________________
૪૪૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
* પૂર્વોક્ત નવ અધ્યયનોમાં વર્ણિત આચારનિધિનું પાલન કરવા માટે તથા અહિંસક જીવનનિર્વાહને માટે જે ભિક્ષાવૃત્તિ કરે છે તે સભિક્ષુ છે; કેવળ ઉદરપૂર્તિ માટે ભિક્ષાચરી કરનારા સભિક્ષુ નથી; આ અધ્યયનનો આ જ પ્રતિપાધવિષય છે. આ પરિભાષાથી ભિખારી અને ભિક્ષુ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઈ જાય છે.
* અધ્યયનમાં વર્ણિત ભિક્ષુના સંક્ષિપ્ત પરિચાયક લક્ષણો આ પ્રમાણે છે- જે સાધુ જિનવચનમાં અનુરક્ત હોય; વૈરાગ્યપૂર્વક સર્વ સંગનો, વિષય-કષાયનો પરિત્યાગ કરી આત્મરક્ષા અને જગજીવોની રક્ષા માટે સાવધાન હોય; આહારાદિમાં, ઉપકરણોમાં કે સ્થાનાદિમાં મૂર્છા કે ગૃદ્ધિના ભાવથી રહિત તેમજ મધ્યસ્થભાવ યુક્ત હોય; સમભાવની સાધના માટે સર્વ પ્રકારના પ્રપંચોથી, વેર વિરોધજનક કથાઓથી, પૂજા-પ્રતિષ્ઠા કે માન-સન્માનથી સર્વથા દૂર હોય; અજ્ઞાત કુળમાંથી નિર્દોષ આહારને પ્રાપ્ત કરી, સંગ્રહના ભાવ વિના સાધર્મિક સાધુઓ સાથે સંવિભાગ કરી, અનાસક્ત ભાવે ઉદરપૂર્તિ કરતા હોય; ઉપસર્ગો અને પરિષહોને સમભાવથી સહન કરતા હોય; વિવિધ પ્રકારના સદાચારના પાલન દ્વારા સ્વધર્મમાં સ્થિત હોય અને અન્યને સ્થિત કરતા હોય તે સ ભિક્ષુ કહેવાય છે. * ઉચ્ચકોટિનો ત્યાગ પણ વૈરાગ્ય વાસિત ન હોય ત્યાં સુધી તે ત્યાગનો આનંદ અનુભવી શકાતો નથી. ત્યાગ વૈરાગ્યને પ્રગટાવે અને વૈરાગ્ય ત્યાગનો આનંદ આપે છે. આ રીતે ત્યાગ અને વૈરાગ્ય દ્વારા જ પરમોચ્ચદશાને પ્રાપ્ત કરી શકાય છે. * સંક્ષેપમાં જે ત્યાગ અને વૈરાગ્યના ભાવથી સભર હોય તે જ સ ભિક્ષુ કહેવાય છે.
* ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫માં અધ્યયનનું નામ પણ "સ ભિક્ષુ" છે. ત્યાં પણ આ અધ્યયનની જેમ પ્રત્યેક ગાથાના અંતે "સ ભિક્ષ" શબ્દનો પ્રયોગ છે. બંને અધ્યયનમાં ગાથાઓની શબ્દ રચના ભિન્ન છે અને ભાવો પણ ભિન્ન રીતે રજુ કરવામાં આવ્યા છે. પરંતુ શ્રેષ્ઠ ભિક્ષના લક્ષણો પ્રગટ કરવા રૂપ ધ્યેય એક જ છે.