________________
આપ્તવાણી-૬
શ્રી દાદા સદ્દગુરવે નમોનમઃ
આપ્તવાણી
શ્રેણી-૬
[૧]
પ્રતિષ્ઠાનું પૂતળું ‘હું ચંદુલાલ છું’, ‘આ મેં કર્યું, ‘પેલું મેં કર્યું” એવી પ્રતિષ્ઠા કરી કે તરત પાછી નવી મૂર્તિ ઊભી થઈ જાય અને એ મૂર્તિ પાછી ફળ આપે. જેમ આપણે પથ્થરની મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ અને ફળ આપતી થાય એવી રીતે આપણે આ પ્રતિષ્ઠા ઊભી કરીએ છીએ. જે રૂપે પ્રતિષ્ઠા કરે છે, તે જ રૂપે ‘પ્રતિષ્ઠિત આત્મા’ થાય છે. આ જૂનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ નવી પ્રતિષ્ઠા ઊભી કરે છે. આજે જે ‘ચંદુલાલ’ છે એ બધો જૂનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ છે, તે ફરી પાછી પ્રતિષ્ઠા કર કર કરે છે કે, “હું ચંદુલાલ છું, હું આનો મામો થાઉં, હું આનો કાકો થાઉં' એવી બધી પ્રતિષ્ઠા કરે છે, એટલે ચાલ્યું પાછું ! ને ‘હું શુદ્ધાત્મા છું' કહ્યું એટલે પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ. એટલે આપણે કહીએ છીએ કે શુદ્ધાત્મપદ પ્રાપ્ત થયા પછી કર્મો બંધ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : આવો સ્પષ્ટ ફોડ કોઈએ નથી પાડ્યો ?
દાદાશ્રી : ફોડ હોય તો ઉકેલ આવે, આત્મજ્ઞાન હોવું જોઈએ. એ આત્મજ્ઞાન હોતું નથી, નહીં તો તે આરપાર દેખાડી શકે. એટલે આપણે ‘પ્રતિષ્ઠિત આત્મા’ મુક્યો, એ કોઈ દહાડો કોઈએ મૂકેલું જ નહીં !!
પ્રશ્નકર્તા : એટલે એ પ્રતિષ્ઠા પ્રમાણે બધું ક્રિયા કરે છે, કામ કર્યા
કરે છે ?
દાદાશ્રી : હા, એય જેવી પ્રતિષ્ઠા કરી હોય તેવું. જેમ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે છે ને મૂર્તિ ફળ આપ્યા કરે છે. એવું આ પ્રતિષ્ઠા કરે છે, તેનાં ફળરૂપે છોકરાઓ ભણે છે, કરે છે, પાસ હઉ પહેલે નંબરે થાય છે.
બુદ્ધિનો આશય પ્રશ્નકર્તા : આમાં પોતાનો કંઈ પુરુષાર્થ નહીં ?
દાદાશ્રી : ના, આ તો પોતે પ્રતિષ્ઠા કરતો જાય અને મૂર્તિ ઊભી થાય અને પછી, એના બુદ્ધિના આશયમાં હોય તે પ્રમાણે એનું ‘ફિટિંગ’ થતું જાય, બુદ્ધિના આશયમાં શું છે ? ત્યારે કહે કે, મારે તો બસ ભણવામાં જ આગળ આવવું છે, એવો બુદ્ધિનો આશય હોય તો એવું જ ફળ આપે. કોઈને એમ હોય કે, મારે ભક્તિમાં આગળ આવવું છે, તો તેવું ફળ આવે.
બુદ્ધિના આશયમાં એવું હોય કે મને ઝુંપડામાં જ ફાવશે, તો પછી કરોડ રૂપિયા હોય તોય પણ તેને ઝૂંપડા વગર ગમે નહીં. અને કોઈને બુદ્ધિના આશયમાં, મને બંગલા વગર ફાવે નહીં એવું હોય, તો તેને પાંચ કરોડ રૂપિયાનું દેવું હોય તોય બંગલામાં જ રહેવાનું ગમે. અને આ ભગતો બિચારાને શું હોય કે, મારે જેવું હશે તેવું ચાલશે, તે તેમને જેવું હોય તેવું પણ બધું મળી આવે !
પ્રશ્નકર્તા : એટલે ત્યાં ભાવ કામ કરે છે ?
દાદાશ્રી : ના, એ બુદ્ધિનો આશય છે, ભાવ કરવો પડે નહીં. બુદ્ધિના આશય પ્રમાણે જ મહીં બધું ‘સેટલમેન્ટ’ થઈ ગયેલું હોય. પોતે પ્રતિષ્ઠા કરી, પૂતળું તૈયાર કરે ને બુદ્ધિના આશય પ્રમાણે ‘સેટલમેન્ટ’ થાય.
પ્રશ્નકર્તા : બંગલા વગર નહીં ફાવે, એ બુદ્ધિનો આશય કહ્યો. તો એમાં પછી પ્રતિષ્ઠા કઈ ?
દાદાશ્રી : પ્રતિષ્ઠા તો આપણે આપણી મેળે કરીએ છીએ કે હું ચંદુલાલ છું, આ મેં કર્યું, આનો સસરો થઉં, આનો મામો થઉં” એમ કરી