________________
શિક્ષા દ્વારા આચાર્ય દેવે ચોસઠ ગાથાઓમાં આચારના રત્નાભરણ ભરી, તે રત્નમંજૂષા આપી. સાધકને આચારનો આસામી બનાવ્યો છે. જેમાં માનવ મજૂરી કરતાં કરતાં જ્યારે કરોડાધિપતિ બને છે ત્યારે તે આસામી કહેવાય છે. તેમ સંસારનો ત્યાગી મહાત્મા આચાર્ય ગુરુભગવંતના ચિંધેલા રાહ ઉપર સાધક જીવનનું ઘડતર કરી ચાલે છે અને યથાતથ્ય આચારોનું પાલન કરે છે ત્યારે તેની કૃપાથી આવા આચારાભરણનો ખજાનો તેને પ્રાપ્ત થાય છે. તે નિધિને કેમ સાચવવી તેનું અપૂર્વ જ્ઞાન ગુરુભગવંતો કરાવે છે અને તેનું મહાભ્ય દર્શાવે છે; રખેને આ નિધિ સંસારના કાવાદાવા, પ્રપંચના કાદવમાં ખરડાઈ ન જાય તેની કાળજી રાખવા પ્રેરણા કરે છે. આ રીતે ૬૪ ગાથાઓમાં તે નિધિ સાચવવા માટે બહુ બહુ શિક્ષણ આપ્યું છે; કષાય રૂપી ઉઘઈથી બચાવવાના ઉપાયો દર્શાવ્યા છે; તેમાં વૃદ્ધાવસ્થા, ઈન્દ્રિયની શિથિલતા આદિ થયાં પૂર્વે જ ધર્મનું આચરણ બરાબર કરજે; તેવું અનેક પ્રકારનું જ્ઞાન કરાવ્યું છે; સાધકની આરાધના, વિરાધનામાં ચાલી ન જાય તેવા રક્ષાકારી ઉપાય દર્શાવી મહા ઉપકાર કર્યો છે. નવમી હિત શિક્ષા :- વિMય સમાદી = વિનય સમાધિ નામના ચાર ઉદ્દેશકથી આચાર્યદેવે નવમી હિતશિક્ષા રજૂ કરી છે. સાધકની દરેક ક્રિયાવિનયપૂર્વક શાંત સમાધિ ભાવે થવી જોઈએ. કષાયાધીન બનીને ગુરુદેવોની આશાતનાનો ભાગી ક્યારે ય ન થવાય તેની ખાસ જાગૃતિ રાખવી જોઈએ. કારણ કે આત્મ કલ્યાણના આવા અનુપમ માર્ગે ગુરુ ભગવંતો લઈ આવ્યા છે. માટે સાધકના મન, વચન, કાયા અભિમાનમાં અક્કડ બની અક્કલ ન ગુમાવે; કષાયથી કલુષિત બની કલહ ઊભો ન કરે; માયાથી મુકાદમ બની ગુરુદેવોના મર્મસ્થાન વિંધી ન નાખે, લોભથી લજ્જા હીન બની લાલચોમાં લપેટાઈ ગુરુવર્યોની મર્યાદાનો લોપ ન કરે; તેની શાંતિ લૂંટી ન લે; આ બધા કર્મના ઉદયભાવોના અડપલા કષાયના ઉકરડામાં ઘસડી ન જાય; પોતાને અસમાધિમય ન બનાવે તે માટે આચાર્યશ્રી એ ચાર ઉદ્દેશક દ્વારા ઉપયોગ રાખવાનું સૂચન કરીને ઉત્તેગ સિદ્ધિનું સોપાન સર કરાવ્યું છે. કેટલાંક દષ્ટાંત આપી સાધકને આશાતનામાંથી ઉગારી લીધો છે અને છેલ્લે મહત્ત્વપૂર્ણ ઉચ્ચારણ કર્યું છે કે વિનયથી આત્માની સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા અવિનયથી વિપત્તિ પ્રગટ થાય છે માટે હે શિષ્યો ! સિદ્ધિનું સુખ જોઈતું હોય તો સતત વિનય કરતા રહેજો.
(36