________________
७८
શ્રી આવશ્યક સૂત્ર
ધ્યાન કરવાથી અને અંતિમ બે શુભ ધ્યાન ન કરવાથી લાગેલા દોષોનું) પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધકને અશુભ ધ્યાનના ત્યાગનું અને શુભધ્યાનના સ્વીકારનું સૂચન છે.
(૧) અધ્યવસાય અને ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. (૨) જેમ વાયુ રહિત સ્થાનમાં દીપકની જ્યોત સ્થિર અને નિશ્ચલ રહે છે, તેમ એક જ વિષય પર ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઈ જાય, તે ધ્યાન છે.
પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટે કે અપ્રિય વસ્તુના વિયોગ માટે ચિત્ત એકાગ્ર બને, તે અશુભધ્યાન છે. જેમ શિકારી પોતાના શિકારમાં, નિશાન તાકવામાં એકાગ્ર બને છે, તે અશુભ ધ્યાન છે. અનાદિકાલીન સંસ્કારોના કારણે જીવ વારંવાર અશુભ ધ્યાનમાં મગ્ન બની જાય છે અને સાધનાના અંગભૂત શુભધ્યાનને ભુલી જાય છે. સાધકે પોતાના જાગૃતિ પૂર્વકના પુરુષાર્થથી અશુભ ધ્યાનજન્ય એકાગ્રતાને છોડી શુભ ધ્યાનમાં એકાગ્ર બનાવનું હોય છે.
સાધકના દિનનૃત્યમાં ભગવાને સાધુને માટે દિવસ અને રાત્રિના બીજા પ્રહરમાં શુભધ્યાનનું કથન કર્યું છે. તે આજ્ઞાનું પાલન ન થયું હોય અને અશુભ ધ્યાન થયું હોય, તો સાધકે પ્રતિક્રમણ સમયે તેની આલોચના કરવાની છે. ધ્યાનના ચાર પ્રકાર છે.
આર્તધ્યાન ઃ– આર્તનો અર્થ દુઃખ, કષ્ટ તથા પીડા થાય છે અને તેના નિમિતે જે ધ્યાન થાય છે, તે આર્ત ધ્યાન છે. અનિષ્ટ વસ્તુના સંયોગથી, ઇષ્ટ વસ્તુના વિયોગથી, રોગ આદિને દૂર કરવાની ઇચ્છાથી તથા ભોગની લાલસાથી મનમાં જે એક પ્રકારની વિકલતા અર્થાત એકાત્મતા પૂર્વકનું ચિંતન થાય તે આર્ત ધ્યાન છે. રૌદ્રધ્યાન :- હિંસા આદિ ક્રૂર વિચારણાની એકાગ્રતાને રૌદ્રધ્યાન કહે છે. હિંસા કરવાથી, અસત્ય બોલવાથી, ચોરીથી તથા પ્રાપ્ત વિષય ભોગોની સંરક્ષણ વૃત્તિ આદિ ક્રિયાઓથી ક્રૂરતાનો ઉદ્ભવ થાય છે. ઉપરોક્ત પ્રવૃત્તિઓનું સતત ચિંતન કરવું, તે રૌદ્ર ધ્યાન છે.
ધર્મધ્યાન ઃ– શ્રુત અને ચારિત્રની સાધના ધર્મ કહેવાય છે. ધર્મના સંબંધમાં જે ચિંતન, મનન થાય છે, તે ધર્મ ધ્યાન છે. સૂત્રાર્થની સાધના કરવી, મહાવ્રતોને ધારણ કરવા, બંધ અને મોક્ષના હેતુઓનો વિચાર કરવો, પાંચ ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થવું, પ્રાણીમાત્ર ઉપર દયાભાવ રાખવો, ઇત્યાદિ શુભ લક્ષ્ય ઉપર મનને એકાગ્ર કરવું તે ધર્મધ્યાન છે.
શુક્લધ્યાન ઃ– કર્મમળનું શોધન કરનાર, શોકને દૂર કરનાર ઘ્યાનને શુક્લ ધ્યાન કહે છે. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનનું સાધન છે. શુક્લ ધ્યાનમાં મન પૂર્ણ રૂપથી એકાગ્ર, સ્થિર, નિશ્ચલ તથા નિઃસ્પંદ થઈ જાય છે. સાધકની સામે અનેક સુંદર પ્રલોભનો આવે, ઉપસર્ગો કે પરીષહો આવે, પરંતુ શુક્લ ધ્યાન દ્વારા સ્થિર થયેલું અચંચળ ચિત્ત લેશમાત્ર પણ ચલાયમાન થતું નથી. શુકલ ધ્યાનની ઉત્કૃષ્ટતા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે.
આર્ત આદિ ચારે ય ધ્યાનનું સંક્ષિપ્ત સ્વરૂપ પ્રદર્શિત કરતી એક પ્રાચીન ગાથા જિનદાસ મહત્તરે આવશ્યક ચૂર્ણિની વ્યાખ્યામાં ઉષ્કૃત કરી છે.
हिंसाणु रंजितं रौद्रं, अट्टं कामापुरंजितं । धम्माणु रंजियं धम्मं सुक्कं झाणं निरंजणं ।
હિંસાથી અનુરજિત હોય તે રૌદ્ર ધ્યાન, કામથી અનુરજિત હોય તે આતં ધ્યાન, ધર્મથી અનુરજિત હોય તે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન નિરંજન છે,