________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
હું સર્વ પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરું છું.
તે મહાવ્રતમાં મુનિએ ગામ, નગર કે અરણ્યમાં કોઈ પણ સ્થળે અલ્પ કે બહુ, નાની ચીજ કે મોટી ચીજ, સચિત્ત કે અચિત્ત વસ્તુ હોય તેમાંથી કોઈ પણ વસ્તુ સ્વયં અદત્ત ગ્રહણ કરવી નહીં, અન્ય દ્વારા પણ અદત્ત ગ્રહણ કરાવવી નહીં, ગ્રહણ કરનારને અનુમોદન આપવું નહીં.
હે ભગવન્! હું પણ આ પ્રકારના અદત્તનો જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન, કાયા દ્વારા ચોરી કરીશ નહીં, ચોરી કરાવીશ નહીં અને જે ચોરી કરતા હોય તેમાં અનુમોદન આપીશ નહીં. તેમજ પૂર્વ કાળે તે સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું; આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું આપની સમક્ષ તેની ગહ કરું છું અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. હે ભગવન્! એ પ્રમાણે ત્રીજા સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું. વિવેચન :
અદત્તાદાન :- અ = નહીં, દત્ત = આપેલી વસ્તુને, આદાન = ગ્રહણ કરવી. કોઈએ ન આપેલી વસ્તુને ગ્રહણ કરવી અદત્તાદાન કહેવાય છે. વ્યવહારમાં તેને ચોરી કહે છે. અન્યના અધિકાર કે સ્વામીત્વને છીનવી લેવા તે પણ અદત્તાદાન છે. તેનું ઉગ્રરૂપ, ચોરી, ગુંડાગીરી, લૂંટ આદિ છે.
આ દરેક પ્રકારના અદત્તાદાનથી વિરક્ત થવા માટે સાધુ-સાધ્વી પ્રતિજ્ઞાબદ્ધ હોય છે. તેઓ ગામમાં, નગરમાં, અરણ્યમાં, કોઈપણ જગ્યાએ, કોઈપણ ક્ષેત્ર વિશેષમાં સર્વથા અદત્તાદાન વિરમણ વ્રતનું પાલન કરે છે. મM વા વંદું વાદ– અલ્પના બે પ્રકાર છે– (૧) મૂલ્યની દષ્ટિએ કોડી વગેરે. (૨) પરિમાણની દષ્ટિએ એક કે બે વસ્તુ. બહુના બે પ્રકાર છે– (૧) મૂલ્યની દૃષ્ટિએ હીરા આદિ (૨) પરિમાણ(સંખ્યા)ની દષ્ટિએ ઘણી સંખ્યાવાળી વસ્તુ. ગણું વા= નાની વસ્તુ-તણખલું આદિ. પૂર્વ વા = મોટી વસ્તુ મકાનાદિ. સચેત = મનુષ્યાદિ, અચેત = ધનસંપત્તિ, આભૂષણાદિ. દ્રવ્યાદિની અપેક્ષાએ અદત્તાદાન વિરમણ વ્રત – (૧) દ્રવ્ય દષ્ટિએ અદત્તાદાનનો વિષય અલ્પ, બહુ, સૂક્ષ્મ, પૂલ, સચેત, અચેત આદિ દ્રવ્ય છે. (૨) ક્ષેત્ર દષ્ટિએ ગામ, નગર, જંગલ આદિ સ્થાન છે. (૩) કાળ દષ્ટિએ દિવસ અને રાત્રિ આદિ સર્વકાળ છે. (૪) ભાવદષ્ટિએ લોભ, મોહ આદિ ભાવ છે અને ત્રણ કરણ, ત્રણ યોગનો પણ ભાવમાં સમાવેશ થાય છે.
બીજી રીતે અદત્ત પાંચ પ્રકારના છે– (૧) દેવ અદત્ત-તીર્થકર દેવ દ્વારા નિષિદ્ધ વસ્તુ ગ્રહણ કરવી તે (૨) ગુરુ અદત્ત-ગુરુ દ્વારા નિષિદ્ધ વસ્તુ ગ્રહણ કરવી કે ગુરુની આજ્ઞા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી તે (૩) રાજા અદત્ત-રાજાની આજ્ઞા વિના તેના રાજ્યમાં પ્રવેશ કરવો, વિચરવું તથા રાજા દ્વારા નિષિદ્ધ પ્રવૃત્તિ તેના રાજ્યમાં કરવી તે (૪) ગૃહપતિ અદત્ત-ગૃહસ્થ કે શય્યા દાતાની કોઈપણ વસ્તુ વણપૂછી વણદીધી ગ્રહણ કરવી તે (૫) સાધર્મ અદત્ત-સહવર્તી શ્રમણોની કોઈપણ વસ્તુ તેઓને પૂછ્યા વગર લેવી તે.