________________
મતિજ્ઞાન
| ૧૬૭ |
સુનંદા આચાર્યશ્રીના આગમનની વાત સાંભળીને તરત જ આચાર્યશ્રીની પાસે ગઈ. ત્યાં જઈને તેણીએ કહ્યું– ગુરુદેવ! મારો પુત્ર મને પાછો આપી દો. આચાર્યશ્રીએ કહ્યું– આ બાળકને તમે પાત્રમાં વહોરાવેલ છે, માટે હવે અમે આપશું નહીં. આ બાળકની માલિકી હવે અમારી છે. સુનંદા દુઃખિત હૃદયે ત્યાંથી પાછી આવીને રાજા પાસે ગઈ. રાજા પાસે તેણીએ પોતાના બાળક વિષેની વાત કરી. રાજાએ તે સ્ત્રીની વાત સાંભળી, પછી વિચારીને કહ્યું– એક બાજુ બાળકની માતાને બેસાડવામાં આવશે અને બીજી બાજુ મુનિ બનેલા તેના પિતાને બેસાડવામાં આવશે. બાળકને હું કહીશ કે તારે જેની પાસે જવું હોય તેની પાસે જા. પછી બાળક જેની પાસે જાય તેની પાસે રહેશે. માતા સમજતી હતી કે બાળક મારી પાસે જ આવશે.
બીજા દિવસે રાજસભા ભરાણી. રાજાએ પહેલા માતાને કહ્યું– તમે બાળકને તમારી પાસે બોલાવો. વજની માતા બાળકને લોભાવનાર આકર્ષક રમકડા તથા ખાવા પીવાની અનેક વસ્તુઓ લઈને એક બાજુ બેઠી હતી. તે રાજસભાના મધ્યભાગમાં બેઠેલા પોતાના પુત્રને પોતાની તરફ આવવા માટે સંકેત કરવા લાગી પરંતુ બાળકે વિચાર્યું, " જો હું માતા પાસે જઈશ નહિ તો જ તે મોહને છોડીને આત્મ કલ્યાણમાં જોડાશે. એ રીતે અમો બન્નેનું કલ્યાણ થશે." એમ વિચારીને બાળકે માતાએ રાખેલ કિંમતી પદાર્થો પર નજર પણ ન કરી અને ત્યાંથી એક ડગલું પણ ખસ્યો નહીં.
ત્યાર બાદ તેના પિતા મુનિ ધનગિરિને રાજાએ કહ્યું- હવે તમે બાળકને બોલાવો. મુનિએ બાળકને સંબોધિત કરીને કહ્યું
जइसि कयज्झवसाओ धम्मज्झयमूसिअं इमं वइर ।
गिण्ह लहु रयहरणं, कम्म-रयपमज्जणं धीर ।। હે વજ ! જો તે દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો હોય તો ધર્માચરણના ચિહ્નભૂત અને કર્મરૂપી રજને પ્રમાર્જિત કરનાર આ રજોહરણને ગ્રહણ કરી લે.
એ શબ્દ સાંભળતાં જ બાળકે તરત જ પિતા ગુરુની પાસે જઈને રજોહરણ ગ્રહણ કરી લીધો.
બાળકનો રજોહરણ પ્રત્યેનો પ્રેમ જોઈને રાજાએ બાળક આચાર્ય સિંહગિરિને સોંપી દીધો. આચાર્યશ્રીએ એ જ સમયે રાજા તેમજ સંઘની આજ્ઞા પ્રાપ્ત કરીને વજને દીક્ષા પ્રદાન કરી દીધી.
બાળકની દીક્ષા જોઈને સુનંદાએ વિચાર્યું– મારા પતિદેવ, પુત્ર અને ભાઈબધા સાંસારિક બંધનોને છોડીને દીક્ષિત થઈ ગયા. હવે હું એકલી ઘરમાં રહીને શું કરીશ? બસ, સુનંદા પણ સંયમ લેવા માટે તૈયાર થઈ ગઈ અને આત્મ કલ્યાણના માર્ગ પર અગ્રસર થઈ.
આચાર્ય સિંહગિરિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. બાળક વજમુનિ બહુ જ બુદ્ધિમાન હતા. જ્યારે આચાર્યશ્રી બીજા મુનિઓને વાચના દેતા ત્યારે તે ચિત્ત દઈને સાંભળતા. માત્ર સાંભળીને જ તેમણે અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ક્રમશઃ પૂર્વોનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું.