________________
શ્રી નંદી સૂત્ર
એક વાર આચાર્યશ્રી ઉપાશ્રયથી બહાર ગયા હતા, અન્ય મુનિઓ ગોચરીની ગવેષણા કરવા માટે ગયા હતા. એ સમયે બાળક વજ્રમુનિએ રમત ગમત રૂપે સંતોના વસ્ત્રો અને પાત્રોને પંક્તિબંધ રાખીને પોતે એ બધાની વચમાં બેસીને વસ્ત્રો અને પાત્રોને પોતાના શિષ્યો રૂપે કલ્પિત કરીને વાચના આપવાનો પ્રારંભ કરી દીધો. જ્યારે આચાર્ય બહારથી ઉપાશ્રય તરફ આવતા હતા ત્યારે તેમણે વાચનાનો ધ્વનિ સાંભળ્યો. તેઓશ્રી ત્યાં જ રોકાઈને સાંભળવા લાગ્યા કે આ અવાજ કોનો છે ? થોડીવારમાં આચાર્યશ્રીએ બાળક વજ્રમુનિનો અવાજ ઓળખી લીધો. તેની વાચના આપવાની શૈલી અને તેની જ્ઞાન પ્રતિભા પણ આચાર્યશ્રીએ જાણી લીધી. બીજા મુનિઓ તેની વાચનાની છટા જોઈને આશ્ચર્યમાં પડી ગયા ! આટલા નાનકડા બાળમુનિને આટલું બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું ? તેની પ્રતિભાની પ્રશંસા કરતાં કરતાં તેઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યશ્રીને જોઈને વજ્રમુનિ ત્યાંથી ઊભા થઈને ગુરુદેવના ચરણોમાં વિનયપૂર્વક નમસ્કાર કરીને દરેક ઉપકરણોને યથાસ્થાને રાખી દીધા. એટલી વારમાં ગોચરી ગયેલા મુનિઓ પણ આવી ગયા. દરેકે આહાર પાણી ગ્રહણ કર્યાં.
૧૮
આચાર્યશ્રીએ વિચાર્યું– આ વજ્રમુનિ શ્રુતધર છે પણ તેને નાના સમજીને અન્ય મુનિઓ તેની અવજ્ઞા ન કરે એટલા માટે થોડા દિવસ મારે અહીંથી વિહાર કરીને બહાર વિચરણ કરવું જોઈએ. પછી તેઓશ્રી વાચના આપવાનું કાર્ય વજ્રમુનિને સોંપીને વિહાર કરી ગયાં. બાળક વજ્રમુનિ આગમના સૂક્ષ્મથી સૂક્ષ્મ રહસ્યને એટલી સરળતાથી સમજાવતા હતા કે મંદ બુદ્ધિવાન મુનિ પણ તેને હૃદયંગમ કરવા લાગ્યા. મુનિઓના હૃદયમાં પૂર્વ પ્રાપ્ત જ્ઞાનમાં જે જે શંકાઓ હતી તેનું વજ્રમુનિની શાસ્ત્રોક્ત વિસ્તૃત વાચના વડે સમાધાન થઈ ગયું. દરેક સાધુઓનાં હૃદયમાં વજ્રમુનિ પર અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ અને તેઓ વિનયપૂર્વક વજ્રમુનિ પાસે વાચના લેતા રહ્યા.
આચાર્યશ્રી વિચરણ કરતાં કરતાં ફરી તુંબવન નગરમાં પધાર્યા. દરેક મુનિઓને આચાર્યશ્રીએ વજ્રમુનિની વાચના વિષે પૂછ્યું ત્યારે મુનિઓએ પૂર્ણ સંતોષ વ્યક્ત કરીને કહ્યું– ગુરુદેવ ! વજ્રમુનિ અમને સારી રીતે વાચના આપી રહ્યા છે. કૃપા કરીને આપ હંમેશને માટે વાચનાનું કાર્ય વજ્રમુનિને સોંપી દો. આચાર્યશ્રી આ વાત સાંભળીને અત્યંત સંતુષ્ટ તેમજ પ્રસન્ન થઈને બોલ્યા– વજ્રમુનિ પ્રત્યે તમો દરેકનો સ્નેહ અને સદ્ભાવ જોઈને મને ખૂબ જ સંતોષ થયો છે. મેં પણ તેની યોગ્યતા અને કુશળતાનો પરિચય કરાવવા માટે જ તેઓને આ કાર્ય સોંપીને વિહાર કર્યો હતો. વજ્રમુનિનું આ સમગ્ર શ્રુતજ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ ન હતું પણ સાંભળતાં સાંભળતાં તેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્યાં સુધી ગુરુના મુખેથી જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય ત્યાં સુધી કોઈ વાચનાગુરુ બની શકે નહીં. તેથી આચાર્યશ્રીએ વજ્રમુનિને સમસ્ત સૂત્રોની વાચના આપી અને પોતાનું બધું જ્ઞાન તેને શિખડાવી દીધું.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક વાર આચાર્યશ્રી પોતાના શિષ્ય . સમુદાય સહિત દશપુર નગરમાં પધાર્યા. તે સમયે આચાર્ય ભદ્રગુપ્તે વૃદ્ધાવસ્થાના કારણે અતિ નગરીમાં સ્થિરવાસ કર્યો હતો. આચાર્યશ્રીને આ સમાચાર મળતાં પોતાના બે શિષ્યોની સાથે વજ્રમુનિને તેમની સેવામાં મોકલ્યાં. વજ્રમુનિએ આચાર્ય ભદ્રગુપ્તની સેવા કરતાં કરતાં દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ આચાર્યશ્રી સિંહગિરિએ વજ્રમુનિને આચાર્યપદ પ્રદાન કરી પોતે અનશનવ્રત ધારણ કર્યું અને સ્વર્ગે સિધાવી ગયા.