________________
૧૬૦
આપ્તવાણી-૬
[૨૨] તમને દુઃખ છે જ ક્યાં ? આ સંસારમાં તમને દુ:ખ છે જ ક્યાં? દુઃખ તો દવાખાનામાં છે, જ્યાં પગ ઊંચો બાંધેલો છે ! ભયંકર દાઝેલા છે, તેમને દુઃખ છે. તમને દુ:ખ જ શું પડ્યું છે ? અમથા બૂમાબૂમ કરો છો, વગર કામનાં !!! આમને તો છ-છ મહિનાની જેલમાં ઘાલી દેવા જોઈએ ! તમે સારી વસ્તુને ખરાબ કહો છો, તો ખરાબને શું કહેશો ? દવાખાનામાં જ્યાં દુ:ખ છે તેને દુઃખ કહો ને દુઃખ નથી તેને દુઃખ કેમ કહેવાય ? અમે અમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ છે એવું બોલ્યા નથી. આવું તો બોલાતું હશે? આપણે શું મૂરખ માણસ છીએ ? બે આની, ચાર આની, આઠ આની, બાર આની, બધું જ સરખું ?
દુઃખ તો દવાખાનાવાળાને છે. આ બંગલાઓમાં, પલંગમાં સૂતા છે, તેમને નથી. પગ ઊંચા બાંધેલા હોય, દાઝેલા હોય તેમને તમે જોઈ આવો તો પોતાને દુઃખ નથી એવો ભાસ થાય. કુદરતને માટે પોતાને આનંદ થાય કે ઓહોહો ! કુદરતે કેવી સરસ ‘પ્લેસ’ મને આપી છે ? આ તો લોકોને ભાન જ નથી ને ? આ તો સારાને વગોવ્યો ને નબળાનેય વગોવ્યો ! વગોવણું કરવું એ જ ધંધો છે. આને માણસાઈ કેમ કહેવાય ? કોને તકલીફ કહેવી, એની લિમિટ હોવી જોઈએ કે નહીં ? ‘આજે મને ભૂખ ના લાગી, આજે મને આ તકલીફ. આ તે કેવી મેડનેસ ?”
કેટલાક લોકો, મારા પગે ફ્રેકચર થયેલું ત્યારે પગે વજન લટકાવેલું જોઈને કહે, ‘તમને ભગવાને આવું શા માટે દુઃખ આપ્યું હશે ? હવે ભગવાન છે જ નહીં !'
અલ્યા, ભઈ, મને ક્યાં દુ:ખ આપ્યું છે ? એ તો તમને એવું લાગે છે. દુઃખ આને કહેવાય નહીં, દુ:ખ તો અહીં કાણું પાડીને ખાવાનું હોય, અહીં કાણું પાડીને પેશાબ કરવાનો હોય, એને દુઃખ કહેવાય. આ નાના બાબાઓ હોય, તેમને બહુ દુઃખ હોય બિચારાઓને. એને દુઃખ થાય ત્યારે રડે ખરો પણ બોલે નહીં કે મને આ દુઃખે છે ! અને આ અક્કરમીઓ ખાતી વખતે નવ રોટલી ખાઈ જાય ને કહેશે કે હું દુ:ખી છું ! શું કહેવાય આ લોકોને ? દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? અને સુખની વ્યાખ્યાય હોવી જોઈએ કે સુખ કોને કહેવાય ?
સંસારમાં સુખ અપાર છે પણ લોકોથી ભોગવાતું નથી ! કેવાં સુખો છે ! દૂધપાકેય જોડે મળે ને માલપૂડાય મળે, પાછા ચોખ્ખા ઘીના ! ઘારી મળે, દાળ, ભાત, શાક મળે તોય પણ આ દુઃખી ! આ મનુષ્ય સિવાય બીજાં જાનવરોને પૂછી આવો જોઈએ, ‘દુઃખ છે ?” એવું મનુષ્યમાંય હલકી કોમમાં પૂછી આવો જોઈએ ?
પ્રશ્નકર્તા : પણ તમે તો કહો છો કે ઘારી ખાવાની ને પાછું એમાં તન્મય નહીં થવાનું.
દાદાશ્રી : એ તમારી લાઈનની વાત છે. તમને જેવું રાજ કરતાં આવડે એવું રાજ કરો ! કેવાં સુખો સામે આવીને ઊભાં રહ્યાં છે, ત્યારે દુ:ખ ગા ગા કર્યા કરે છે !
આ જગતમાં કોઈ કાળે કાણ કરવા જેવું જ નથી. ફક્ત વીસએકવીસ વર્ષની જુવાન છોકરી હોય ને એને કંઈ હૈયું-છોકરું ના હોય ને તે વિધવા થઈ હોય તો તેની કાણ કરવા જેવી ખરી. કાણ એટલે ક્લેશ કરવા જેવી તો કોઈ વસ્તુ જ નથી જગતમાં ! તોય આખો દહાડો ક્લેશ, ક્લેશ ને ક્લેશ ! અલ્યા, શું ભણ્યા ? તમે કેવું ભણ્યા છો ? આનું નામ ભણતર જ ના કહેવાય ને ? “થીયરી' ઑફ રિલેટિવિટી' સમજવી જોઈએ ને ?