________________
૨૭૦
આપ્તવાણી-૨
ભાવહિંસા જગત ગપ્યું નથી, પણ લોક અવળું માની બેઠા છે. ઘણાં ખરા લોકો કહે છે કે ભગવાન ઉપર છે, પણ તે સાચું નથી, લોકોની અવળી સમજ છે. તેથી જ અમારે ખુલ્લું કહેવું પડે છે કે આ વર્લ્ડમાં કોઇ એવું પરમાણુ બાકી નથી જ્યાં હું ફર્યો ન હોઉં. બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને હું ‘જેમ છે તેમ' જોઇને કહું છું અને ગેરેન્ટી આપું છું કે ઉપર કોઇ બાપોય નથી. આ તો ઉપરવાળો, ઉપરવાળો કરીને વગર કામનો ડખો કર્યો, તે તમારો કાગળ ભગવાનને નહીં પહોંચે અને કાગળના પૈસા નકામા જાય અને ભાવના કે નકામી જાય. જ્યાં છે ત્યાં વાત કરોને કે
જ્યાં બાપો મહીં બેઠો છે, તો કો'ક દહાડો તારી અરજી પહોંચશે. અગર તો મૂર્તિમાં પૂજ, કારણ કે એ પ્રત્યક્ષ આંખે દેખાય છે, પછી ભલેને એ પથ્થરની છે, પણ લોકોએ માન્ય કરી છે. ભલે તને માન્ય ના હોય, પણ લોકોને માન્ય છે, લોકોનો આરોપિત ભાવ છે, ત્યાં આગળ ચૈતન્યવાળાનો આરોપિત ભાવ છે. પેલી માન્યતા કે રોંગ માન્યતા છે કે ઉપર ભગવાન છે, એ રોંગ એડ્રેસ છે. એડ્રેસ વગરનો કાગળ નાખીએ તો કોને પહોંચે ? મહીંવાળાને દેખને ! ભગવાન મહીં જ બેઠો છે, બીજે ક્યાંય નથી. એ ભગવાનનું સાચું એડ્રેસ તને આપું - ગોડ ઈઝ ઈન એવરી ક્રીએચર, વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ.
એવરી ક્રીએચરની અંદર ભગવાન જોને તો તને ક્રીએચર મારવાનો ભાવ પણ ઉત્પન્ન નહીં થાય, અને તો તું ભાવહિંસાથી બચીશ. નિરંતર ભાવહિંસા જ કરી શકો છે. ક્રોધ, માન, માયા, લોભ એટલે શું? કે ભાવહિંસા; તેમાં જ અહિંસક થવાનું કહ્નાં છે ભગવાને. ત્યારે આ લોકો તો ઠેઠ ગાયોને-બાયોને, હાથી બચાવવાને નીકળી પડ્યા ! હાથીને બચાવનારો તું કોણ પાક્યો છે ? ત્યારે આનો જન્મદાતા કોણ હશે ? મોટો
બચાવવાવાળો આવ્યો છે ! કોઇએ મોઢે એમ ના કહેવું જોઇએ કે “આ માકણોને હું મારવાનો છું.’ ‘માકણને હું મારીશ” એવો ભાવ કાઢી નાખજે, નહીં તો તારા આત્માની જ હિંસા તું કરી રહ્નો છું. માકણ તો મરવાનો હશે ત્યારે મરશે, અને મારવાનો અધિકાર કોને છે ? કે જે એક માકણ બનાવી શકે તેને. ભગવાને શું કહેલું, “જેટલું તું કન્સ્ટ્રક્ટ કરે તેટલું તું ડિસ્ટ્રક્ટ કરી શકે. કસ્ટ્રકશન તારું જેટલું હોય તેટલાના ડિસ્ટ્રક્ષનમાં અમે હાથ ઘાલતા નથી, એથી તું માકણને ડિસ્ટ્રક્ટ ના કરીશ.’ આવી તો સાદી ભાષા સમજાય એવી છે ને ? એક માકણ બનાવવો હોય તો તે બની શકે તેવી વસ્તુ નથી. એમાં આ ડફોળો ફાવે તેમ કરે છે, કેટલાંય જીવડાં મારી નાખે છે ! નરી જીવાત મારી નાખે છે.
જેવો ભાવ-તેવું નિમિત બતાય આ ભવમાં તો ભાવ કરવા સિવાય બીજું કશું નવું બનતું નથી. પણ ભવોભવ ભાવ કરવાથી હવે જે જીવાત મરવાની હોય છે ને, તે આને ભાગે આવે છે ! બીજું કશું બનતું નથી. જીવાતનો મરવાનો ટાઇમિંગ થાય, ત્યારે ભાગે કોને આવે ? જેણે મારવાનો ભાવ કર્યો હોય તેને ભાગે આવે. કોઇને મારવાની સત્તા છે જ નહીં, પણ દરેક જીવોને મરવાનો તો ટાઇમ હોય ને ? કેટલાક માકણ સત્તર દહાડા જીવે છે, કેટલાક ત્રણ મહિના માટે જીવે છે ને કેટલાક પાંચ વર્ષ માટેય જીવે છે. એ બધાંના મરણનો ટાઇમિંગ ખરો ને ? તે એ મરવાનો થાય એટલે ચંદુલાલને ભાગે આવીને ઊભો રહે, કારણ કે ચંદુલાલે નક્કી કરેલું, દુકાન માંડેલી કે આપણે મારવા જ સારું છે” અને જૈનોએ ‘નહીં મારવા” એવું નક્કી કર્યું તો એને ભાગે ના આવે - એટલું જ છે. એનો અહંકાર કરવા જેવો નથી. એ તો ભાવ જ કરેલો ‘નહીં મારવાનો’ તે જ અત્યારે કામ કરે છે.
જીવડાં કોઇ બચાવતું જ નથી, તેમ જીવડાંને કોઈ મારતું જ નથી. એ તો જીવડાંને મારવાનો ભાવ છે તે યોગ જ એને ભેગો થઇ જાય, કારણ કે ટાઇમિંગ હોય છે. દરેક જીવમાત્રનું ટાઇમિંગ આવ્યું હોય છે, એના મરણકાળ પહેલાં કોઇ જીવ મરી શકે એમ છે જ નહીં. જીવના મરણકાળ પહેલાં જો કોઈ તેમને મારી શકતું હોય તો તેને મારે છે એમ કહી શકાય.