________________
મતિજ્ઞાન
૧૪૧ |
કન્યાના કહેવા મુજબ સેવકે ઉક્ત વિધિ પ્રમાણે દરેક ઘોડાઓની પરીક્ષા કરી તો તેમાંથી બે ઘોડા એવા શ્રેષ્ઠ નીકળ્યાં. સેવકે એ બન્ને ઘોડાની નિશાની યાદ રાખી લીધી. જ્યારે વેતન લેવાનો સમય આવ્યો ત્યારે સેવકે તે વ્યાપારી પાસે પેલા બે ઘોડાની માંગણી કરી. ઘોડાઓનો માલિક સેવકની વાત સાંભળીને મનમાં મૂંઝાવા લાગ્યો. આ સેવક મારા સર્વ શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઘોડાઓને લઈ જશે. તેણે કહ્યું– ભાઈ આ ઘોડા કરતા બીજા રુષ્ટ પુષ્ટ અને અધિક સુંદર ઘોડા છે તે તું લઈ જા. પણ સેવક માન્યો નહીં ત્યારે ગૃહસ્વામીએ અંદર જઈને પોતાની પત્નીને વાત કરી. "દેવી ! આ સેવક તો બહુ ચતુર નીકળ્યો. ન જાણે તેને કેવી રીતે આપણા બે પાણીદાર ઘોડાને ઓળખી લીધા! એને વેતનમાં મેં બે ઘોડા આપવાનું કહ્યું છે એટલે મારાથી ના પણ નહીં કહેવાય. જો તું હા પાડે તો આપણે એને ઘરજમાઈ બનાવી લઈએ."
પોતાના સ્વામીની એ વાત સાંભળીને સ્ત્રી નારાજ થઈને કહેવા લાગી. શું તમારું માથું તો નથી ફરી ગયું ને? નોકરને જમાઈ બનાવવાની વાત કરો છો ? ત્યારે વેપારીએ પોતાની પત્નીને સમજાવી. જો આ સર્વલક્ષણ સંપન્ન બન્ને ઘોડા ચાલ્યા જશે તો આપણને દરેક પ્રકારે નુકશાની થશે. આપણે પણ સેવક બનવાનો વખત આવશે. પરંતુ તેને જમાઈ બનાવી લઈએ તો એ બંને ઘોડા અહીં જ રહેશે અને તે પોતાની કળાથી બીજા ઘોડાઓને પણ ગુણયુક્ત બનાવશે. આ રીતે આપણને દરેક પ્રકારે લાભ થશે. બીજી વાત એ છે- આ અશ્વરક્ષક યુવક સુંદર અને ગુણવાન તો છે જ. વ્યાપારીની પત્ની પોતાના પતિની વાત સાંભળીને સહમત થઈ ગઈ.
અશ્વના સ્વામીએ ઘરમાંથી બહાર આવીને સેવકને કહ્યું– હું તારી બુદ્ધિ પર પ્રસન્ન થઈને મારી દીકરી સાથે તારા લગ્ન કરવા ઈચ્છું છું. સેવકને જોઈતું હતું તે મળી ગયું. વ્યાપારીની કન્યા સાથે તેના લગ્ન થઈ ગયા. વ્યાપારીએ તેને ઘરજમાઈ રાખી લીધો. જેથી શ્રેષ્ઠ ઘોડાઓ પણ રહ્યા અને ચતુર સેવક પણ રહ્યો. આ ઉદાહરણ વ્યાપારીની વૈયિકી બુદ્ધિનું છે.
(૯) ગ્રન્યિ - એક વખત પાટલિપુત્ર નગરમાં મુસંડ નામના રાજા રાજ્ય કરતા હતા. કોઈ એક દિવસે અન્ય રાજાએ તેના રાજ્યમાં ત્રણ વિચિત્ર વસ્તુઓ મોકલી. એક સૂતર મોકલ્યું પણ એનો છેડો ન હતો. બીજી એવી લાકડી મોકલી કે જેમાં ગાંઠ ન હતી. ત્રીજો એવો ડબ્બો મોકલ્યો જેમાં ઢાંકણું ન હતું. આ ત્રણે ય ચીજ પર લાખ એવી રીતે લગાડાયેલ હતી કે કોઈને ખબર ન પડે. રાજાએ રાજસભાને ત્રણે ય વસ્તુ દેખાડી પણ કોઈને સમજ ન પડી.
રાજાએ પાદલિપ્ત આચાર્યને સભામાં બોલાવ્યા અને તેને પૂછ્યું– ભગવન્! આપ આ ત્રણ વસ્તુનું સ્વરૂપ બતાવી આપશો? આચાર્યે કહ્યું– હા. એમ સ્વીકૃતિ આપીને આચાર્યે સભા સમક્ષ ગરમ પાણી મંગાવ્યું તેમાં એમણે સૂતરને ડૂબાડી દીધું તેથી સૂતર પર રહેલી લાખ ઓગળી ગઈ અને સૂતરનો છેડો દેખાવા લાગ્યો. બીજીવાર આચાર્યે ગરમ પાણીમાં લાકડી નાંખી એટલે ગાંઠવાળો ભાગ પાણીમાં ડુબી ગયો અને તેના પર રહેલી લાખ ઓગળી ગઈ. ત્રીજીવાર ગરમ પાણીમાં આચાર્યે ડબ્બો નાખ્યો એટલે લાખ ઓગળી જતાં ડબ્બાનું ઢાંકણ દેખાવા લાગ્યું. સભાજનોએ એકી અવાજે આચાર્યની પ્રશંસા
કરી.