________________
૩૪૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સુદઢ-વિશાળ હાથ, પગ, પીઠ-પાંસળી અને જંઘાવાળા, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દષ્ટિથી સમાન-સમશ્રેણીમાં સ્થિત તાલવૃક્ષ યુગલ અથવા કપાટ અર્ગલા તુલ્ય બે ભુજાના ધારક, ચર્મેષ્ટક, મગર, મુષ્ટિકા, મુષ્ટિ બંધ વગેરેના વ્યાયામના અભ્યાસથી દઢ શરીરવયવવાળા, સહજ બળ સંપન્ન, કૂદવું, તરવું, દોડવું વગેરે ક્રિયાથી સામર્થ્ય–શક્તિવાન, કાર્ય સિદ્ધિના ઉપાયને જાણનાર, દક્ષ, પ્રવીણ, કુશળ, મેધાવી, નિપુણ, સિવણકળામાં નિપુણ એવો દરજીનો પુત્ર સુતરાઉ કે રેશમી સાડીને અતિશીઘ્રતાથી એક હાથ પ્રમાણ ફાડી નાંખે છે. આ સંબંધમાં શિષ્ય ગુરુને પુછે કે
પ્રશ્ન- તે દરજી પુત્ર જેટલા સમયમાં શીઘ્રતાથી સુતરાઉ કે રેશમી સાડીને ફાડે છે તેને શું 'સમય' કહેવામાં આવે છે?
ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તે સમયનું માપ નથી. પ્રશ્ન- શા માટે ?
ઉત્તર- કારણ કે સંખ્યાત તંતુઓના સમુદાયના સમ્યક સંયોગથી સુતરાઉ સાડી કે રેશમી સાડી નિષ્પન્ન થાય છે. ઉપરનો તંતુ છેદાય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાતો નથી. ઉપરનો તંતુ છેદાવાનો અને નીચેનો તંતુ છેદાવાનો સમય ભિન્ન છે, માટે શાટિકા છેદન કાળને 'સમય' કહી શકાય નહીં.
પ્રશ્ન- હે ભગવન્! દરજીપુત્ર સુતરાઉ કે રેશમી સાડીના ઉપરના તંતુને જેટલા કાળમાં છેદે તે કાળ 'સમય' કહેવાય?
ઉત્તર- ના, તેને પણ સમય ન કહેવાય.
પ્રશ્ન- તેનું કારણ શું છે?
ઉત્તર- સંખ્યાત પલ્મો–રેશાઓ ભેગા મળે, ત્યારે તંતુ નિષ્પન્ન થાય છે. ઉપરનો રેશો જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી નીચેનો રેશો છેદી શકાતો નથી. ઉપરના અને નીચેના રેશાનો છેદન કાળ ભિન્ન છે. માટે તંતુના છેદનકાળને સમય કહી ન શકાય.
પ્રશ્ન- હે ભગવન્! તો શું તંતુના ઉપરવર્તી રેશાનો જેટલો છેદનકાળ છે, તેને સમય કહી શકાય? ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી. ઉપરવર્તી રેશાના છેદનકાળને પણ સમય કહી શકાય નહીં. પ્રશ્ન- તેનું કારણ શું છે?
ઉત્તર- અનંત સંઘાતો(અતિ બારીક રેશાઓ)ના સંયોગથી એક પશ્ન–એક રેશો નિષ્પન્ન થાય છે. ઉપરવર્તી સંઘાત પૃથક ન થાય ત્યાં સુધી નીચેનો સંઘાત પૃથક ન થાય. ઉપરવર્તી સંઘાતનો પૃથક થવાનો અને નિમ્નવર્તી સંઘાતનો પંથક થવાનો કાળ ભિન્ન છે, માટે ઉપરવર્તી રેશાના છેદનકાળને સમય કહી શકાય નહીં. સમય તેનાથી સૂક્ષ્મતર છે.