________________
આવશ્યક
૧૪૯
ત્યાર પછી તે સાધક પાણીનો ત્યાગ કરે છે. એકાસણામાં એકવારના ભોજન પછી ભોજનનો ત્યાગ હોય છે પરંતુ એકાસણામાં આઠ આગાર છે અને દિવસ રિમ પ્રત્યાખ્યાનમાં ચાર જ આગાર છે. આ રીતે એકાસણાના પચ્ચક્ખાણ કર્યા હોય, તો પણ દિવસ ચરિમ પચ્ચક્ખાણ કરવાથી આગારનો સંક્ષેપ થવાથી એકાસણાથી વિશેષ લાભ થાય છે.
આયુષ્યની અંતિમ ઘડીઓમાં યાવજ્જીવન માટે ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરીને સંઘારાની આરાધના કરવી, તે ભવચરિમ પ્રત્યાખ્યાન છે.
દિવસ ચરિમ અને ભવચરિમ, બંને પ્રકારના પ્રત્યાખ્યાનમાં ત્રણ અથવા ચાર આહારના પ્રત્યાખ્યાન કરી શકાય છે. તેમાં અનાભોગ-અજાણતાં, સહસાકાર-અચાનક, મહત્તરાગાર-વડિલોના કહેવાથી અને સર્વ સમાધિ પ્રત્યયાકાર સર્વ પ્રકારે સમાધિભાવ જાળવી રાખવા માટે, આ ચાર આગાર હોય છે.
પાઠ-૯ : અભિગ્રહ સૂત્ર
१ अभिग्गहं पच्चक्खामि चउव्विहं पि आहारं असणं, पाणं, खाइमं, साइमं । अण्णत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्व समाहिवत्तियागारेणं वोसिरामि । ભાવાર્થ :- અભિગ્રહનું વ્રત ગ્રહણ કરું છું. અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વ સમાધિ પ્રત્યયાકાર આ(ચાર) આગાર સહિત અભિગ્રહપૂર્તિ ન થાય ત્યાં સુધી(સંકલ્પિત સમય સુધી) અશન, પાણી, મેવા, મુખવાસ, ચારે ય આહારનો ત્યાગ કરું છું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અભિગ્રહ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા તેના આગારનું પ્રતિપાદન છે.
ઉપવાસ વગેરે તપ પછી અથવા કોઈ પણ તપ વિના પોતાના મનમાં નિશ્ચિંત પ્રતિજ્ઞા કે સંકલ્પ કરવો કે સંકલ્પ સિદ્ધ થયા પછી જ આહાર ગ્રહણ કરીશ, અન્યથા ઉપવાસ, છ-અટ્ટમ વગેરે સંકલ્પિત દિવસો સુધી આહાર ગ્રહણ કરીશ નહીં. આ પ્રકારની પ્રતિજ્ઞાને અભિગ્રહ કહે છે. સાધક પોતાની શક્તિ અનુસાર સંકલ્પિત સમય સુધીના પ્રત્યાખ્યાન કરે છે. સંકલ્પિત સમય પછી અભિગ્રહ પૂર્ણ ન થાય તોપણ આહાર(પારણું) કરી શકે છે અને સંકલ્પિત સમય પહેલાં જ અભિગ્રહ પૂર્ણ થઈ જાય તો તે ત્યારે જ આહાર ગ્રહણ કરી શકે છે– જેમ કે કોઈએ અભિગ્રહ કર્યો કે મને હાથી પોતાની સૂંઢથી કંઈક વહોરાવે તો હું આહાર ગ્રહણ કરીશ અન્યથા માસખમણ કરીશ. આ અભિગ્રહ કર્યા પછી જો બીજે જ દિવસે કોઈ હાથી સામે મળી જાય અને પોતાની સૂંઢ લાંબી કરીને કોઈ પદાર્થ આપે તો તે સાધુ તુરંત જ તે વસ્તુ ગ્રહણ કરીને પારણું કરી શકે, પછી તેને માસખમણ કરવાની આવશ્યકતા નથી. જો તેવો સંયોગ પ્રાપ્ત ન થાય, તો તે સાધુ પોતાના સંકલ્પ પ્રમાણે માસખમણ કરીને પછી પારણું કરે છે.
અભિગહ પ્રત્યાખ્યાનમાં અભિગ્રહ પૂર્ણ થયા પહેલાં પોતાના અભિતને કોઈની સમક્ષ પ્રકટ ન કરવો જોઈએ. અભિગ્રહ પ્રત્યાખ્યાન ધીર, ગંભીર અને શૂરવીર સાધક જ કરી શકે છે. અભિગ્રહ પૂર્ણ ન થાય, ત્યાં સુધી સમભાવપૂર્વક ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. અભિગ્રહપૂર્તિ માટે ચિત્ત ચંચળ બની જાય કે આર્તધ્યાનના મલિન પરિણામો આવી જાય, તો પ્રત્યાખ્યાન સફળ થતાં નથી, તેથી પ્રત્યેક સાધકે બીજાની દેખાદેખીને