઈ પડે. પોતાની જાતને શું ય માની બેઠેલો. કશું નહોતું તેમાં, પણ મનમાં માની બેઠેલો ! એક સ્ટેટ હોય તો જાણે ઠીક છે કે બરોડા સ્ટેટ હતું. આ તો કશુંય નહોતું ને ! વગર સ્ટેટે ડોળ. ડોળી લોક કહેવાય. અને કપડાં પહેરવાનાં, જાણે બહુ યે મોટો ગાયકવાડ સરકારનો પિતરાઈ હોય ને, એવું ! હવે આમાં શું કાઢવાનું ?! પણ પછી ખરું રાગે પડી ગયું.
પ્રશ્નકર્તા : એ અહંકારથી જુદા રહીને વર્તતા હતા? એવું કશું?