________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
નાલાયક માણસ મને ભેગો નહીં થાય.
બુદ્ધિના આશયતો આધાર આ બધું બુદ્ધિના આશયને આધારે છે અને બુદ્ધિનો આશય છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધીન છે. એમાં પોતાનું કર્તાપણું નથી, કર્તાપણું માનવામાં આવે છે; તે ભ્રાંતિ છે અને તે ભ્રાંતિથી ફરી ફરી નવું ઊભું થાય છે. એ છૂટે જ નહીં કોઈ દહાડો ! બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ એમ ચાલ્યા જ કરે ! એક ફેરો ફળને ખાઈને બીજનો નાશ કરવામાં આવે તો ફરી એ ઝાડ ઊગે નહીં. બીજ એ અહંકાર છે. અહંકારનો નાશ કરી નાખ. જે ફળ આવ્યાં છે તે ખાઈ લે પણ બીજનો નાશ કર. આપણે એટલે જ કહીએ છીએ કે ‘ફાઈલો’ આવે તેને ભોગવો, એનો સમભાવે નિકાલ કરો. કેરી ઊપરનો ગર્ભ ખાઈ જાય ને બીજનો નાશ કરો. કેરી પરનો ગર્ભ એ તમારી બુદ્ધિનો આશય છે, એમાં ચાલે એવું નથી. એ તો ખાઈ જ જવો પડે. પણ ‘આ સારું છે કે આ ખરાબ છે', એવું ના બોલશો. ‘સમભાવે નિકાલ કરજો.
હવે કહે છે કે આત્માએ વિભાવ કર્યો, કલ્પના કરી. અલ્યા, કલ્પના કરી હોય તો કાયમની ટેવ હોય એને. તેથી આપણે કહીએ છીએ ને કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગા થયા. માટે આ વિભાવ ઊભો થયો. ‘સાયન્ટિફિક એટલે ગુહ્ય. ગુહ્યનો અર્થ શો ? કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ બધું ભેગું થઈને પછી આ ઊભું થયું. દાબડો પહેરાવ્યા પછી જે ભાવ ઉત્પન્ન થાય છે એ વિભાવ છે ને એને ભાવકર્મ કહે છે. આપણે એને વિશેષ પરિણામ ઊભાં થયાં કહીએ છીએ.
બે વસ્તુના સામીપ્ય ભાવથી વિશેષ પરિણામ, પોતાના ગુણધર્મ પોતાની પાસે રાખીને, વિશેષ પરિણામ ઊભાં થાય છે. જ્યાં સુધી આવડી આવડી કાકડી ભેગી ના થાય, ત્યાં સુધી મહીં ભાવ ઉત્પન્ન થાય છે કશો ? પણ ભેગી થાય એટલે વિશેષ પરિણામ ઊભાં થાય કે બહુ સરસ કાકડી છે ! પણ ના દેખીએ તો ભેગી ના થાય તો કશુંય નહીં !! ત્યારે કો'ક કહે, “આ લોકોને મોટું એકાંત ખોળી કાઢે કે જ્યાં માણસ ભેગાં જ થવા ના દે ત્યાં રાખીએ તો ?” પણ તે ના ચાલે ! એની જે સ્થાપના થયેલી
છે, પ્રતિષ્ઠા થયેલી છે ને, એ ફૂટશે અને બીજું પાછી નવી પ્રતિષ્ઠા ઊભી કર્યા વગર રહેવાનો નથી. આ જાતની, નહીં તો બીજી જાતની, પણ એને વિશેષ પરિણામ છુટે નહીં. પોતાનું સ્વરૂપભાન થાય, એ જે આનંદ, જે સુખ ખોળે છે એ સુખ મળે, એથી દ્રષ્ટિફેર થઈ જાય, દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય. પછી વિશેષ પરિણામ ઊભું ના થાય.
એટલે હકીકતમાં શું છે કે “શુદ્ધ જ્ઞાન એ આત્મા છે અને શુભાશુભ જ્ઞાન, અશુદ્ધ જ્ઞાન એ બધું જીવ છે.” શુભાશુભમાં છે ત્યાં સુધી જીવાત્મા છે, એ મૂઢાત્મા છે. શુદ્ધાત્મા એ તો, જ્યારે સમતિ થાય; પહેલું પ્રતીતિ બેસે, ‘હું શુદ્ધાત્મા છું.' કોઈ પણ માણસ એમ ને એમ ‘શુદ્ધાત્મા' થઈ જાય નહીં, પણ પહેલી પ્રતીતિ બેસે. પછી તે પ્રમાણે જ્ઞાન થાય ને તે પ્રમાણે વર્તન થાય. પહેલાં મિથ્યાત્વપ્રતીતિ હતી, તે મિથ્યાત્વજ્ઞાન ઊભું થયું અને મિથ્યાત્વવર્તન ઊભું થયું. જ્ઞાન થાય એટલે વર્તન એની મેળે જ આવ્યા કરે, કશું કરવું ના પડે. મિથ્યાત્વશ્રદ્ધા અને મિથ્યાત્વજ્ઞાન ભેગું થાય એટલે વર્તન એની મેળે તેવું થઈ જ જાય-કરવું પડતું નથી છતાં એ કરવાનું કહે છે, એ એનો અહંકાર છે. એણે એમ માન્યું કે, કડિયાકામમાં જ મજા આવશે ને કડિયાકામમાં જ સુખ છે, તો એ “કડિયો' થાય. પછી પ્રતીતિ બેઠી એટલે કડિયાકામનું એને જ્ઞાન ઉત્પન્ન થાય. અને જ્ઞાન ને શ્રદ્ધા બે ભેગી થઈ, એટલે વર્તન તરત આવડે જ. આમ હાથ મૂકે ને ઇટ ચોંટે, હાથ મૂકે કે ઇટ ચોંટે ! દરેક ઇટ આમ જો જો ના કરવી પડે.
એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું પોતાને ભેગું થાય. કોઈને કશું કરવું ના પડે. બુદ્ધિના આશયમાં ચોરી કરવાનું હોય ને તેની પાછળ પુણ્ય હોય તો તે બધું ભેગું કરી આપે. ગમે તેવાં છૂપાં કર્મો કરતો હોય અને લાખ સી.આઈ.ડી. એની પાછળ ફરતી હોય તોય તે ઉઘાડું ના થાય અને પાપનો ઉદય થાય ત્યારે સહેજમાં પકડાઈ જાય. આ કુદરતની કેવી ગોઠવણી છે ને ! છે પુષ્ય, ને પાછો મનમાં મલકાય છે કે, “મને કોણ પકડી શકે?’ એવો અહંકાર કર્યા કરે. હવે પાછું પાપ ભેગું થાય ત્યારે સોદા બંધ થઈ જાય.
આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે? પગાર આપનારો તારો શેઠ, પણ પુણ્યને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠનેય કર્મચારીઓ મારે.