________________
શ્રાવક વ્રત
| | ૧૭૩ ]
માટે ગુનેગારને દંડ આપવો. શ્રાવકોને સાપરાધી જીવોની કે શરીરમાં પીડા પહોંચાડતાં જીવોની હિંસાનો આગાર-છૂટ હોય છે. સાક્ષેપહિંસા-દ્વેષબુદ્ધિ કે કષાયના ભાવ વિના કોઈ વિશેષ પ્રયોજનથી જીવહિંસા થાય, તે સાપેક્ષહિંસા છે.જેમ કે ગાય, ભેંસ આદિ પશુઓને તેની સુરક્ષા માટે ખીલે બાંધવા, બાળકને ન ગમે છતાં કડવું ઔષધ પીવડાવવું વગેરે પ્રવૃત્તિઓની શ્રાવકોને છૂટ હોય છે. નિરપેક્ષ હિંસા- કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના જીવહિંસા થાય, તે નિરપેક્ષ હિંસા છે, જેમ કે હાલતા જાય અને વૃક્ષના પાન તોડતા જાય.
સંક્ષેપમાં શ્રાવકો સ્થૂલ પ્રાણાતિપાત વેરમણવ્રતના પચ્ચખાણમાં (૧) સૂક્ષ્મહિંસા- સ્થાવર જીવોની હિંસા (૨) આરંભી- અજાણતા થતી હિંસાનો (૩) સાપરાધી જીવોની હિંસાનો અને (૪) પ્રાણીઓના હિત સુરક્ષાદિ માટે થતી સાપેક્ષ હિંસાનો ત્યાગ હોતો નથી. શ્રાવકોને ત્રસ જીવોની હિંસાના ત્યાગમાં સંકલ્પી હિંસા, નિરપરાધી અને નિરપેક્ષ જીવોની હિંસાનો જ ત્યાગ હોય છે. કોટિ પાપના પ્રવાહને, કર્મના આશ્રવને રોકવા માટે ગ્રહણ કરાતાં પચ્ચકખાણની વિવિધ પદ્ધતિને કોટિ કહે છે. પાપ કરવાના ત્રણ સાધન રૂપ ત્રણ યોગ અને પાપ કરવાની ત્રણ પદ્ધતિ રૂપ ત્રણ કરણના સંયોગે કોટિના નવ પ્રકાર થાય છે. કરણ અને યોગ – કરવું, કરાવવું, અનુમોદન કરવું, આ ત્રણ કરણ છે અર્થાત્ હિંસાદિ પાપ કાર્ય સ્વયં કરવાં, હિંસા માટે અન્યને આદેશ આપવો અને હિંસા કરનારનું અનુમોદન કરવું અર્થાત્ હિંસાના કાર્યને સારું માનવું.
મન, વચન, કાયા આ ત્રણ યોગ છે અર્થાત્ કાર્ય કરવાના આ ત્રણ સાધન છે. આ ત્રણ યોગોથી કરવા, કરાવવા અને અનુમોદવાની ક્રિયા થાય છે. મનથી - (૧) પાપ કાર્ય કરવાનો સ્વયં સંકલ્પ કરવો (૨) મનમાં જ પોતાને આધીન વ્યક્તિને પાપ કાર્ય કરવા માટે પ્રેરણા કરવી.(આદેશ દેવો) (૩) મનમાં જ કોઈનાં કરેલાં પાપ કાર્યો સારાં માનવાં, પાપ કાર્ય થતાં જોઈને અથવા સાંભળીને મનમાં ખુશખુશ થવું. મંત્રના સ્મરણ દ્વારા મનથી હિંસાની પ્રવૃત્તિ સ્વયં કરી શકાય છે અને મંત્ર દ્વારા બીજા પાસે પણ કરાવી શકાય છે. વચનથીઃ- (૧) પાપકાર્ય નો સંકલ્પ અને નિર્ણય વચનથી પ્રગટ કરવો, મંત્રોચ્ચારણ વગેરે દ્વારા કોઈની હિંસા કરવી. (૨) હિંસા વગેરે કાર્યોનો વચનથી આદેશ દેવો, પ્રેરણા કરવી (૩) હિંસાનાં કાર્ય કરનારને વચનથી ધન્યવાદ આપવા પ્રશંસા કરવી. કાયાથીઃ- (૧) શરીરથી પોતે જ હિંસા કરવી. (૨) શરીર અથવા હાથ વડે ઇશારો કરી અન્યને હિંસાની પ્રેરણા કરવી. (૩) હિંસાનાં કામો કરનારનું શાબાશી આપીને, વાંસો થાબડીને કે ભેટીને અનુમોદન કરવું.
આ રીતે મન, વચન, કાયાથી પાપ પ્રવૃત્તિ કરવી, કરાવવી કે અનુમોદના કરવી, તેથી ૩ X ૩ = ૯ કોટિ થાય છે.
શ્રાવકો પોતાની ઇચ્છા, અનુકુળતા અને ક્ષમતાનો વિચાર કરીને વ્રતનો સ્વીકાર કરે છે. શ્રી ભગવતી સૂત્ર શતક–૮/પમાં શ્રાવક વ્રત ગ્રહણ કરવાના ૪૯ ભંગ કહ્યા છે. આવશ્યક સૂત્રના વ્યાખ્યાગ્રંથોમાં પણ ૪૯ ભંગનું કથન છે.