________________
મતિજ્ઞાન
૧૪૯.
| શિક્ષા સમાપ્ત થવા પર રાજકુમારોએ પોતાના શિક્ષાગુરુને પ્રચુરધન ગુરુદક્ષિણા રૂપે આપ્યું. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કલાચાર્યને માર મારીને બધું ધન તેની પાસેથી પડાવી લેવાનો તેણે વિચાર કર્યો. રાજકુમારોને કોઈ પણ હિસાબે પોતાના પિતાના વિચારોની ખબર પડી ગઈ. પોતાના શિક્ષાગુરુ પ્રત્યે રાજકુમારોને અત્યંત પ્રેમ તથા શ્રદ્ધા હતી માટે તેઓએ પોતાના શિક્ષાગુરુના પ્રાણ બચાવવાનો નિર્ણય કર્યો.
રાજકુમારો આચાર્યની પાસે ગયા. તે વખતે શિક્ષાગુરુ ભોજનની પહેલા સ્નાન કરવાની તૈયારીમાં હતા. રાજકુમારો પાસે ગુરુએ પહેરવા માટે સૂકાઈ ગયેલું ધોતિયું માંગ્યું પણ રાજકુમારોએ કહ્યું– શાટિકા ભીની છે એટલું જ નહીં તેઓ હાથમાં તૃણ લઈને બોલ્યા- તૃણ લાંબા છે. તેમજ તેઓએ કહ્યું– પહેલા ક્રૌંચ પક્ષી સદા પ્રદક્ષિણા કરતાં હતાં. હવે તે જમણી બાજુ આંટા મારે છે. કલાચાર્ય રાજકુમારોની અટપટી વાતો સાંભળીને સાવધાન થયા, તે સમજી ગયા કે મારું ધન જોઈને કોઈ મારો દુશ્મન બન્યો હોય એવું લાગે છે. મારા પ્રિય શિષ્યો મને શાટિકાના બહાને ચેતવણી આપી રહ્યા લાગે છે. એવું જ્ઞાન થતાં તેમણે જે તિથિ પ્રસ્થાન માટે નક્કી કરી હતી તેનાથી પહેલા રાજકુમારો પાસે વિદાય લઈને તેઓ ચુપચાપ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. આ રાજકુમારો તથા કલાચાર્યની વૈયિકી બુદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે. (૧૪) નીદ્રોદક - કોઈ એક વ્યાપારી ઘણા વર્ષોથી પરદેશ રહેતો હતો. તેની પત્નીએ પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે પોતાની નોકરાણી પાસે કોઈ એક પુરુષને બોલાવ્યો. એ પુરુષ આવ્યો. પછી એક વાણંદને બોલાવ્યો. તેની પાસે આગંતુક પુરુષના નખ અને કેશ કપાવ્યા. પછી સ્નાનાદિ કરાવીને સારા વસ્ત્ર પહેરાવ્યા. દિવસભર તેની સેવા કરી રાત્રિના તેને શેઠાણી પાસે મોકલ્યો. એ રાત્રિમાં મુશળધાર વરસાદ વરસતો હતો. આગંતુકને ખૂબ જ તરસ લાગવાથી છાજા પરથી નીચે પડતું પાણી તેણે ખોબાથી પી લીધું. પણ બન્યું એવું કે છાજાના ઉપરના ભાગમાં એક મરેલા સર્પનું ક્લેવર પડ્યું હતું. તેના પરથી થઈને આવતું પાણી વિષ મિશ્રિત થઈ ગયું હતું. એવું પાણી પીતા જ તે દુરાચારી પુરુષનું ત્યાં જ મૃત્યુ થયું.
પેલા પુરુષનું મૃત્યુ જોઈને વણિકની પત્ની ગભરાઈ ગઈ. તેણીએ સેવકો દ્વારા તે જ સમયે મૃત માણસને શૂન્ય દેવકુલિકામાં ફેંકાવી દીધો. પ્રાતઃકાળ થતાં લોકોને મરેલા માણસની ખબર પડી. એ વાત રાજદરબારમાં ગઈ. રાજાના માણસોએ તેનું મૃત્યુ કેમ થયું હશે ? એનું કારણ શોધવાની શરૂઆત કરી. મૃતકને નિરખીને જોયો તો તેના નખ અને કેશ ટૂંક સમયમાં કાપ્યા હોય એવું લાગ્યું.
નખ અને કેશ કાપનાર તો હજામ જ હોય એવું વિચારીને રાજાના સેવકોએ શહેરમાં રહેલ દરેક હજામને બોલાવ્યાં. બોલાવીને દરેકને અલગ અલગ પૂછયું- આ વ્યક્તિના નખ અને કેશ કોણે કાપ્યા છે? એમાંથી એક હજાએ કહ્યું- અમુક વણિક પત્નીની દાસી મને બોલાવવા આવી હતી. તેણીના કહેવાથી મેં એના નખ અને કેશ ગઈ રાત્રિના કાપી આપ્યા હતા. રાજપુરુષોએ તરત જ દાસીને પકડી લીધી. ગભરાઈ ગયેલી દાસીએ ભયભીત થઈને શેઠની પત્નીની સંપૂર્ણ વાત બતાવી દીધી. આ ઉદાહરણ રાજાના કર્મચારીઓની વૈયિકી બુદ્ધિનું છે.