________________
આપ્તવાણી-૪
૨૫૭
૨૫૮
આપ્તવાણી-૪
હોઈએ અને તે વખતે ઉદય છે તે બહાર શુભ કર્મનો હોય !
દાદાશ્રી : હા, એવું બને. અત્યારે તમારે શુભ કર્મનો ઉદય હોય, પણ મહીં અશુભ કર્મ બંધાતાં હોય !
- સ્થૂળ કર્મ - સૂક્ષ્મ કર્મ પ્રશ્નકર્તા : આ કર્મ નવું છે કે જૂનું છે એ શી રીતે દેખાય ?
દાદાશ્રી : કર્મ કર્યું કે ના કર્યું એ તો કોઇનાથી ના દેખાય. એ તો ભગવાન કે જેમને કેવળજ્ઞાન છે તે જ જાણી શકે. આ જગતમાં તમને જે કર્મો દેખાય છે તેમાં એક રાઇ જેટલું પણ કર્મ નવું નથી. આ કર્મોના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો નવું કર્મ ના થાય ને તન્મયાકાર રહો તો નવું કર્મ બંધાય, આત્મજ્ઞાની થાય ત્યાર પછી જ કર્મ ના બંધાય.
આ કળિયુગમાં જે ઉપચાર કરવામાં આવે છે તે ઉપચાર, દવાઓ ખોટી છે. એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો કર્યા કરતો હોય તેને, જગતના લોક શું કહે કે, “આ ધર્મિષ્ઠ છે.’ હવે એ માણસના અંદરખાને શું વિચાર હોય કે, “કેમ કરીને ભેગું કરું ને કેમ કરીને ભોગવી લઉં !' અંદર તો એને અણહક્કનું પડાવી લેવાની ઇચ્છા હોય. આ કળિયુગમાં લોકોને અણહક્કનું પડાવી લેવાની ઇચ્છા બહુ હોય. અણહક્કનું ભોગવી લેવામાં જ લોકો તૈયાર ! હવે બહાર મોટાં મોટાં દાન કરતો હોય, ધર્મના જ આચાર કરતો હોય, પણ મહીં અણહક્કની લક્ષ્મી ને વિષયો ભોગવી લેવાના વિચારો કરતો હોય એટલે ભગવાન એનો એક પૈસોય જમે કરતા નથી. એનું શું કારણ ? કારણ એ કે એ બધાં સ્થૂળકર્મ છે. બહાર જે દેખાય છે, આચારમાં જે દેખાય છે, તે બધાં સ્થળકર્મ છે. અને એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીનું અહીં જ મળી જાય છે. અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઇ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી, તેનું ફળ આવતા ભવે મળે છે.
આજે કોઇ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. એને તેનું
ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમકે એને અપજશ મળે, પોલીસવાળો મારે-તે બધું ફળ એને અહીંનું અહીં મળી જ જવાનું. આ દાનેશ્વરી દાન આપે તે તેની લોક કીર્તિ ગાયા કરે કે “હેય ! મોટા દાનેશ્વરી શેઠ છે !” અને શેઠ તો અંદર “મરઘાં માર્યા કરતો હોય ! અંદર એટલે સુક્ષ્મ કર્મ કરે છે. એટલે આ જે સ્થૂળકર્મ દેખાય છે, સ્થળ આચાર દેખાય છે તે ‘ત્યાં’ કામ લાગે નહીં. ‘ત્યાં તો ‘સૂક્ષ્મ' વિચાર શું છે ? સૂક્ષ્મકર્મ શું છે ? એટલું જ ‘ત્યાં’ કામ લાગે. હવે જગત આખું સ્થૂળકર્મ ઉપર જ ‘એડજસ્ટ’ થઇ ગયું છે. આ સાધુ, સન્યાસીઓ બધા ત્યાગ કરે, તપ કરે, જપ કરે, પણ એ તો બધું સ્થૂળકર્મ છે. એમાં સૂક્ષ્મકર્મ કયાં છે ? આવતા ભવ માટેનું સૂક્ષ્મકર્મ એમાં નથી. આ કરે છે એ સ્થૂળકર્મનો જશ એમને અહીં જ મળી જાય. આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું છે એ જોવાનું છે. મહીં જે ‘ચાર્જ' થાય છે તે ત્યાં કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે એ ડિસ્ચાર્જ છે. આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે છે, “મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું.’ તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવા-દેવા ? ભગવાન એવી કંઇ કાચી માયા નથી કે તારા આવા પોલને ચાલવા દે, બહાર સામાયિક કરતો હોય ને મહીં શું કરતો હોય. એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઇએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈ ને બારણું ખોલ્યું. એક ભાઇ આવેલા, તેમણે પૂછયું, “શેઠ કયાં ગયા છે?” ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, ‘ઢેઢવાડે !” શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઢેઢવાડે જ ગયેલા હતા ! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા ને બહાર સામાયિક કરતા હતા. ભગવાન આવા પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું ‘ત્યાં’ ચાલે. આ બહારનાં ઠારા ‘ત્યાં’ ચાલે એવા નથી,
સ્થૂળકર્મ એટલે શું તે સમજાવું. તને એકદમ ગુસ્સો આવ્યો. તારે ગુસ્સો નથી લાવવો છતાં એ આવે, એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.