________________
૩૨૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
- પરમાર્થ – ભાષા ઔષધ તુલ્ય છે. ઔષધ-શરીરને હિત કરે, તેમ ભાષા આત્માનું હિત કરે છે. માટે આત્મહિત થાય તે રીતે તેનો પ્રયોગ કરવો તે પુણ્યપ્રાપ્ત વાગ્યોગની સફળતા છે. અનંતકાળ પછી જીવને કર્મો હળવા થવા રૂપ પુણ્યના બળે બેઇન્દ્રિયાદિ જાતિમાં ભાષાની(જીલ્લાની) પ્રાપ્તિ થાય છે, તેના સદુપયોગ દ્વારા કર્મોને હળવા કરીને ઉત્તરોત્તર આત્મવિકાસ સાધવો તે જીવનું કર્તવ્ય છે. નિશ્ચયથી બીજાના લાભ માટે નહીં પણ પોતાના કર્મક્ષય કરવા બોલવાનું છે. એ લક્ષ્યથી બોલાયેલા શબ્દો પરોપકારી પણ બને છે.
સ્વ–પર હિતકારી ભાષા બોલવાનું શિક્ષણ મેળવવું ખૂબ અગત્યનું છે. લોકોત્તર ચિકિત્સક સાધુ પુરુષોનું સ્થાન પણ સદુપદેશ દેવાના કારણે ઊંચુ છે. કોને, ક્યારે, કયું ઔષધ, કેટલા પ્રમાણમાં, કયા પથ્યથી હિત કરશે, તે સમજીને અધિકારી પાત્ર શ્રોતાને હિત થાય તેવું, તેટલું અને ત્યારે તે વચન, તેવા ભાવપૂર્વક બોલવું; તે શીખવાડવાનું જૈન દર્શનનું ધ્યેય છે.
આ અધ્યયનમાં ગ્રંથકારે તે વાતને બાળક પણ સમજે તે રીતે સમજાવી છે. યથાયોગ્ય અભ્યાસ કરીને બોલતાં શીખવું. વિવેકથી વચન વદતાં સ્વ-પરની વિપરીત માન્યતા વિનાશ પામે છે. વિનયથી કેળવેલી વચનલબ્ધિ વચનાતિશય બની, સુવાક્યથી સંયમિત બની, વીતરાગભાવ પ્રગટ કરાવે છે. વિચાર વિશુદ્ધિ પ્રમાણે વચન વાપરવા જોઈએ. તે પરમ પ્રાણ પ્રગટ કરવાનો પરમાર્થ છે, ઉપાય છે.
II અધ્યયન-૭ સંપૂર્ણ II