________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૭૩ ]
ભાવાર્થ - જે આ અનેક પ્રકારના ઘણા ત્રસ પ્રાણીઓ છે જેમ કે- અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સમૂર્છાિમ, ઉદ્ભિજ અને ઔપપાતિક. તે ત્રસ પ્રાણીઓના લક્ષણ આ પ્રમાણે છે કે જે કોઈ પ્રાણીઓમાં સામે આવવું, પાછા જવું, સંકુચિત થવું, ફેલાવું, શબ્દોચ્ચાર કરવા, ભયભીત થવું, ત્રાસ પામવો, પલાયન થવું, ગમનાગમન કરવું, ઈત્યાદિ ક્રિયાઓ દેખાય તે ત્રસજીવો છે, યથા
કીડાપતંગિયા, કુંથુવા, કીડી, સર્વ બેઈન્દ્રિયજીવો, સર્વ તેઈન્દ્રિયજીવો, સર્વ ચૌરેન્દ્રિયજીવો, સર્વ પંચેન્દ્રિયજીવો, સર્વ તિર્યંચયોનિકો, સર્વ નારકો, સર્વ મનુષ્યો, સર્વ દેવો. તે સર્વ જીવો પરમ દુઃખી છે, સુખના ઈચ્છુક છે. આ છઠ્ઠો જીવનિકાય, ત્રસકાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રસકાયના જીવોના લક્ષણ અને તેની વિવિધતાનો પરિચય છે. ત્રસકાય:- જે સ્વતંત્ર રૂપે ગમનાગમન કરે છે, તેને ત્રસ કહે છે. ત્રસ જીવોમાં બેઈન્દ્રિય આદિ અનેક જાતિ અને પ્રત્યેક જાતિમાં અનેક પ્રકારના જીવો છે. આ રીતે ત્રસકાયમાં બંને પ્રકારની બહુલતા સૂચિત કરવા સૂત્રકારે 'અને હવે તલા પાણા' શબ્દ પ્રયોગ કર્યો છે. ત્રસજીવોના લક્ષણ - આ સૂત્રમાં બિરુત પદથી લઈને માફ દ વિઘળા પદ સુધી ત્રસજીવોના નવ લક્ષણ બતાવ્યા છે. તે પ્રત્યક્ષરૂપે જોઈને સમજી શકાય છે. કેટલાક ત્રસજીવો પોતાની ઈચ્છાથી સામે આવે છે અને પાછા પણ જાય છે, કેટલાક શરીરને સંકોચે છે તો કેટલાક ફેલાવે છે, કેટલાક ત્રસજીવ આપત્તિ અથવા કષ્ટ આવવાથી અમુક કારણવશાત્ જોરજોરથી રાડો પાડે છે, અવાજ કરે છે; ભયભીત થઈને દોડાદોડ કરે છે. કૂતરા આદિ પશુ ભૂલા પડીને દૂર ચાલ્યા ગયા હોય તો પાછા પોતાના માલિક પાસે પહોંચી જાય છે. કેટલાક પશુઓમાં અમે અમુક જગ્યાએથી આવી રહ્યા છીએ અને અમુક જગ્યાએ જઈ રહ્યા છીએ. તેવું વિશિષ્ટજ્ઞાન હોય છે. કેટલાક ત્રસજીવો તડકામાંથી છાયામાં અને અરૂચિ થવાથી છાયામાંથી તડકામાં ચાલ્યા જાય છે. આ પ્રકારની સ્પષ્ટ ક્રિયાઓથી ત્રસજીવોને ઓળખી શકાય છે.
ઉત્પત્તિની દષ્ટિએ ત્રસજીવોના પ્રકાર- (૧) અંડજ = ઈડાથી ઉત્પન્ન થનાર મોર, કબૂતર આદિ (૨) પોતજ = જેના ઉપર કોઈ આવરણ લપેટાયેલું ન હોય જે સીધા બાળરૂપે માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે. જેમ કે હાથી આદિ. (૩) રાયજ = જન્મતી વખતે જરાથી વિંટળાયેલ મનુષ્ય, ગાય, ભેંસ આદિ. (૪) રસજ = દૂધ, દહીં, ઘી, મઠો વગેરે વિકૃત થાય ત્યારે તેમાં ઉત્પન્ન થતાં જીવો, (૫) સંસ્વેદજ = પસીનાથી ઉત્પન્ન થનાર છું, માંકડ આદિ, (૬) સંમૂર્છાિમ = શીત–ઉષ્ણ આદિ બાહ્ય કારણોના સંયોગથી અથવા ચારે બાજુના વાતાવરણથી માતા-પિતાના સંયોગ વિના જ ઉત્પન્ન થાય છે. તે મૂર્છાિમ કહેવાય છે. જેમ કે ટીડ, પતંગિયા, કીડી, માખી આદિ. (૭) ઉદ્ભિજ = પૃથ્વીને ફોડીને જે જીવ ઉત્પન્ન થાય તે ઉદ્િભજ કહેવાય છે જેમ કે પતંગિયા, ટીડ, ભમરો આદિ (૮) ઔપપાતિક- ગર્ભજ અને સંમૂર્ણિમથી ભિન્ન દેવ અને નારીના જન્મને ઉપપાત કહે છે. દેવો શય્યામાં અને નારકો કુંભમાં સ્વયં ઉત્પન્ન થાય છે. દેવ અને નારક જીવ એક જ મુહૂર્તમાં પૂર્ણ યુવાન બની જાય છે. આ રીતે ઓચિંતા (સહસા) ઉત્પન્ન થવાને કારણે તેને ઔપપાતિક કહેવાય છે.