________________
શ્રાવક વ્રત
[ ૧૮૩ ]
(૬) દિશા પરિમાણ વ્રત:
७ दिसिवए तिविहे पण्णत्ते-उड्ढदिसिवए अहोदिसिवए तिरियदिसिवए । दिसिवयस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, (ण समायरियव्वा) तं जहा- उड्ढदिसिपमाणाइक्कमे, अहोदिसिपमाणाइक्कमे, तिरियदिसिपमाणाइक्कमे, खित्तवुड्ढी, सइअंतरद्धा । ભાવાર્થ :- દિશાવ્રતના ત્રણ પ્રકાર છે, યથા– ઊર્ધ્વદિશાવ્રત, અધોદિશાવ્રત અને તિર્યગદિશાવ્રત. શ્રાવકોએ દિશા પરિમાણવ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે– (૧) ઊર્ધ્વ દિશા પ્રમાણતિક્રમ, (૨) અધોદિશા પ્રમાણાતિક્રમ, (૩) તિર્યદિશા પ્રમાણાતિક્રમ, (૪) ક્ષેત્રવૃદ્ધિ, (૫) ઋત્યંતર્ધાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ગુણવ્રતમાંથી પ્રથમ દિશાપરિણામ નામના ગુણવ્રતની પ્રતિજ્ઞા તથા તેના પાંચ અતિચારોનું કથન છે.
શ્રાવકોને માટે પાંચ અણુવ્રતો મૂળગુણ છે અને ત્યાર પછીના ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, આ સાત વ્રત ઉત્તરગુણ છે. ગુણવત– મૂળ ગુણમાં ગુણવૃદ્ધિ કરે અથવા સમસ્ત જીવ સમૂહની રક્ષા કરવા રૂપ ગુણ વૃદ્ધિ કરે, તેને ગુણવ્રત કહે છે. દિશા પરિમાણ, વિભોગ-પરિભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણ, આ ત્રણે વ્રતોના પાલનથી અહિંસા આદિ પાંચ અણુવ્રતની પુષ્ટિ થતી હોવાથી, તેને ગુણવ્રત કહે છે. દિશાવત– દિશા સંબંધી વ્રત અથવા પૂર્વાદિ દિશામાં ગમનાદિ ક્રિયાની મર્યાદા કરીને તેની બહારના ક્ષેત્રમાં ન જવું, તે દિશાવ્રત છે.
ઊર્ધ્વદિશા સંબંધી મર્યાદા, તે ઊર્ધ્વદિશાવ્રત, અધોદિશા સંબંધી મર્યાદા, તે અધોદિશાવ્રત અને તિર્થગ્દિશા–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણદિશા સંબંધી મર્યાદા, તે તિર્યદિશાવ્રત છે.
દિશાવ્રતમાં કર્મક્ષેત્રની અર્થાત્ સાંસારિક પ્રવૃત્તિઓ માટેની સીમા-મર્યાદા કરવાની હોય છે. તે મર્યાદિત ક્ષેત્રની બહારના ક્ષેત્રમાં થતાં હિંસા, અસત્ય, ચોરી આદિ સર્વ પાપસ્થાનોનો પૂર્ણતઃ ત્યાગ કરવા માટે દિશાવતની અગત્યતા છે. ગૃહસ્થ જીવનને સંયમિત અને સાત્વિક બનાવવા માટે જેમ પરિગ્રહ પરિમાણ આવશ્યક છે. તેમ દિશાનું પરિમાણ પણ જરૂરી છે. જો શ્રાવકે દિશાની મર્યાદા ન કરી હોય, તો તેને ગમે તે ક્ષેત્રમાં જઈને પાપકારી પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થાય છે. દિશાની મર્યાદાથી શ્રાવકની વૃત્તિ સંક્ષિપ્ત થાય અને મર્યાદિત ક્ષેત્રમાં જ પોતાના જીવન વ્યવહાર ચલાવે છે.
સાધુ પંચ મહાવ્રતધારી અને સર્વસાવધ વ્યાપારના ત્યાગી હોય છે, સાધુ ગમે તે ક્ષેત્રમાં જાય, ત્યાં નિરવધ પ્રવૃત્તિ જ કરે છે, તેથી સાધુજીવનમાં દિશા પરિમાણની આવશ્યકતા નથી. ગૃહસ્થો અણુવ્રતધારી હોવાથી તેના વ્રતની શુદ્ધિ માટે દિશાવ્રત સહાયક બને છે. શ્રાવકો જાગૃતિપૂર્વક મર્યાદિત દિશાઓમાં જ સમગ્ર જીવન વ્યવહાર કરે છે, તેમ છતાં અજાણતાં આ મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય, તો તે અતિચારરૂપ છે.