________________
ઉદ્દેશક-૧૨
૧૬૯
(૭) પ્રત્યાખ્યાન ભંગના અવગુણને છુપાવવા માયાપૂર્વક મૃષાભાષણની સંભાવના પણ છે.
પ્રત્યાખ્યાન ભંગથી સંયમની વિરાધના પણ થાય છે માટે તેનું પ્રાયશ્ચિત્ત વિધાન આ સૂત્રમાં બતાવ્યું છે. પ્રત્યાખ્યાનનું પૂર્ણપાલન શક્ય ન હોય ત્યારે ગીતાર્થ મુનિની આજ્ઞાથી આગારનું સેવન કરે તો પ્રત્યાખ્યાન ભંગ ન કહેવાય અને તે આગાર સેવન પછી ગીતાર્થ મુનિ સમક્ષ તેની આલોચના અને પ્રાયશ્ચિત્ત અવશ્ય કરવા જોઈએ.
પ્રત્યેક કાય મિશ્રિત આહાર વાપરવોઃ
४ जे भिक्खू परित्तकायसंजुत्तं आहारं आहारेइ, आहारेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રત્યેક કાયથી સંયુક્ત મિશ્રિત આહાર વાપરે કે વાપરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
આચા., શ્રુ.૨, અ.૧, ઉ. ૧માં સાધુને સચિત્ત ધાન્યાદિ ખાવાનો નિષેધ છે તથા ચોથા ઉદ્દેશકમાં સચિત્ત ધાન્ય અને બીજ વગેરે ખાવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે, દશમા ઉદ્દેશકમાં અનંતકાય મિશ્રિત આહાર વાપરવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કથન છે અને આ સૂત્રમાં પ્રત્યેકકાય મિશ્રિત આહારનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પરિત્તાય સંગુત્ત:- અહીં અસંખ્ય જીવ યુક્ત પ્રત્યેકકાય વનસ્પતિનું કથન છે. થડ, શાખા, પ્રશાખા, છાલ, પાંદડા, પુષ્પ, ફળ વગેરે અસંખ્યાત શરીરી અને અસંખ્યાત જીવવાળા હોય છે. તેને અહીં પરિત્તકાયમાં પ્રત્યેકકાયમાં ગ્રહણ કરવામાં આવ્યા છે. બીજ ધાન્ય વગેરે પણ પરિત્તકાય છે, પરંતુ તેનું કથન ચોથા ઉદ્દેશકમાં છે.
સચિત્ત મીઠું, પાણી-બરફ, પ્રત્યેક શરીરી વનસ્પતિ યુક્ત ખાદ્ય પદાર્થ કે જે શસ્ત્ર પરિણત થયા ન હોય અથવા અચિત્ત થવા યોગ્ય પૂર્ણ સમય વ્યતીત થયો ન હોય, તેવા ખાધ પદાર્થોને પ્રત્યેકકાય સંયુક્ત આહાર કહેવાય છે, જેમ કે– (૧) કોઈ પેય પદાર્થમાં કે અચિત્ત પાણી વગેરેમાં બરફ નાંખ્યો હોય (૨) શાક, દાળ ને અગ્નિ પરથી ઉતાર્યા પછી તેના ઉપર અને ખમણ ઢોકળા વગેરે ઉપર કોથમીર છાંટી હોય (૩) કેટલાક ખાદ્ય પદાર્થ પર સચિત્ત મીઠું નાંખ્યું હોય તો તે પદાર્થ પરિત્તકાય—પ્રત્યેકકાય સંયુક્ત કહેવાય છે.
આ પ્રકારનો કોઈ પણ આહાર ગ્રહણ કર્યા પછી તેની મિશ્રિતતાનો ખ્યાલ આવે તો સાધુ તે આહાર વાપરે નહીં, જો વાપરતાં-વાપરતાં ખ્યાલ આવે તો તરત જ મુખ, હાથ અને પાત્રમાં રહેલો તે સર્વ આહાર પરઠી દે પણ વાપરે નહીં. તેવા ખાદ્ય પદાર્થ વાપરવાથી જીવવિરાધના થાય છે અને પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
સરોમ ચર્મ ધારણ કરવું ઃ
५ जे भिक्खू सलोमाइं चम्माई अहिट्ठेइ, अहिट्ठेतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રોમ–વાળયુક્ત ચર્મનો ઉપયોગ કરે અથવા કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.