________________
પરિશિષ્ટ-૩
૨૨૩
દ્રવ્યપ્રતિક્રમણ સાધનાનું અંગ કે આત્મવિશુદ્ધિનું કારણ બની શકતું નથી.
(૨) ભાવપ્રતિક્રમણ :– પ્રતિક્રમણની ક્રિયા જાગૃતિપૂર્વક કે ઉપયોગપૂર્વક થાય, તે ભાવ પ્રતિક્રમણ છે. लोगोत्तरियं भावावस्सयं जण्णं इमं समणे वा समणी वा सावए वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए अण्णत्थ कत्थइ मणं अकरेमाणे उभओकालं आवस्सयं करेंति, से तं लोगत्तरियं भावावस्यं । [ अनुयोग દ્વાર સૂત્ર] સાધક સાવધાની પૂર્વક તે ક્રિયામાં દત્તચિત્ત બની, મનને એકાગ્ર કરી, અધ્યવસાયોને તે ક્રિયામાં તન્મય બનાવી, વચનને તે તે પાઠના ઉચ્ચારણમાં જોડી, કાયાને આવશ્યક ક્રિયામાં જ સંલગ્ન કરી, પોતાના દોષોના અંતરનિરીક્ષણ અને દોષ સેવનના ખેદપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરે, તે ભાવપ્રતિક્રમણ છે. પાપના પશ્ચાતપથી જ સાધક તે ભૂલોનું પુનરાવર્તન કરતો નથી અને સાધકની ક્રમશઃ આત્મશુદ્ધિ થાય છે, તેથી ભાવ પ્રતિક્રમણ જ સાધનાનું સફળ સાધન અને આત્મશુદ્ધિનું કારણ બની શકે છે. કાળની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર :
કાલની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર થાય છે, દેવસી, રાઈ, પાખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક.
(૧) દેવસી– પ્રતિદિન સાંજના સમયે દિવસના પાપોની આલોચના કરવી.
(૨) રાઈ– પ્રતિદિન પ્રાતઃકાલના સમયે રાત્રિના પાપોની આલોચના કરવી.
(૩) પાખી– મહિનામાં બે વાર અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પક્ષ-પંદર દિવસના પાપોની આલોચના કરવી.
(૪) ચાતુર્માસિક— ચાર મહિનાના અંતે અર્થાત્ કાર્તિકી પૂર્ણિમા, ફાગણ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમાના દિવસે ચાર મહિનામાં કરેલા પાપોની આલોચના કરવી.
(૫) સાંવત્સરિક– પ્રત્યેક વર્ષે અષાઢ પૂર્ણિમાથી પચાસમા દિવસે ભાદરવા સુદ પાંચમના દિવસે આખા વર્ષના પાપોની આલોચના કરવી.
ગૃહસ્થ રોજ પોતાના ઘરમાં ઝાડુ કાઢે છે તો પણ થોડી ઘણી ધૂળ તો રહી જ જાય છે. તે રજને કોઈ વિશેષ પર્વ આદિના દિવસ પહેલા સાફ કરવામાં આવે છે, તે જ પ્રમાણે પ્રતિદિન પ્રતિક્રમણ કરવા છતાં કોઈક ભૂલોનું પ્રમાર્જન કરવાનું બાકી રહી જાય તેના માટે પાખી પ્રતિક્રમણ કરાય છે. પખવાડિયામાં પણ જે ભૂલો રહી જાય તેના માટે ચાર્તુમાસિક પ્રતિક્રમણનું વિધાન છે. ચાર્તુમાસિક પ્રતિક્રમણથી પણ શેષ રહી ગયેલી અશુદ્ધિ સાંવત્સરિક ક્ષમાપના દિવસે પ્રતિક્રમણ કરીને દૂર કરાય છે.
સ્થાનાંગ સૂત્રના છઠ્ઠા સ્થાનમાં છ પ્રકારના પ્રતિક્રમણનું કથન છે.
(૧) ઉચ્ચાર પ્રતિક્રમણ :- ઉપયોગપૂર્વક વડીનીતનો ત્યાગ કર્યા પછી ઈરિયાવહિના કાર્યોત્સર્ગ દ્વારા પ્રતિક્રમણ કરવું, તે ઉચ્ચાર પ્રતિક્રમણ છે.
(૨) પ્રશ્રવણ પ્રતિક્રમણ :– ઉપયોગપૂર્વક લઘુનીતનો ત્યાગ કર્યા પછી ઈરિયાવહિના કાર્યોત્સર્ગ દ્વારા પ્રતિક્રમણ કરવું, તે પ્રશ્રવણ પ્રતિક્રમણ છે.
(૩) ઇત્વર પ્રતિક્રમણ :– દેવસિક તથા રાત્રિક આદિ સ્વલ્પકાલીન દોષોનું પ્રતિક્રમણ કરવું, તે ઇત્વર પ્રતિક્રમણ છે.