________________
જ્યારે રૂઢ અર્થવાળા થાય ત્યારે રૂઢ અર્થનો સ્વીકાર કરીને જ વિચાર કરવો ઘટે છે ઉપરમાં આપણે શક્તિઅર્થ વિચારી ગયા હવે આપણે રૂઢાર્થનું ચિંતન કરીએ.
વ્યાકરણની દષ્ટિએ રૂઢાર્થનું પણ ઘણું મહત્ત્વ છે વળી આપણા આચાર્યો અને સમગ્ર શ્રાવક સમાજ પ્રતિક્રમણનો જે સામાન્ય અર્થ છે, તેને સ્વીકારીને ચાલી રહ્યા છે, તેથી સ્વાભાવિક રીતે જ તેનું મહત્ત્વ વધી જાય છે. અસ્તુ...
પ્રતિક્રમણની ક્રિયા અથવા આવશ્યક ક્રિયાઓ દોષોના નિવારણ માટે છે. અહીં એક બહુજ તાત્ત્વિક સ્પષ્ટતા કરવામાં આવે છે. પાઠક ધ્યાનથી વાંચશે તો અવશ્ય સમજી શકશે.
દોષની ભૂમિકા ચાર છે. આ ચારે ભૂમિકાઓ પ્રસિદ્ધ અને બરાબર પ્રતિક્રમણ વખતે બોલાય છે. (૧) અતિક્રમ, (૨) વ્યતિક્રમ, (૩) અતિચાર, (૪) અનાચાર, આ ચારે દોષોને શાસ્ત્રકારોએ પાંચ ક્રિયામાં પણ પ્રગટ કર્યા છે, જેમકે કાયિકક્રિયા અને અધિકરણ(હથિયાર)ની ક્રિયા અતિક્રમ અને વ્યતિક્રમ જેવી છે. પ્રાષિકી અને પારિતાપનિકી આ બંને ક્રિયા અતિચારમાં અને થોડે અંશે અનાચારમાં પણ સમાવિષ્ટ થાય છે. પ્રાણાતિપાતક્રિયા તે અનાચાર છે. વસ્તુતઃ જીવને અથવા કોઈ પ્રાણીને પ્રહાર ન થાય પરંતુ વચનથી સંતાપ ઉપજે ત્યાં સુધીની બધી ક્રિયાઓ અતિચારમાં ગણાય છે અને પ્રહારની વેદના થયા પછી જીવ મરે ત્યાં સુધી અનાચારનો દોષ થાય છે.
આટલું જણાવ્યા પછી આપણે મૂળ વાત ઉપર આવીએ. જૈનદર્શનમાં દોષ નિવારણ માટે મુખ્ય બે ઉપાય છે. (૧) પ્રતિક્રમણ અને (૨) પ્રાયશ્ચિત્ત, આ બંને ઉપાયો ઉપર શાસ્ત્રોમાં ઠેર ઠેર જુદી જુદી જગ્યાએ પ્રકાશ નાંખવામાં આવ્યો છે અને ડિમે ઈત્યાદિ શબ્દોનો સંખ્યાબદ્ધ સ્થાને ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે જ રીતે સાધુઓના દોષના નિવારણ માટે પછિત શબ્દનો પ્રયોગ કરી પ્રાયશ્ચિત્તની ચર્ચા કરી છે.
હવે આપણે આ બંને શબ્દોનું તાત્વિક સંતુલન કરીએ
પ્રતિક્રમણની ક્રિયા અથવા પ્રતિક્રમણનો ભાવ જે રૂઢાર્થ છે તે રીતે અતિક્રમ વ્યતિક્રમ અને અતિચાર, આ ત્રણે દોષો સુધીનું નિવારણ કરવા માટે પર્યાપ્ત છે. જ્યારે અનાચારનું સેવન થાય તો ફક્ત પ્રતિક્રમણથી જ કરજો ચૂકવાય નહીં, તે માટે દંડ ભોગવવો રહ્યો. અતિચાર સુધીના દોષ તે દોષકર્તાના માનસિક દોષો છે અથવા ક્રિયાત્મક ગુપ્ત દોષો છે અને જેના પ્રત્યે દોષનું સેવન થાય છે તે જીવને ખબર પડે કે ન પડે. સ્વયં પોતે અનાચારમાં સંલિપ્ત થાય તે પહેલા અતિચાર સુધી જઈને પણ જો તે પાછો ફરે તો કોઈ પ્રકારની સ્થૂલ હિંસાત્મક ક્રિયાનો સંભવ નથી અને તેવા અતિચાર સુધીના દોષો પ્રતિક્રમણથી અર્થાત ત્રિલોકીનાથ એવા અરિહંત પ્રભુની સાક્ષીએ માફી માંગી લેવાથી તેનું નિવારણ થઈ જાય છે, આ વાત સમજાય તેવી છે.
30
)