________________
| ચોથું પ્રકરણ/પ્રથમ અનુયોગદ્વાર - ઉપક્રમનો નિક્ષેપ
|
૭૧ |
કરી શકીશ. તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલા ગુસ્સે થશે પણ થોડી ક્ષણોમાં શાંત થઈ જશે.
ત્રીજી કન્યાએ પતિને લાત મારી. ત્યારે તેના પતિ અત્યંત ગુસ્સે થઈ બોલ્યા- તારો વ્યવહાર કળવાન કન્યાને યોગ્ય નથી, તે હું ચલાવીશ નહીં. આમ કહી તેને માર મારી ઘરની બહાર કાઢી મૂકી. તે રોતી-કકળતી માતા પાસે આવી અને સર્વ વૃત્તાંત કહ્યો.
પોતાની પુત્રીની વાત ઉપરથી જમાઈરાજનો સ્વભાવ તે જાણી ગઈ અને તુરત જમાઈ પાસે જઈ મીઠા શબ્દોથી તેના ક્રોધને શાંત કરી કહ્યું–જમાઈરાજ ! અમારી કુળ પરંપરા છે કે પ્રથમ રાતે કન્યા પતિના મસ્તક પર ચરણ પ્રહાર કરે. આ કારણથી જ મારી કન્યાએ તેમ કર્યું છે, અન્ય કોઈદુષ્ટ પ્રયોજનથી તેમ કર્યું નથી. તમે તેના તે વર્તનની ક્ષમા આપો.
આ રીતે જમાઈરાજના ગુસ્સાને શાંત કરી, માતાએ પોતાની કન્યાને સલાહ આપી, બેટા! તારા પતિ દુરારાધ્ય છે. તેની આજ્ઞાનું બરાબર પાલન કરજે અને દેવતાની જેમ તેની પૂજા કરજે. ડોડિણી બ્રાહ્મણીએ યુક્તિપૂર્વક પોતાના જમાઈઓના અભિપ્રાય જાણી લીધા.
(૨) વિલાસવતી ગણિકા - એક નગરમાં વિલાસવતી નામની ગણિકા રહેતી હતી. તેને પોતાને ત્યાં આવતા પુરુષોના અભિપ્રાય જાણવા, પોતાના રતિભવનની દીવાલો પર જુદી-જુદી જાતિના, વિવિધ ક્રિયાઓ કરતાં પુરુષોના ચિત્રો રાખ્યા હતા. તેને ત્યાં જે પુરુષો આવતા તે પોતાની જાતિને ઉચિત ચિત્રના નિરીક્ષણમાં તન્મય બની જતા, તે જોઈ તેની રુચિ, જાતિ, સ્વભાવ તે ગણિકા જાણી લેતી અને તે પુરુષને અનુરૂપ વર્તાવ કરી, તેને પ્રસન્ન કરી, વિપુલ ધનરાશિ પ્રાપ્ત કરતી હતી. (૩) સુશીલ અમાત્ય – એક નગરમાં ભદ્રબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને સુશીલ નામના અમાત્યહતા. તેઓ બીજાના મનોગત ભાવોને જાણવામાં નિપુણ હતા. એકદા અમાત્ય સાથે રાજા અશ્વક્રીડા કરવા નગર બહાર ગયા. રસ્તામાં ઘોડાએ લઘુશંકા(પેશાબ) કરી. અશ્વક્રીડા કરી રાજા તે રસ્તે પાછા ફર્યા. ઘોડાનુ મૂત્ર જરાય સુકાયું ન હતું. તે જોઈ રાજાને વિચાર આવ્યો કે આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે તો તે પાણીથી ભરાયેલું જ રહે. આ પ્રમાણે વિચાર કરતાં-કરતાં રાજા ભૂમિને તાકી રહ્યા અને ત્યાર પછી મહેલમાં પાછા ફર્યા. રાજાને એકીટશે ભૂમિ નીહાળતા જોઈ, ચતુર અમાત્ય રાજાના મનોગત ભાવોને સમજી ગયા. રાજાને પૂછ્યા વિના તે જગ્યાએ મોટું તળાવ બનાવડાવ્યું. તેના ફરતા છ ઋતુના ફળ -ફૂલોના વૃક્ષ રોપાવ્યા.
ફરી કોઈ એકવાર રાજા અમાત્ય સાથે તે જ રસ્તા પર ફરવા નીકળ્યા. વૃક્ષોથી સુશોભિત તળાવ જોઈ રાજાએ પૂછ્યું, 'આ તળાવ કોણે કરાવ્યું?" અમાત્યે કહ્યું. "રાજ! આપે જ કરાવ્યું છે." અમાત્યની વાત સાંભળી રાજાએ આશ્ચર્ય સાથે કહ્યું શું આ તળાવ મેં કરાવ્યું છે? તળાવ બનાવવાનો મેં કોઈને આદેશ આપ્યો હોય તેવું મને યાદ આવતું નથી. પૂર્વ ઘટનાને યાદ કરાવતા અમાત્યે કહ્યું કે હે રાજન્ ! આ સ્થાન પર લાંબા સમય સુધી મૂત્રને સુકાયા વિનાનું જોઈ, તમે જળાશય બનાવવાનો વિચાર કર્યો હતો ને? તમારા તે અભિપ્રાયને જાણી મેં આ તળાવ કરાવ્યું છે.