________________
૯૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
અંડ, (૪) કૂર્મ, (૫) શેલક, (૬) તુંબ, (૭) રોહિણી, () મલ્લી, (૯) માકંદી, (૧૦) ચંદ્રમા, (૧૧) દાવદવ, (૧૨) ઉદક, (૧૩) મંડુક, (૧૪) તેતલિ, (૧૫) નંદીફળ, (૧૬) અમરકંકા, (૧૭) આકીર્ણ, (૧૮) સુસુમાદારિકા, (૧૯) પુંડરીક. આ ઓગણીસ ધર્મકથા કથિત ભાવ અનુસાર સાધુ ધર્મની સાધના કરવામાં ન આવે, તો તે અતિચાર છે. આ પ્રકારના અતિચારનું સેવન થયું હોય, તે તેનું પ્રતિક્રમણ કરું છું. વીસ અસમાધિ:३१ वीसाए असमाहि ठाणेहिं । ભાવાર્થ - વીસ પ્રકારના અસમાધિસ્થાનનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
જે આચરણથી પોતાને તથા બીજા જીવોને અસમાધિના ભાવ ઉત્પન્ન થાય, સાધકનો આત્મા દુષિત થાય, ચારિત્ર મલિન થાય, તે અસમાધિ કહેવાય છે.
વ્યાખ્યાકારે તેની વ્યુત્પત્તિલભ્ય વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. समाधानं समाधिः चेतसः स्वास्थ्यं मोक्षमार्गेऽवस्थितिरित्यर्थः । न समाधिरसमाधिस्तस्य स्थानानि-आश्रया भेदाः पर्याया असमाधि-स्थानानि ॥
આચાર્ય હરિભદ્ર. જે કાર્ય કરવાથી ચિત્તમાં શાંતિ થાય, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે, તેને સમાધિ કહે છે અને જે કાર્યથી ચિત્તમાં અસમાધિ ભાવ ઉત્પન્ન થાય, આત્મા જ્ઞાનાદિ મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય તેને અસમાધિ કહે છે. તેના વીસ ભેદ આ પ્રમાણે છે
(૧) જલદી જલદી ચાલવું, (૨) રાત્રિ આદિમાં પોંજ્યા વગર ચાલવું, (૩) ઉપયોગ વગર દુષ્પમાર્જન કરીને ચાલવું, (૪) અમર્યાદિત શય્યા, આસન આદિ રાખવા,(૫) ગુરુજનો, રત્નાધિક સંતો-પોતાનાથી વધુ દીક્ષા પર્યાયવાળા સાધકનું અપમાન કરવું, (૬) ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રના જ્ઞાતા જ્ઞાન સ્થવિર, વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા દીક્ષા સ્થવિર અને સાઠ વર્ષની ઊંમરવાળા વયસ્થવિર, આ ત્રણે પ્રકારના સ્થવિર સંતોની અવહેલના કરવી, (૭) જીવોની હિંસા કરવી, કરાવવી, (૮) સંજ્વલન - પ્રતિક્ષણ વારંવાર ક્રોધાદિ કષાય ભાવ કરવા, (૯) દીર્ઘ કોપ- લાંબા કાળ સુધી રોષ રાખવો, (૧૦) નિંદા કરવી, (૧૧) શંકા હોવા છતાં નિશ્ચિત ભાષા બોલવી, (૧૨) નવાધિકરણ-પ્રતિદિન નવા કલહ-ઝગડા કરવા, (૧૩) શાંત થઈ ગયેલા કલહને-ઝગડાને પુનઃ ઉત્તેજિત કરવા, (૧૪) અકાળમાં સ્વાધ્યાય કરવો, (૧૫) સચિત્ત રજ સંસક્ત હાથ આદિથી ભિક્ષા લેવી અથવા સચેત રજથી સંસક્ત પગ વડે આસન પર બેસવું. (૧૬) એક પ્રહરરાત્રિ વ્યતીત થયા પછી જોરથી બોલવું, (૧૭) ગચ્છમાં કે સંઘમાં ફૂટ–ભેદકરાવનારા વચન બોલવા (૧૮) કલહ કરણ– દરેક વ્યક્તિ સાથે આક્રોશ આદિ રૂપ ઝગડા કરવા, (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાતા જ રહેવું, (૨૦) એષણા સમિતિનું ઉચિત પાલન ન કરવું. આ અસમાધિ સ્થાનોના સેવનથી આત્મા સંયમ ભાવથી ભ્રષ્ટ થાય છે, તેનું પ્રતિક્રમણ પ્રસ્તુત પાઠ દ્વારા કરાય છે. એકવીસ શબલ દોષ :|३२ एगवीसाए सबलेहिं ।