________________
૧૧૮
આપ્તવાણી-૬
[૧૬] વાત છતી સમજી જાવ ને પ્રશ્નકર્તા : ચારિત્ર કોને કહેવાય ?
દાદાશ્રી : ‘જ્ઞાતા-દ્રષ્ટારહ્યો એટલો જ ભાગ ચારિત્ર કહેવાય. ચંદુલાલ’ને તમે જોયા જ કરો, ચંદુલાલનું મન શું કરે છે, મનમાં શું શું વિચાર આવે છે, એની વાણી શું બોલી રહી છે ! એ બધાંને ‘તમે' જોયા જ કરો. આ બહાર બધા કોણ કોણ ભેગા થાય છે ! એ સ્થૂળ સંયોગો, પછી મનમાં સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો, એ બધાને તમે જોયા કરો, એ તમારો આત્માનો સ્વભાવ છે અને એ જ ચારિત્ર કહેવાય ! એમાં જોવું, જાણવું ને પરમાનંદમાં રહેવું હોય અને જગતનો ભ્રાંતિનો સ્વભાવ શો છે કે જોવું, જાણવું ને દુઃખાનંદમાં રહેવું ! દુઃખ ને આનંદ, દુઃખ ને આનંદ એ બંનેનું મિલ્ચર !!
પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ કેવી રીતે જાય ?
દાદાશ્રી : ‘દેહાધ્યાસ’ છે ત્યાં સુધી રાગ-દ્વેષ છે, “દેહાધ્યાસ” મટયો કે રાગ-દ્વેષ ગયા !
‘દેહાધ્યાસ’ એટલે આ દેહ તે હું છું, આ વાણી હું બોલું છું, આ મન મારું છે, એ દેહાધ્યાસ. તમારે આ બધું ગયું, એટલે દેહાધ્યાસ ગયો અને ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન રહ્યું એટલે પછી વીતરાગ કહેવાય. છતાં
રાગ-દ્વેષ જે દેખાય છે, તે તો થયા જ કરવાના; તેને ભગવાને ચારિત્રમોહ કહ્યો. મૂળ મોહ, દૃષ્ટિમોહ ઊડી ગયો. જે ઊંધો જ ચાલી રહ્યો હતો, તે હવે છતો ચાલવા માંડ્યો. દૃષ્ટિ છતી થઈ ગઈ. પણ પહેલાંનાં જે પરિણામ છે, તે મોહ, પરિણામી મોહ તો હજુ આવે. એને વર્તન મોહ કહેવાય. લોક તમને દેખાડેય ખરાં કે આ તમારો મોહ ભરેલો છે ને તેને આપણે ‘હા’ પાડવી પડે.
અહીં આજે ભગવાન જાતે આવ્યા હોય ને કોઈ પૂછે કે ભગવાન આ ‘મહાત્માઓ’ બટાકાનું શાક કેમ વારે ઘડીએ માગ માગ કરે છે ? શું આમનો આ મોહ ગયો નથી ?
ત્યારે ભગવાન એને શું કહે ખબર છે ? ભગવાન કહે, “આ મોહ છે, પણ એ ચારિત્રમોહ છે, ‘ડિસ્ચાર્જ' મોહ છે. એમની આવી ઇચ્છા નથી, પણ આવી પડ્યું એટલે આ બધો મોહ ઉત્પન્ન થાય છે અને આ ખાવાનું પતી ગયા પછી પાછું તેમને કશું જ ના રહે !' ખાવામાં જરા વિશેષતા થઈ, એ “ચારિત્રમોહ', અને ખાલી ભુખને માટે જ ખાધું, એમાં ચારિત્રમોહ ના કહેવાય. ભૂખને માટે ખાતાં પહેલાં કહે કે ‘શાક લાવો, ચટણી લાવો.’ તો આપણે ના સમજીએ કે આનો મોહ છે ? અને જમતાં જમતાં દાળ જરા રહેવા દીધી હોય તો તે પણ ચારિત્રમોહ છે. આપણે એમને પૂછીએ કે આ દાળ કેમ ના ખાધી ? ત્યારે એ કહે કે, “ના, બરાબર ઠીક ના લાગી.’ એ પણ એક પ્રકારનો મોહ જ છે ને ? ખાવાનું રહેવા દીધું તેય મોહ ને વધારે ખાઈ ગયો તેય મોહ.
અને જેને રાગ-દ્વેષ નથી, કશો મોહ નથી, એને તો જે સામે આવ્યું તે લઈ લીધું. બીજી કશી ભાંજગડ જ ના રહે, તેને તો કશો મોહ ના કહેવાય. પણ આ મોહની કિંમત નથી. આ મોહ તો લાખો મણનો હોય, પણ તે નિકાલી મોહ હોવાથી તેની કંઈ કિંમત જ નથી. દર્શનમોહ ગયા પછી, જે મોહ રહે છે તે ચારિત્રમોહ, એની કંઈ કિંમત જ નથી, તે ‘ ડિસ્ચાર્જ મોહ” છે અને દર્શનમોહ હજુ જેનો ગયો નથી એવા મોટા ત્યાગી હોય, પણ જો એ કોઈ દિવસ જરાક શાક વધારે માગે તોય એ મોહની બહુ કિંમત ! અલ્યા, ભઈ, અમે રોજ વધારે શાક માગીએ છીએ તોય અમને કશું મળતું નથી ને આમને એક દહાડામાં જ આટલું બધું મળે ?