________________
સંગ અસર
દાદાશ્રી : સત્સંગ કોને કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ ઇશ્વરના ઘરની સારી વાતો થાય તેને સત્સંગ કહેવાય. દાદાશ્રી : ઇશ્વર તો જાણ્યો નથી કે એ કોણ છે ને કોણ નથી, ત્યાર વગર શી રીતે એની વાતો થાય ?
સત્સંગ તો ઘણાય પ્રકારના છે. પુસ્તકો વગેરેનું આરાધન કરે તે પણ સત્સંગ છે. ‘સંત પુરુષ'નો સંગ પણ સત્સંગ, સત્ પુરુષનો સંગ કરે એ પણ સત્સંગ અને ‘જ્ઞાની પુરુષ’નો સંગ એ પણ સત્સંગ અને પછી છેલ્લે ‘વીતરાગ’નો સંગ એ પણ સત્સંગ કહેવાય, પણ એ બધાના પ્રકારમાં ફેર.
સંત પુરુષ કોને કહેવાય ? જેનું ચિત્ત નિર્મળ થઇ ગયેલું છે તે ‘સંત પુરુષ'. સંત પુરુષને પોતાના સ્વરૂપનું ભાન ના હોય; જેને પોતાના સ્વરૂપનું ભાન હોય, જેને અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ, તેઓ ‘સત્ પુરુષ’ કહેવાય, અને એની આગળ જ્ઞાની પુરુષ કે જે મુક્તિ આપે, જે મોક્ષનું દાન આપી શકે તે મોક્ષદાતા પુરુષ અને એમની આગળ વીતરાગ કે જેમનાં દર્શન માત્રથી મોક્ષ થાય એ ‘વીતરાગ ભગવાન !’
‘જ્ઞાની પુરુષ' એ પોતે સત્ છે માટે એમનો સંગ એ સત્સંગ, અને એને ભગવાને પરમહંસની સભા કહી. અહીં તો રીયલની જ વાત હોય. હંસ જેમ ચાંચ બોળતાંની સાથે જ નીર ને ક્ષીર છૂટાં પાડી દે તેમ ‘જ્ઞાની પુરુષ’ પાસે ‘જ્ઞાન’ મળતાં જ આત્મા અને અનાત્મા બંનેય છૂટા જ પડી જાય, માટે એને ભગવાને પરમહંસની સભા કહી. જ્યાં આત્માની, દરઅસલ આત્માની વાતો નથી, છતાં પણ ધર્મની વાતો થાય છે, રીલેટિવ
આપ્તવાણી-૨
ધર્મની વાતો છે એ હંસની સભા છે. એ જગ્યામાં હિતાહિતનું બતાવે, એ શુભનો ચારો ચણે છે અને તે ક્યારેક મોક્ષ પામશે. જ્યાં સમજુ માણસો ભેગા થતા નથી અને બસ વાદવિવાદ જ કર્યા કરે છે, એકબીજાનું સાંભળવા તૈયાર જ નથી એ સભાને કાગડાની સભા કહી છે ! આ હંસની સભામાં તો અનંત અવતારથી છે, પણ જો એક અવતાર ‘પરમહંસ’ની સભામાં બેસીશ તો મુક્તિ મળી જશે ! પરમહંસની સભામાં આત્મા અને પરમાત્માની બે જ વાત હોય અને અહીં તો નિરંતર દેવલોકોય હાજર રહે. દરેક જીવમાત્રને આત્મજ્ઞાનની જ ઇચ્છા છેલ્લી છે. લોકો તપ અને ત્યાગ કરી કરીને મરી ગયા, પણ ભગવાન ભેગા થયા નથી. ભાવના સાચી હોય તેને જ ભગવાનનો ભેટો થાય. અહીં અમારી પાસે જે વસ્તુ જોઇએ તે મળે. જ્યાં બધી જ જાતના ખુલાસા થાય, તે પરમસત્સંગ. અમારો ઇલકાબ શો છે, ખબર છે ? અમે મોક્ષદાતા પુરુષ, તમે જે માગો તે અમે આપીએ ! તમને કામ કાઢતાં આવડવું જોઇએ!
૨૦૪
અભ્યુદય તે આનુષંગિક ફળ
કવિરાજે ગાયું છે :
‘સત્સંગ છે પુણ્ય સંચાલિત, ચાહું અભ્યુદય આનુષંગિક.’
‘જ્ઞાની પુરુષ’ને મળે ત્યારથી બે ફળ મળે : એક ‘અભ્યુદય’ એટલે સંસારનો અભ્યુદય થતો જાય, સંસારફળ મળે અને બીજું ‘આનુષંગિક’ એટલે મોક્ષફળ મળે ! બંને સાથે ફળ મળે. જો બંને ફળ સાથે ના મળે તો તે ‘જ્ઞાની પુરુષ’ નથી. આ તો પાર વગરનાં ઓવરડ્રાફ્ટ છે તેથી દેખાતું નથી. આ સત્સંગ કરો છો માટે એ ઓવરડ્રાફ્ટ પૂરાં થવાનાં જ.
અહીં મોક્ષફળ એકલું ના હોય, એમ હોય તો તો એક લૂગડુંય પહેરવા ના મળે. પણ ના, મોક્ષફળ અને સંસારફળ બંને સાથે હોય.
રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઇએ તો દૃષ્ટિફળ મળે. નોકરીનો પગાર મળે એ સેવાફળ. પણ દૃષ્ટિફળ એટલે રાજાની દૃષ્ટિ પડે અને ભાઇને પૂછે કે, ‘તમે ક્યાં રહો છો ?' તે જાણ્યા