________________
७८
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં નૈગમ–વ્યવહારનય સંમત અનૌપનિધિકી આનુપૂર્વીની 'અર્થપદ પ્રરૂપણા'નું વર્ણન કરવામાં આવ્યું છે. આદિ—જેની પૂર્વે કાંઈ નથી પણ પાછળ અન્ય હોય તે આદિ. મધ્યમ જેની પૂર્વે અને પછી બંને તરફ અન્ય હોય તે મધ્યમ કહેવાય અને જેની પૂર્વે છે પણ પાછળ નથી તે અંત કહેવાય. ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધમાં આદિ, મધ્ય અને અંત, આ ત્રણે હોય છે. તેથી તે પ્રત્યેક સ્કન્ધ આનુપૂર્વીરૂપ છે. આનુપૂર્વી એટલે ક્રમ. ક્રમ—અનુક્રમ ત્રણ કે તેથી વધુ સંખ્યા હોય ત્યાં જ સંભવે
છે.
પ્રત્યેક પરમાણુ પુદ્ગલ પૃથક્—પૃથક્ સ્વતંત્ર સત્તાવાળા છે. તે પરમાણુ એક જ હોવાથી તેમાં આદિ, મધ્ય અને અંત ઘટિત થતાં નથી તેથી તે અનાનુપૂર્વી કહેવાય છે. અહીં 'અન' શબ્દ સર્વ નિષેધ અર્થમાં પ્રયુક્ત થયો છે. જેમાં આદિ–મધ્ય–અંતના અભાવમાં, ક્રમ ટિત ન થાય તે અનાનુપૂર્વી.
દ્વિપ્રદેશી સ્કન્ધમાં બે પ્રદેશ જોડાયેલ હોય છે તેથી તેમાં પૂર્વ–પશ્ચાત્ ભાવ, એક–બીજાની અપેક્ષાએ ઘટિત થાય છે અને તે અપેક્ષાએ તેમાં આનુપૂર્વ્યતા ઘટિત થાય છે, પરંતુ તેમાં મધ્યનો અભાવ છે. તેથી તેમાં ગણનાનુક્રમ ઘટિત થઈ શકતો નથી. આમ દ્વિપ્રદેશી સ્કન્ધમાં પૂર્વ-પશ્ચાદ્ભાવનો સદ્ભાવ હોવાથી પરમાણુની જેમ અનાનુપૂર્વી કહી શકાય નહીં, તે જ રીતે ગણનાનુક્રમ ન હોવાથી આનુપૂર્વી પણ કહી શકાય નહીં, આ રીતે આનુપૂર્વી કે અનાનુપૂર્વીરૂપે કહેવું અશક્ય હોવાથી, દ્વિપ્રદેશી સ્કન્ધને અવક્તવ્ય કહેવામાં આવે છે.
એક ત્રિપ્રદેશી સ્કન્ધ એક આનુપૂર્વીરૂપ છે. ત્રિપ્રદેશી સ્કન્ધ એક જ નથી પરંતુ ત્રિપ્રદેશી સ્કન્ધ અનંત છે અને તે પ્રત્યેક ત્રિપ્રદેશી સ્કન્ધ અલગ-અલગ વ્યક્તિરૂપ છે, તે સૂચવવા એકવચન અને બહુવચનથી તે વાત દર્શિત કરી છે. પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશી સ્કન્ધ પણ અનેક વ્યક્તિરૂપે અનંત છે, તેથી તે ત્રણેમાં એકવચન–બહુવચનથી સૂત્રકારે કથન કર્યું છે.
ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધને અનૌપનિધિકી અર્થપદ પ્રરૂપણામાં ગણના કરી છે. અહીં કોઈ જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે ત્રિપ્રદેશી, ચતુપ્રદેશી, પંચપ્રદેશી આમ ક્રમપૂર્વક સમસ્ત સ્કન્ધ સૂત્રમાં બતાવ્યા છે, તો તેનો સમાવેશ ઔપનિધિકીમાં કરવો જોઈએ. પૂર્વાનુપૂર્વી વગરે ક્રમ ઔપનિધિકીમાં ઘટે છે. અનૌપનિધિકીમાં પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમ નથી. તો તેનું સમાધાન આચાર્યો કરે છે કે ત્રિપ્રદેશી સ્કન્ધ પછી ચતુઃપ્રદેશી સ્કન્ધ આવો પૂર્વાનુપૂર્વી ક્રમ સ્કન્ધમાં કોઈ બનાવતું નથી. તે તો સ્વભાવથી જ છે અને લોકમાં ત્રિપ્રદેશી વગેરે સ્કન્ધ અનુક્રમથી ગોઠવાયેલા નથી. લોકમાં રહેલ તે પુદ્ગલ દ્રવ્યો અનૌપનિધિ રૂપ જ છે. તીર્થંકર વગેરે દ્વારા પૂર્વાનુપૂર્વી ક્રમથી વસ્તુનું સ્થાપન કરાતું હોય ત્યાં ઔપનિધિકી પૂર્વાનુપૂર્વી બને છે. દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી સ્કંધ આમ તીર્થંકરો શિષ્યોને સમજાવવા ક્રમથી કથન કે સ્થાપન કરે ત્યારે તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય છે. લોકમાં સ્વભાવથી સ્થિત પરમાણુ અને સ્કન્ધો અનૌપનિધિકી આનુપૂર્વી કહેવાય છે.