________________
મતિજ્ઞાન
૧૯૩ |
કહેવાથી અથવા બાહ્ય નિમિત્તથી ચંદ્રદર્શન કર્યા. આ બે માં પહેલી વ્યક્તિ પહેલા પ્રકારની કોટીમાં ગણાય છે અને બીજી વ્યક્તિ બીજા પ્રકારની કોટીમાં ગણાય છે અર્થાત્ કોઈ પણ કારણે જ્ઞાન ઉત્પન્ન થાય તેને નિશ્ચિત કહેવાય.
(૯) અસંદિગ્ધઃ- કોઈ વ્યક્તિને દ્રવ્ય અથવા પર્યાયનું જે કાંઈ જ્ઞાન થાય તે સંદેહ રહિત જાણે, જેમ કેઆ સંતરાનો રસ છે, આ ગુલાબનું ફૂલ છે અથવા જે વ્યક્તિ આવી રહી છે તે મારો ભાઈ છે. એવું ચોક્કસ સમાધાન યુક્ત જ્ઞાન થાય તેને અસંદિગ્ધ કહેવાય.
(૧૦) સંદિગ્ધ – જિજ્ઞાસાઓ અને શંકાઓથી યુક્ત પરિપૂર્ણ સંતોષ રહિત સંદેહયુક્ત જ્ઞાન થાય તેને સંદિગ્ધ કહેવાય. (૧૧) ધ્રુવઃ- ઈન્દ્રિય અને મનને નિમિત્ત મળવાથી વિષયને બરાબર જાણે અને તેમાં જ કાયમ રહે છે, ટકી રહે છે. તેને ધ્રુવ કહે છે. (૧૨) અધુવ – થયેલ જ્ઞાન પલટાતું રહે એવા અસ્થિરતાવાળાં જ્ઞાનને અધ્રુવ કહેવાય.
બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવ એમાં વિશેષ પ્રકારનો ક્ષયોપશમ, ઉપયોગની એકાગ્રતા તેમજ અભ્યસ્તતા કારણ બને છે અને અલ્પ, અલ્પવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ જ્ઞાનમાં ક્ષયોપશમની મંદતા, ઉપયોગની વિક્ષિપ્તતા, અનવ્યસ્તતા આદિ કારણ બને છે.
કોઈને ચક્ષુરિન્દ્રિયની પ્રબળતા હોય છે. તે કોઈ પણ વસ્તુને અથવા શત્રુ મિત્રાદિને દૂરથી જ સ્પષ્ટ જોઈ લે છે. કોઈને શ્રોત્રેન્દ્રિયની પ્રબળતા હોય તો તે એકદમ ધીરા અવાજને પણ સહેલાઈથી સાંભળી શકે છે. જેની ધ્રાણેન્દ્રિય તીવ્ર હોય તે પરોક્ષમાં રહેલી ગંધના સહારે વસ્તુને ઓળખી લે છે. જેમ કે ચાલાક કૂતરાઓ હવામાં રહેલી મંદતમ ગંધ વડે ચોર-ડાકુઓ વગેરેને પકડાવી દે છે. માટીને સૂંઘીને જ ભૂગર્ભવેત્તા ધાતુઓની ખાણને શોધી લે છે. કીડી આદિ અનેક તેઈન્દ્રિય જીવો પોતાની તીવ્ર ઘ્રાણેન્દ્રિય દ્વારા દૂર રહેલા ખાદ્યપદાર્થને શોધી લે છે. સૂંઘીને જ અસલી નકલી પદાર્થોની ઓળખાણ થઈ શકે છે. માણસ જીભ વડે ચાખીને ખાદ્યપદાર્થોનું મૂલ્ય કરી શકે છે તેમજ તેમાં રહેલા ગુણ–દોષોને ઓળખી લે છે. નેત્રહીન વ્યક્તિ લખેલા અક્ષરોને પોતાની તીવ્ર સ્પર્શેન્દ્રિય વડે સ્પર્શ કરીને વાંચી સંભળાવે છે. એવી જ રીતે નોઈદ્રિય અર્થાત્ મનની તીવ્ર શક્તિ વડે અથવા પ્રબળ ચિંતન મનન દ્વારા કોઈ વ્યક્તિ ભવિષ્યમાં થનારી ઘટના અને તેના શુભાશુભ પરિણામને બતાવી શકે છે. આ બધું જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમનું અદ્ભુત ફળ છે.
મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનના માધ્યમથી ઉત્પન્ન થાય છે. આ છ ભેદને અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણાની સાથે જોડવાથી ચોવીસ ભેદ થાય છે. ચક્ષુ અને મનને છોડીને ચાર ઈન્દ્રિયો દ્વારા વ્યંજનાવગ્રહ થાય છે. ઉપર બતાવેલ ચોવીસ ભેદમાં આ ચાર ભેદ મેળવવાથી અઠ્ઠયાવીસ ભેદ થાય છે અને એ અયાવીસને બાર બાર ભેદથી ગુણાકાર કરવાથી ત્રણસોને છત્રીસ ભેદ થાય છે.