________________
૨૩૮
શ્રી નિશીથ સૂત્ર
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આહારને જમીન, શય્યા કે શીંકા ઉપર રાખવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાધુ કરપાત્રી અથવા પાત્રધારી હોય છે. સાધુ પાત્રમાં કે હાથમાં આહાર ગ્રહણ કરીને વાપરે છે, પણ તે આહારને જમીન, પથારી કે શીંકા—ખીંટી પર રાખીને વાપરવો કલ્પતો નથી.
ભૂમિ પર અનેક પ્રકારના મનુષ્ય–તિર્યંચાદિ જીવો ફરતા હોય છે અને ત્યાં અશુચિમય પદાર્થોનો ત્યાગ કરતા હોય છે. તેના ઉપર આહાર મૂકી વાપરવાથી અનેક પ્રકારના રોગો થવાની સંભાવના રહે અને તેનાથી આત્મવિરાધના થાય. જમીન પર ઢેઢગરોળી, વીંછી વગેરેનું વિષ હોય અને તેવા સ્થાન પર આહાર મૂકાય જાય તો તે આહાર વિષ યુક્ત બની જાય અને તે વાપરવાથી મૃત્યુ પણ થાય, જમીન પર સચિત્ત રજ, કીડી વગેરે જીવો હોય તેની વિરાધના થાય, જમીન પર આહાર મૂકતા તેની સુગંધથી કીડી આદિ જીવો આવે અને તે જીવોની વિરાધનાથી સંયમ વિરાધિત બને.
સંસ્તારક–સૂવાનું આસન વસ્ત્ર કે ઘાસનું હોય તેના ઉપર આહાર મૂકવાથી તેના પર આહારના અંશ રહી જાય તો કીડીઓ આવવાની સંભાવના રહે. તે આસનાદિમાં મેલ, પસીનો હોય, તેના પર આહારાદિ મૂકતા તેમાં અન્ય જીવોત્પત્તિની સંભાવના રહે અને સંયમ તથા આત્મવિરાધના થવાની સંભાવના રહે છે. આ સૂત્રમાં સંસ્તારકનું જ કથન છે પણ ઉપલક્ષણથી વસ્ત્ર, રજોહરણાદિ પર પણ આહાર રાખવાથી પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું જોઈએ.
શીંકા કે ખીંટી પર આહાર મૂકવાથી ક્યારેક પાત્ર પડી જાય અથવા ઉંદર વગેરે તેના ઉપરથી પાત્રને પાડે તો તે પાત્ર તૂટી જાય અને પાત્ર પડવાથી છકાય જીવની વિરાધના થાય.
પ્રાદેશિક પરિસ્થિતિના કારણે શીંકાદિમાં આહાર રાખવાની જરૂર હોય તો શીંકાનું ઢાંકણું બંધ કરી રાખી શકાય છે તેમ નિશીથ સૂત્ર, ઉદ્દે.–૧, સૂત્ર–૧૩ અને ઉદ્દે.–ર, સૂત્ર–૧૨થી સ્પષ્ટ થાય છે.
જો અસાવધાનીથી કોઈ ખાદ્ય પદાર્થ ભૂમિ ઉપર પડી જાય અને તેને રજ વગેરે લાગ્યા ન હોય, તો તેનો ઉપયોગ સાધુ કરી શકે છે અને તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી પરંતુ સ્વેચ્છાથી ખાધ પદાર્થ પૃથ્વી પર રાખવો ઉચિત નથી અને તેનું જ આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ગૃહસ્થની સાથે અને સામે આહાર કરવોઃ
३६ जे भिक्खू अण्णउत्थिएहिं वा गारत्थिएहिं वा सद्धिं भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ :-જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોની સાથે આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે, ३७ जे भिक्खू अण्णउत्थिएहिं वा गारत्थिएहिं वा सद्धिं आवेढिय-परिवेढिय भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોથી ઘેરાઈને તેની સાથે આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.