________________
પરિશિષ્ટ-ર
[ ૨૧૧ |
નથી પરંતુ તેની ગુણવત્તાના આધારે થાય છે. સામાયિક વ્રતની ગુણવત્તા વધારવા માટે તેમાં ચાર પ્રકારની શુદ્ધિ કરવી આવશ્યક છે– (૧) દ્રવ્ય શુદ્ધિ, (૨) ક્ષેત્ર શુદ્ધિ, (૩) કાળ શુદ્ધિ અને (૪) ભાવ શુદ્ધિ. દ્રવ્ય શુદ્ધિ- સામાયિક કરવા માટે આસન, વસ્ત્ર, રજોહરણ, પંજણી, માળા, મુખવસ્ત્રિકા આદિ ઉપકરણોની શુદ્ધિ, તે દ્રવ્ય શુદ્ધિ છે. તે સાધનો શુદ્ધ અર્થાત્ અલ્પ આરંભથી બનેલા અહિંસક તેમજ વિકારોત્પાદક ન હોય અને સંયમની અભિવૃદ્ધિમાં સહાયક અને ઉપયોગી હોવા જરૂરી છે. પોતાના વસ્ત્રોથી પોતાને કે બીજાને રાગ-દ્વેષ ઉત્પન્ન ન થાય તે માટે રંગબેરંગી કે ઉભટ વેશ ધારણ ન કરવો જોઈએ. શક્ય હોય, ત્યાં સુધી સાધકે શ્વેત અને સાદા મર્યાદાયુક્ત વસ્ત્ર પરિધાન કરવા જોઈએ.
આસન, ગુચ્છો, રજોહરણ વગેરે ઉપકરણો સહેલાઈથી પ્રતિલેખન થઈ શકે તેવા અને ધર્મના પ્રતિક રૂપ મુહપતિ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવી જરૂરી છે. જપ સાધના માટે સુતર આદિની યોગ્ય માળા, વૈરાગ્યવર્ધક, આત્મભાવ પોષક સ્વાધ્યાયને યોગ્ય પુસ્તકો વગેરે બાહ્ય સાધનો સાધકની ભાવવિશુદ્ધિમાં સહાયક બને છે. સાધકે વિવેકપૂર્વક દ્રવ્યશુદ્ધિ રાખવી જોઈએ કે જેથી સ્વયંને લાભ થાય અને અન્ય લોકોને ધર્મક્રિયાની પ્રતીતિ તેમજ શ્રદ્ધા થાય છે. ક્ષેત્ર શુદ્ધિ - સાધક જે સ્થાને બેસી સામાયિક આદિ ધર્મ ક્રિયા કરે છે, તે ક્ષેત્ર કહેવાય છે. તે સ્થાન શુદ્ધ પવિત્ર હોવું જરૂરી છે. જે સ્થાને બેસવાથી ધાર્મિક વિચારધારા તૂટી જાય, ચિત્તમાં ચંચળતા આવે, અધિક
સ્ત્રી-પુરુષ કે પશુ આદિનું આવાગમન હોય, તેમનું રહેઠાણ હોય, છોકરા-છોકરીઓ કોલાહલ કરતા હોય, રમતા હોય, ઠઠ્ઠા-મશ્કરી કરતાં હોય, કલેશ-કંકાસનું વાતાવરણ હોય, આ પ્રકારનું ક્ષેત્ર સામાયિકની આરાધના માટે યોગ્ય નથી, પરંતુ સામાયિકની આરાધના માટે મનને શાંત કરે, સંકલ્પ-વિકલ્પોથી મુક્ત કરાવી જીવને અંતરમુખ બનાવે, તેવું પવિત્ર અને નિર્મળ સ્થાન હોવું જરૂરી છે.
શક્ય હોય ત્યાં સુધી તો ઘર કરતાં ઉપાશ્રય જ સામાયિક કરવાનું વધારે ઉત્તમ ક્ષેત્ર કહેવાય. ઉપાશ્રયનું વાતાવરણ ગૃહસ્થ જીવનની જંજાળોથી બિલકુલ અળગું તેમજ નિરાળું હોય છે. ધર્મારાધના કરતાં સહધર્મ અન્ય સાધકોના પરિચયથી તેમજ ગુરુજનોના સત્સંગથી પોતાની જૈન સંસ્કૃતિની મહત્તાનું ભાન પણ થાય છે અને આરાધનાની નિત્ય નવીન પ્રેરણા મળતી રહે છે. કાળશુદ્ધિ - કાળનો અર્થ સમય છે. સમયની શુદ્ધિ કરવી, તે કાલશુદ્ધિ છે. યોગ્ય સમયનો વિચાર કરી સામાયિક કરવામાં આવે, તો જ સામાયિક નિર્વિને સ્થિરતા પૂર્વક પૂર્ણ થાય છે. અયોગ્ય સમયે સામાયિક કરવાથી સામાયિકમાં મન શાંત રહેતું નથી. અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પોના પ્રવાહમાં મન તણાઈ જાય છે અને અંતે સામાયિકનું ધ્યેય સિદ્ધ થતું નથી.
સાધક સ્વયં જે ક્ષેત્રમાં હોય, પોતાની જે જવાબદારીઓ હોય, તેને પૂર્ણ કરીને ત્યાર પછી વિવેક પૂર્વક ઉચિત સમયે સામાયિકની આરાધના કરવી જોઈએ. કાલ સંબંધી વિવેક પોતાની ચિત્તસમાધિમાં સહાયક બને છે અને આસપાસની વ્યક્તિઓની પણ શાંતિ-સમાધિ અને ધર્મશ્રદ્ધામાં વૃદ્ધિ કરે છે.
સામાન્ય રીતે પ્રાતઃકાલ અથવા બ્રહ્મમુહૂર્ત, તે સામાયિકની આરાધના માટે શ્રેષ્ઠકાલ ગણી શકાય છે કારણ કે તે સમયે બાહ્ય જગતનું, દુન્યવી જનસમાજનું વાતાવરણ શાંત હોય, તેથી પરિણામની ધારા અખંડ બની રહે છે. તે સમયે અન્ય સાધકો પણ પોતાની સાધનામાં લીન હોવાથી સમગ્ર વાતાવરણ સાધનામય હોવાથી પોતાની સાધનાને પુષ્ટિ મળે છે, તેમ છતાં જે સમયે સાધકનું મન શાંતિ અનુભવે, તે સમય તેના માટે સામાયિકનો સમય કહેવાય છે.