________________
આપ્તવાણી-૪
૬૯
કોઇ ચીજની ભીખ ના હોય. ભિખારીપણું છૂટે તો તમે પોતે જ પરમાત્મા છો. ભિખારીપણાથી જ બંધન છે.
પોતાની વસ્તુઓના પોતે જ અંતરાય ઊભા કરે છે. બુદ્ધિના આશયમાં હોય અને અંતરાય ના હોય તો એ વસ્તુ વગર ઇચ્છાએ સામી આવે !
જગતમાં બધી જ વસ્તુઓ છે, પણ ભેગી કેમ નથી થતી ? તો કે’ અંતરાય નડે છે.
પ્રશ્નકર્તા : આ અંતરાયો કેવી રીતે પડે છે ?
દાદાશ્રી : આ ભાઇ નાસ્તો આપતા હોય તો તમે કહો કે, ‘હવે રહેવા દેને, નકામું બગડશે.' તે અંતરાય પાડ્યો કહેવાય. કોઇ દાન આપતો હોય ત્યાં તમે કહો કે, ‘આને ક્યાં આપો છો ? આ તો મારી
ખાય એવા છે.’ તે તમે દાનનો અંતરાય પાડ્યો. પછી પેલો આપે કે ના આપે એ વસ્તુ જુદી રહી, પણ તમે અંતરાય પાડ્યો. પછી તમને કોઇ દુઃખમાંય દાતા ન મળે.
પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ન પાડ્યા હોય પણ મનથી અંતરાય પાડ્યા હોય તો ?
દાદાશ્રી : વાણીથી બોલેલાની ‘ઇફેકટ’ આ અવતારમાં આવે અને મનથી ચીતરેલું બીજે અવતારે રૂપકમાં આવશે.
એટલે આ બધાં પોતાના જ અંતરાય પાડેલા છે, નહીં તો આત્માની પાસે શું ચીજ ના હોય ? જગતની તમામ વસ્તુઓ એને માટે તૈયાર જ છે. એ તો ‘અમે આવીએ ? અમે આવીએ ?” એમ પૂછે છે. છતાં અંતરાય કહે છે, “ના. નથી આવવાનું.' તે અંતરાય ચીજ ભેગી જ ના થવા દે. પ્રશ્નકર્તા : એટલે પોતે જાગૃતિ રાખવી જોઇએ કે અવળો વિચાર ના આવે.
દાદાશ્રી : એવું ના બને, વિચાર તો આડાઅવળા આવ્યા વગર રહે જ નહીં. આપણે એને ભૂંસી નાખવાના, એ આપણો ધંધો ! તમને વિચાર
૭૦
આપ્તવાણી-૪
આવ્યો કે ‘આને ના આપવું જોઇએ.’ પણ જ્ઞાન હાજર થાય કે આ વચ્ચે ક્યાં અંતરાય પાડવો ? એટલે તરત ભૂંસી નાખવાનું. જ્ઞાન ના હોય તો શું કરે ? આપણે કહીએ કે, ‘આવો વિચાર શું કામ કર્યો ?” તો એ ઉપરથી કહે, ‘કરવો જ જોઇએ. તમને એમાં શું સમજ પડે ?' તે ઊલટું ડબલ કરી આવે. ગાંડો અહંકાર શું ના કરે ? પોતે પોતાના જ પગ ઉપર કુહાડી મારે. હવે આપણે આને ભૂંસી શકીએ. મનમાં પશ્ચાત્તાપ કરીએ, ક્ષમા માગીએ, અને નક્કી કરીએ કે આવું ફરી ના બોલવું જોઇએ તો ભૂંસી શકાય. કાગળ પોસ્ટમાં પડતાં પહેલાં ફેરફાર કરી શકાય, અને વિચારીએ કે દાન આપવામાં સારું છે એટલે પેલું આગળનું ભૂંસાઇ જાય.
પ્રશ્નકર્તા : સારા કાર્યને અનુમોદન આપે તો ?
દાદાશ્રી : તો તે આપનારને લાભ થાય છે અને પોતાનેય લાભ થાય. આપણે અનુમોદના ના કરી હોય તો આપણામાં અનુમોદના કરનાર કોઇ મળે નહીં. જો કે આ બધું જ્ઞાનીઓ માટે હેય (ત્યજવા યોગ્ય) છે. એ બધું સંસાર વધારનારું છે. છતાં, જેને આત્માનું જ્ઞાન ના હોય તેને માટે તો રળિયામણા સંસારનું સાધન છે.
આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા ‘આસિસ્ટન્ટ’ને અક્કલ વગરનો કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડયો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઇ ફસાઇને આ મનુષ્ય જન્મ એળે ખોઇ નાખ્યો છે ! તમને ‘રાઇટ’ જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એનેય અંતરાય પડે ! બોલો હવે, આ
અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઇને તમે ‘નાલાયક’ કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આના તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઇ જાય.
એલચી મોંઘી, લવિંગ મોંઘાં, સોપારી મોંઘી એથી લોકો ખાય નહીં. એ ખાવાની ના મળે એ અંતરાય પડ્યો છે તેથી. ઘરમાં સાત જણ શ્રીખંડ જમતા હોય ને એક જણ બાજરીનો રોટલો ને છાશ ખાય, ડોકટરે કહ્યું હોય કે શ્રીખંડ ખાશો તો મરી જવાશે ! એ અંતરાય શાથી પડે છે ?