________________
મતિજ્ઞાન
૧૫
પ્રતિબોધ પમાડીને ધર્મના માર્ગે લાવ્યા એવા શ્રી સ્થૂલિભદ્ર મુનિને હું વારંવાર પ્રણામ કરું છું.
નંદરાજાએ સ્થૂલિભદ્રને મંત્રી પદ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ભોગ–વિલાસ અને સંસારના સંબંધોને દુઃખનું કારણ જાણીને તેઓએ મંત્રીપદને ઠોકર મારીને સંયમનો સ્વીકાર કર્યો. સાધના અને આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. આ સ્થૂલિભદ્રજીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૪) નાસિપુરના કુંવરીનંવ :- નાસિકપુરમાં એક શેઠ રહેતા હતા. તેનું નામ નંદ હતું. તેની પત્નીનું નામ સુંદરી હતું. નામ પ્રમાણે તે બહુ સુંદર હતી. નંદ શેઠ તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેને તે અતિ વલ્લભ અને પ્રિય હતી. શેઠ તે સ્ત્રીમાં એટલા અનુરક્ત હતા કે એક ક્ષણ માટે પણ તેનો વિયોગ સહન કરી શકતા ન હતા. તેથી લોકો તેને સુંદરીનંદના નામથી બોલાવતા હતા.
સુંદરીનંદને એક નાનો ભાઈ હતો. જેણે દીક્ષા ધારણ કરી હતી. જ્યારે મુનિને ખબર પડી કે મારો મોટોભાઈ સુંદરીમાં અત્યંત આસક્ત છે ત્યારે મુનિ તેને પ્રતિબોધ દેવા માટે નાસિકપુરમાં પધાર્યા. લોકો મુનિના આગમનના સમાચાર જાણીને ધર્મ ઉપદેશ સાંભળવા માટે મુનિની પાસે ગયા. સુંદરીનંદ મુનિ પાસે ન ગયાં. મુનિરાજ પ્રવચન બાદ આહારની ગવેષણા કરતાં કરતાં સુંદરીનંદના ઘરે ગયા. પોતાના ભાઈની સ્થિતિ જોઈને મુનિના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેને વધુ પ્રમાણમાં પ્રલોભન નહીં આપવામાં આવે ત્યાં સુધી તે પત્ની પ્રત્યેની આસક્તિ નહીં છોડે.
મુનિએ પોતાની વૈક્રિય લબ્ધિ વડે એક સુંદર વાંદરી બનાવી. પછી તેણે નંદને પૂછ્યું " શું આ વાંદરી સુંદરી જેવી સુંદર છે ?" શેઠે કહ્યું- સુંદરીથી અડધી સુંદર છે. બીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક વિદ્યાધરી બનાવી. પછી શેઠને પૂછ્યું– આ કેવી છે ? શેઠે કહ્યું " આ સ્ત્રી સુંદરી જેવી જ છે." ત્રીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક દેવીની વિકુર્વણા કરી, પછી તેણે ભાઈને પૂછ્યું– આ સ્ત્રી કેવી છે ? શેઠે કહ્યું– આ સ્ત્રી સુંદરીથી પણ અધિક સુંદર છે. મુનિએ કહ્યું– જો તમે થોડું પણ ધર્મનું આચરણ કરશો તો આવી અનેક સુંદરીઓ પ્રાપ્ત થશે. મુનિના એવા પ્રતિબોધપૂર્ણ વચનોને સાંભળીને સુંદરીનંદને પોતાની સ્ત્રી પ્રત્યેનો રાગ ઓછો થયો. થોડો સમય વ્યતીત થયા બાદ તેણે પણ દીક્ષા અંગીકાર કરી અને સંયમની સાધના કરીને આત્મકલ્યાણ કર્યું. પોતાના ભાઈને પ્રતિબોધિત કરવા માટે મુનિએ જે કાર્ય કર્યું તે પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે.
(૧૫) વજ્રસ્વામી :- અવંતિ દેશમાં તુંબવન નામનો એક સન્નિવેશ હતો. ત્યાં એક શેઠ રહેતા હતા. તેના પુત્રનું નામ ધનગિરિ હતું. ધનગિરિના વિવાહ ધનપાલ શેઠની પુત્રી સુનંદાની સાથે થયા. થોડો સમય વ્યતીત થયા બાદ ધનગિરિને સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ પરંતુ સુનંદાએ કોઈ પણ પ્રકારે રોકી દીધાં. અમુક સમય પછી દેવલોકથી ચ્યવીને એક પુણ્યવાન જીવ સુનંદાના ગર્ભમાં આવ્યો ત્યારે ધનગિરિએ કહ્યું– "ભાવિ પુત્ર તમારી જીવનયાત્રામાં સહાયક બનશે. હું તો દીક્ષા ગ્રહણ કરીશ." પતિની ઉત્કૃષ્ટ ઈચ્છાના કારણે સુનંદાએ દીક્ષાની આજ્ઞા આપી. ધનગિરિએ આચાર્ય સિંહગિરિની પાસે જઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એ જ આચાર્યની પાસે સુનંદાના ભાઈ આર્યસમિતે પણ દીક્ષા લીધી હતી.