________________
આપ્તવાણી-૬
૧૨૯
શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે ‘અમે’ સ્વીકારીએ નહીં. ‘અમને’ અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગદ્વષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય !
વીતરાગો એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી. તારી અજ્ઞાનતા નડે છે ! દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાનતા જાય એટલે કર્મ બંધાતાં બંધ થઈ જાય !
[૧૮]
‘સહજ' પ્રકૃતિ પ્રશ્નકર્તા : જ્ઞાનીઓની સહજ પ્રકૃતિ કોને કહેવાય ?
દાદાશ્રી : વિચાર આવે અને અસર ના કરે, તો પ્રકૃતિ સહજ કહેવાય.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ સહજ કેવી રીતે થાય અને ક્યારે થાય ?
દાદાશ્રી : ચારિત્રમોહમાં ડખલ ના કરીએ, તો પ્રકૃતિ સહજ થતી જાય. ‘દરઅસલ’ આત્મા તો સહજ છે જ. પણ પ્રકૃતિ સહજ થાય એટલે મોક્ષ થાય.
આ પુરુષો કરતાં સ્ત્રીઓ સહજ છે, અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળાં વધારે સહજ છે અને તેમનાં કરતાંય આ જાનવરો, પશુપંખીઓ બધાંય સહજ છે !
પ્રશ્નકર્તા : આ બધાંની સહજતા જ્ઞાનથી છે કે અજ્ઞાનતાથી છે ?
દાદાશ્રી : એમની સહજતા અજ્ઞાનતાથી છે. આ ગાયો-ભેંસોની સહજતા કેવી છે, ગાય કૂદંકૂદા કરે, શિંગડાં મારવા આવે, છતાંય એ સહજ છે. સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે ! પણ આ અજ્ઞાનતાથી સહજ છે !