________________
આપ્તવાણી-૪
૩૧૫
૩૧૬
આપ્તવાણી-૪
અન્યાય જોવાવાળો તો બહુ જણને ગાળો ભાંડે. ન્યાય-અન્યાય તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઉતરી ગયો ને કેટલો ચઢયો ? જગત કયારેય ન્યાયી બનવાનું નથી અને અન્યાયી થઇ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.
આ જગત છે ત્યારથી આવું ને આવું જ છે. સતયુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા, તો અત્યારે ના હોય ? આ ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી, પોતાની જવાબદારીઓનું ભાન નથી, માટે બેજવાબદારીવાળું બોલશો નહીં. બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં, બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં, બધું પોઝિટિવ લેજો. કોઇનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહી ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશો નહીં કોઇનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડયો છે ને જડતો નથી !!! ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે !!!
સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડું અવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઇ ગયું ! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. ‘તારામાં નબળાઇઓ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.”
પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઇએ ને ?
દાદાશ્રી : ભાવ ના આવવો જોઇએ એ વાત ખરી છે. ભાવમાં આવે છે તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઇ જાય ને તો ભાવ બંધ થઇ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીંને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય. ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી
આપણી નબળાઇ જવી જ જોઇએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે.
આપણે કાગળમાં કોઇના માટે કશું ખોટું લખાઇ ગયું હોય, પણ એ કાગળ નાખ્યો નથી ત્યાં સુધી ફરી પાછું નીચે લખી શકાય કે ઉપર તમારા માટે બે શબ્દ ખરાબ લખી નંખાયા છે તે, તે ઘડીએ મારા મગજમાં કંઇ ગાંડપણ ભરાયું હશે તેથી લખાયું, માટે માફ કરજો. આવું લખો તો બધું માફ થઇ જાય. પણ તે ઘડીએ આમની આબરૂ જાય. એટલે ના લખે. આ આબરૂદારનાં કટકા બધા ! કેટલાય કપડાં રાખે ત્યારે આબરૂ રહે છે. તેય પાછું ફાટયું હોય તો સાંધવું પડે. કપડું મેલું થયું હોય તો કકળાટ માંડે, મારી સફેદ ટોપી ધોઈ જ નથી તમે, નાવડી છાપ પહેરતો હતો તે ? ઇસ્ત્રી કેમ ના કરી ?” હવે ઇસ્ત્રી માટે કકળાટ માંડે. શેના હારુ આબરૂ રાખે છે આ ? નાગો ફરું તોય લોક પૂજા કરે એવી આબરૂ ખોળી કાઢ.
મહીં અનંતી શક્તિઓ છે. જેવી ફેરવવી હોય તેવું ફેરવી શકો તેમ છો. રસ્તો જાણવાની જરૂર છે.
જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય એવી છે, તેનો જશ સારો મળે.
શાસ્ત્રોએ કહ્યું કે ખરાબ બોલશો નહીં, ખરાબ વિચારશો નહીં. આપણે વિચારીએ કે આ આવું શા માટે ગા-ગા કરતા હશે ? આ મશીનરી જ એવી છે કે બધું ટેપ થઇ જાય. પછી જયારે પુરાવા ભેગા થાય ત્યારે ફજેતો થાય.
પ્રશ્નકર્તા : પુરાવા સંયોગોરૂપે બહાર આવે ?
દાદાશ્રી : હા. સંયોગ ભેગા થાય ત્યારે બહાર આવે અને કેટલાક પુરાવા આપણને મહીં ને મહીં હેરાન કરે. તેય પણ મહીં સંયોગો ભેગા થાય ત્યારે. એ અંદરના સંયોગો કહેવાય. એ “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે.