________________
આવશ્યક-૪
| ૧૨૭ ]
પાપ દોષોનું પ્રતિક્રમણ કરીને શુદ્ધ આત્મ-સ્વભાવમાં સ્થિત થવા માટે પુરુષાર્થશીલ સાધક જગતના સર્વ જીવો સાથે ક્ષમાયાચના કરે છે.
ક્ષમા એટલે મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિથી જગતના સૂક્ષ્મ કે સ્થૂલ કોઈ પણ જીવો પ્રતિ દુર્વ્યવહાર થયો હોય, તો તજ્જન્ય પોતાના દોષનો દોષરૂપે સ્વીકાર કરીને તેના માટે પશ્ચાતાપનો ભાવ પ્રગટ કરવો, તે ક્ષમા યાચના છે અને જગતના કોઈ જીવો દ્વારા પોતાની સાથે દુર્વ્યવહાર થયો હોય, તો તે જીવોના દુર્વ્યવહારને અંતરથી ભૂલીને તે જીવો સાથે મિત્રતાનો વ્યવહાર કરવો, તે “ક્ષમા પ્રદાન’ છે. અથવા ક્ષમા એટલે સહનશીલતા. અન્ય દ્વારા થયેલી પ્રતિકૂળતાને પ્રતિકાર કર્યા વિના સમભાવે સહન કરવી, તેના પ્રતિ વેર-વિરોધનો ભાવ રાખ્યા વિના મિત્રતાનો ભાવ કેળવવો, તે ક્ષમા છે.
આ રીતે સમભાવમાં સ્થિત થવા માટે ક્ષમાનું આદાન-પ્રદાન બંને અત્યંત જરૂરી છે, તેથી જ સાધક કહે છે કે હું કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના જગતના સર્વ જીવોની ક્ષમાયાચના કરું છું, જગતના સર્વ જીવો મને ક્ષમાપ્રદાન કરે, મારા દોષોને ભૂલીને મને માફ કરે અને જગતના સર્વ જીવોને હું પણ ક્ષમાપ્રદાન કરું છું. આ રીતે ક્ષમાના આદાન-પ્રદાનથી સમસ્ત જીવસૃષ્ટિ સાથે શત્રુતાનો ભાવ નાશ પામે અને મિત્રતાનો ભાવ પ્રગટ થાય છે.
જેને જગતના સમસ્ત જીવો પ્રતિ મિત્રતાનો ભાવ પ્રગટ થાય, તે જ વીતરાગતાને પામી શકે છે અને જે વીતરાગતાને પામે છે તે જ સર્વજ્ઞતાને પામી સિદ્ધ ગતિને પામે છે.
આ રીતે આત્મવિશુદ્ધિ માટે ક્ષમા અનિવાર્ય ગુણ છે. તેથી દશવિધ યતિધર્મમાં તેનું પ્રથમ સ્થાન છે. ક્ષમાગુણ અન્ય અનેક ગુણોને પ્રગટ કરે છે. તેથી સાધક પ્રતિક્રમણના અંતે સર્વ જીવો સાથે ક્ષમાનું આદાન-પ્રદાન કરીને, સર્વ પાપદોષની શુદ્ધ ભાવે આલોચના, નિંદા, ગહ, જુગુપ્સા કરીને અંતે તીર્થકરોને નમસ્કાર કરે છે.
આ પ્રતિક્રમણ આવશ્યકનું અંતિમ મંગલ છે.
|| આવશ્યક-૪ સંપૂર્ણ