________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
દાદાશ્રી : રૂપાંતરનો અર્થ જ એ કે ઉત્પન્ન થવું, સ્થિર થવું ને લય થવું, એનું નામ જ રૂપાંતર ! એટલે આ જગત વસ્તુ સ્વરૂપે ઉત્પન્ન ય થતું નથી ને લય પણ થતું નથી ને કશું થતું નથી. માત્ર વસ્તુઓની જે અવસ્થાઓ છે એનાં જ રૂપાંતર થયાં કરે છે !
પ્રશ્નકર્તા ઃ એમાં આત્માની શક્તિ નૈમિત્તિક કારણ ખરી કે નહિ ?
દાદાશ્રી : કશું ય લેવાદેવા નહિ. આમાં આત્માને શું લેવાદેવા ? આ દવાવાળાઓ નથી લખતા કે ભઈ, આ દવા ૧૯૭૭માં એકદમ ‘સીલ' કરેલી હોય છે તો ય ૧૯૭૯માં કાઢી નાખજો. શાથી કહ્યું ?
પ્રશ્નકર્તા : એનું તત્ત્વ ખલાસ થઈ જાય એટલે.
દાદાશ્રી : એમાં આત્માની શી જરૂર પડે ? એવું આ બધું છે. કાળ છે, તે દરેક વસ્તુને ખઈ જાય છે. કાળ દરેક વસ્તુને જૂની કરે છે અને પાછું દરેકને નવી પણ કરે છે.
રૂપાંતરમાં બધું ય આવી ગયું. રૂપાંતર એટલે શું ? કે ઉત્પન્ન થવું અને થોડીવાર ટકવું અને નાશ થવું !!
પ્રશ્નકર્તા : એક વસ્તુનો હજી ખ્યાલ ના આવ્યો. જગતની ઉત્પત્તિ અનાદિકાળથી કહ્યું, પણ ઉત્પત્તિનું કંઈક કારણ તો હોવું જોઈએ ને ?
દાદાશ્રી : એનું મૂળ કારણ ‘પઝલ' છે આ ! પ્રશ્નકર્તા એ ‘પઝલ’ને ‘સોલ્વ’ કરવા માટેની કોઈ શક્તિ હશે ને ?
દાદાશ્રી : ના, આમાં શક્તિની કશી જરૂર નથી. આ તે વિજ્ઞાન જાણીએ એટલે ‘પઝલ’ ‘સોલ્વ' થઈ જાય.
આ જગત છ તત્ત્વોનું બનેલું છે. તત્ત્વો એટલે અવિનાશી અને એ તત્ત્વો પોતાના સ્વભાવમાં જ રમ્યા કરે છે. પણ તત્ત્વો સામસામાં સમસરણ થાય છે એટલે આ બધા જાતજાતના દેખાવો દેખાય છે !
પ્રશ્નકર્તા : એ ક્યાં ક્યાં છે તત્ત્વો છે ?
દાદાશ્રી : એક ચેતન તત્ત્વ છે. બીજું જડ અને રૂપી તત્ત્વ છે. ચેતન અરૂપી છે. ત્રીજું, આ જડ અને ચેતનને આઘુંપાછું કરનાર તત્ત્વ છે, એનું નામ ગતિસહાયક તત્ત્વ છે. અને ગતિસહાયક તત્ત્વ જો એકલું હોત તો બધું ગતિ જ કર્યા કરત ! એટલે પાછું એને જડ-ચેતનને સ્થિર કરવા માટે સ્થિતિસહાયક તત્ત્વ છે. આ ચાર તત્ત્વો થયાં અને પાંચમું આકાશ અને છઠ્ઠ કાળ તત્ત્વ ! આ છ તત્ત્વોથી જગત ઊભું થયેલું છે. એ છે કે કાયમી તત્ત્વો છે.
કુદરતનું અકળ પ્લાનિંગ ! આ જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. દરેક વસ્તુ બધી એના સ્વભાવમાં જ છે અને સ્વભાવની બહાર કશું ગયું નથી. ફક્ત આ વ્યવહાર જે છે, તે આખો ય સમસરણ માર્ગ છે, અને તે સમસરણ માર્ગમાં આ જીવો આવેલા છે. એટલે ત્રણ ભાગ પાડ્યા છે. એક આ અવ્યવહાર રાશિ, બીજું વ્યવહારરાશિ અને ત્રીજું સિદ્ધક્ષેત્ર !
અવ્યવહાર રાશિના જીવો અનંતા છે, વ્યવહારમાં આવ્યા છે એ જીવો પણ અનંતા છે. પણ આ વ્યવહારમાં મનુષ્યોને ગણવો હોય તો ગણી શકાય એવા છે. અને જે વ્યવહારથી મુક્ત થયા છે, સિદ્ધગતિવાળા છે તે ય અનંત જીવો છે !
અવ્યવહાર રાશિના જીવો અહીં વ્યવહારમાં આવે છે. એમ માનો ને, પચાસ હજાર જીવો મોક્ષે ગયા તો બીજા પચાસ હજાર અવ્યવહાર રાશિમાંથી આવીને વ્યવહારરાશિમાં પ્રવેશ કરે, એટલે આ વ્યવહાર સરખો ને સરખો જ રહે છે.
વ્યવહાર કોને કહેવાય ? કે જે જીવો સમસરણ માર્ગ કરતા કરતા આવ્યા અને જેમનાં નામ પડ્યાં, એટલે જેને નામરૂપ ઊભું થયું ત્યાંથી એ વ્યવહારમાં આવી ગયા કહેવાય કે ‘ભઈ’ આ તો ડુંગળી, આ તો ગુલાબ, આ ચોખાનો દાણો, આ લીલ છે.’ ઠેઠ મોક્ષે જતાં સુધી અવસ્થાઓ નિરંતર બદલાયા જ કરે છે અને ‘ડેવલપમેન્ટ’ ચાલુ જ રહ્યા કરે છે. એકેન્દ્રિયમાંથી ધીમે ધીમે પછી આગળ એનું ‘ડેવલપમેન્ટ’ થતું થતું ઠેઠ પંચેન્દ્રિય સુધી