________________
[ ૧૮ ]
શ્રી નંદી સૂત્ર
બીજી બાજુ નવ માસ પૂર્ણ થયા પછી સુનંદાએ એક પુણ્યવાન પુત્રને જન્મ આપ્યો. જે સમયે પુત્રનો જન્મ મહોત્સવ મનાવવા જઈ રહ્યા હતા ત્યારે કોઈ એક સ્ત્રીએ કહ્યું– જો આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત અને આજે અહીં હોત તો કેટલું સારું લાગત! બાળક બહુ જ મેધાવી હતો. તેણે પેલી
સ્ત્રીના શબ્દો સાંભળીને વિચાર કર્યોમારા પિતાજીએ તો દીક્ષા લઈ લીધી છે. મારે હવે શું કરવું? આ વિષય પર ચિંતન મનન કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિચારવા લાગ્યો કે મારા પિતાજીએ તો મુક્તિનો માર્ગ અપનાવી લીધો છે. હવે મારે પણ કંઈક ઉપાય કરવો જોઈએ જેથી હું પણ સંસારથી વિરક્ત થઈ શકું તથા મારી માતા પણ આ સાંસારિક બંધનોથી મુક્ત થઈ શકે. એમ વિચારીને આ બાળકે રાત અને દિવસ રડવાનું શરૂ કરી દીધું. માતાએ તથા સગા સંબંધીઓએ એ બાળકનું રડવું બંધ થાય એ માટે અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. માતા સુનંદા બહુ જ પરેશાન થવા લાગી.
બીજી બાજુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં આચાર્ય સિંહગિરિ પોતાના શિષ્યો સહિત ફરી તુંબવન નગરમાં પધાર્યા. આહારના સમયે મુનિ આર્યસમિત તથા ધનગિરિ ગુરુની આજ્ઞા લઈને ગોચરી માટે નગરમાં જવા લાગ્યા. ત્યારે શુભ શકુનો જોતાં આચાર્યે તેઓને કહ્યું આજે તમને મહાલાભની પ્રાપ્તિ થશે. માટે સચેત અચેત જે કાંઈ ગોચરીમાં મળે તે લઈ લેજો. ગુરુની આજ્ઞા સ્વીકારીને બન્ને મુનિ શહેર તરફ ચાલ્યા ગયા.
જે સમયે મુનિ સુનંદાના ઘેર ગોચરી ગયા તે સમયે સુનંદા પોતાના રોતા બાળકને શાંત કરવા માટે પ્રયત્ન કરી રહી હતી. મુનિને જોઈને સુનંદાએ ધનગિરિમુનિને કહ્યું– મુનિવર ! આજ સુધી આ બાળ કની રક્ષા મેં ખૂબ જ કરી પણ કોઈ હિસાબે તે રડતો બંધ થતો નથી. માટે હવે આપ સંભાળો અને એની રક્ષા કરો. સુનંદાની વાત સાંભળીને મુનિએ ઝોળીમાંથી પાત્ર બહાર કાઢયું કે તરત જ સુનંદાએ એ પાત્રમાં બાળકને વહોરાવી દીધો. શ્રાવક-શ્રાવિકાની ઉપસ્થિતિમાં મુનિએ બાળકને ગ્રહણ કરી લીધું. એ જ સમયે બાળકે રોવાનું બંધ કરી દીધું.
આચાર્ય સિંહગિરિ પાસે જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે વજનદાર ઝોળીને જોઈને દૂરથી જ આચાર્યશ્રીએ કહ્યું "આ વજ જેવી ભારી વસ્તુ શું લઈ આવ્યા છો?" ધનગિરિમુનિએ બાળક સહિત પાત્ર ગુરુની પાસે રાખી દીધું. પાત્રમાં રહેલ તેજસ્વી બાળકને જોઈને ગુરુદેવ આશ્ચર્યચકિત થયા અને હર્ષિત પણ થયા. તેઓશ્રીએ કહ્યું– આ બાળક ભવિષ્યમાં શાસનનો આધારસ્તંભ બનશે. ગુરુએ બાળકનું નામ "વજ" રાખી દીધું. બાળક બહુ જ નાનો હતો તેથી આચાર્યશ્રીએ તેના પાલન પોષણની જવાબદારી સંઘને સોંપી દીધી. શિશુ વજ ચંદ્રની કળા સમાન તેજોમય બનતો થકો દિનપ્રતિદિન મોટો થવા લાગ્યો. થોડો સમય વ્યતીત થયા બાદ સુનંદાએ પોતાનો પુત્ર સંઘ પાસેથી પાછો માંગ્યો પરંતુ સંઘે કહ્યું – આ બાળક આચાર્યશ્રીની ધરોહર છે. આ અનામતને કોઈ હાથ ન લગાડી શકે. એમ કહીને સંઘે સુનંદાને બાળક આપવાની ના પાડી દીધી. મન મારીને સુનંદા ત્યાંથી પોતાના ઘરે આવી અને સમયની રાહ જોવા લાગી. એ અવસર ત્યારે આવ્યો જ્યારે આચાર્ય સિંહગિરિ વિહાર કરતાં કરતાં પોતાના શિષ્ય સમુદાય સહિત ફરી તુંબવન નગરમાં પધાર્યા.